રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે સરકાર જરૂરી પ્રોટોકોલ સાથે શાળાઓ શરૂ કરવાની પણ છુટછાટ આપી શકે તેમ છે: કોચિંગ કે ટ્યુશન કલાસ શરૂ કરતા પહેલા શાળાઓ શરૂ થાય તે વધુ ઈચ્છનીય
ટ્યુશન કલાસની જગ્યાઓ પણ સાંકળી હોય છે આવામાં વિદ્યાર્થી સંક્રમીત થાય તેવો પણ ભય: શાળાઓમાં જો એસઓપીનું પાલન ન થાય તો સંચાલકો સામે ઉચિત પગલા પણ લઈ શકાય
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી કોચિંગ-ટ્યુશન કલાસ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવી છે. ત્યારે સવાલ એવો ઉભો થઈ રહ્યો છે કે, ટ્યુશન કલાસીસ શરૂ કરવા માટે જો મંજૂરી આપી શકાતી હોય તો શાળાઓને તાળા શા માટે રાખવામાં આવ્યા છે.
ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમીટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાના કેસમાં સતત થઈ રહેલા ઘટાડાના પગલે કેટલાંક પાબંદીઓમાં છુટછાટ આપવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કોચિંગ કલાસ અને ટ્યુશન કલાસ સંપૂર્ણપણે બંધ રહેવાની છે તો બીજી તરફ શાળાઓ પણ ઓનલાઈન શિક્ષણ આપી રહી છે.
કોર કમીટીની બેઠકમાં કાલે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ધો.9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી તેમજ તમામ પ્રકારની સ્પધર્શત્મક ભરતી પરીક્ષા માટેનો કોચિંગ અને ટ્યુશન ક્લાસીસ સ્થળની ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓ સાથે બેચવાઈઝ અને કોરોના એસઓપીના પાલન સાથે શરૂ કરી શકાશે. સામાન્ય રીતે ટ્યુશન કે કોચિંગ કલાસીસ સાંકળી જગ્યામાં ચાલતા હોય છે અને તે કોઈ સ્થળે નોંધાયેલા પણ હોતા નથી. તેઓ કોરોના પ્રોટોકોલનું પાલન ન કરે તો પણ તેમની સામે પગલા લેવામાં ખાસ્સો સમય પસાર થઈ જતો હોય છે.
હાલ રાજ્યમાં જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે જો કોચિંગ અને ટ્યુશન કલાસ શરૂ કરવાની મંજૂરી આપી શકાતી હોય તો શાળાઓ શરૂ કરવા માટે શા માટે મંજૂરી આપી ન શકાય ? તેવો પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી બાળકો ઓનલાઈન અભ્યાસ કરી ર્હયાં છે જેના કારણે તેઓનો વિકાસ પણ રુંધાઈ રહ્યો છે. વાલીઓ અને શિક્ષણ વિદો પણ ઈચ્છી રહ્યાં છે કે, હવે આ ઓનલાઈન શિક્ષણનો સીલસીલો બંધ થાય અને બાળકો ફરી શાળાએ જઈ ઓનલાઈન શિક્ષણ હાસલ કરી શકે. ટ્યુશન કલાસીસની ક્ષમતા કોણ નક્કી કરશે અને 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવા તેવું નક્કી કરવાનું ખુદ સંચાલકને જ રહેશે એટલે તે સાંકળી જગ્યામાં ધારે તેટલા વિદ્યાર્થીને બેસાડશે અને ફરી કોરોનાનું સંક્રમણ વધારશે તેવો ભય પણ નકારી શકાતો નથી.
રાજ્યમાં હાલ કોરોનાનું સંક્રમણ નહીંવત જેવું છે ત્યારે સરકારે જે મીની લોકડાઉન લાદયું હતું તે સંપૂર્ણપણે ધીમે ધીમે અનલોક તરફ આગળ વધી રહ્યું છે. લગ્નમાં પણ હવે 150 વ્યક્તિઓ હાજર રહી શકે તેવી મંજૂરી આપવામાં આવી છે. બાગ-બગીચાઓ પણ ખુલી ગયા છે. જીમ પણ 60 ટકા ક્ષમતા સાથે એસઓપીને આધીન ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી છે તો માત્ર શાળાઓને જ શા માટે બંધ રખાય છે તે પણ એક મોટો સવાલ છે. શાળા-કોલેજ અને અન્ય સંસ્થાની પ્રવેશ પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનના પાલન કરવાની શરતે યોજી શકાશે તેવી છુટછાટ આપવામાં આવી છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટેશન 75 ટકા કેપેસિટીથી ચાલુ રાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે તો હવે સરકારે ગંભીરતાથી વિચારણા કરી શાળાઓના તાળા પણ વહેલી તકે ખુલે તે દિશામાં કામગીરી કરવાની આવશ્યકતા છે. છેલ્લા દોઢ વર્ષથી શાળા બંધ હોવાના કારણે હવે શાળા સંચાલકો પણ આર્થિક કટોકટી ભોગવી રહ્યાં છે. બીજી તરફ ઓનલાઈન શિક્ષણ બાળકોના ભાવિ સાથે ચેડા કરી રહ્યું હોય તેવું મહેસુસ થઈ રહ્યું છે. સરકારે કોઈ વચ્ચગાળાનો રસ્તો કાઢી શાળાના ઓરડાઓ ફરી બાળકોના કિલકીલાટથી ગુંજી ઉઠે તેવો પ્રયાસ કરવો જોઈએ.
ધો.9 થી 12ની શાળા શરૂ કરવા સત્વરે મંજૂરી આપો: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ
ગુજરાત સરકારે ટ્યુશન ક્લાસ, મોલ, સિનેમાઘર, ધાર્મિંક સ્થળોને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાની શરતે શરૂ કરવાની છુટછાટ આપી છે ત્યારે હવે રાજ્યમાં ધો.9 થી 12ની શાળા શરૂ કરવા માટે સત્વરે મંજૂરી આપવામાં આવે તેવી માંગણી ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.
તાજેતરમાં સરકારની કોર કમીટિની મળેલ મીટિંગમાં જે રીતે ટયુશનકલાસીસ અને ધાર્મીક સ્થળો સહીતના અનેક વાણીજ્ય વ્યવસાયોને કોવીડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, તે અનુસાર ધોરણ 9 થી 12 ની તમામ શાળાઓને પણ ફરી શરુ કરવા મંજૂરી આપવામાં આવે તે માટે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ સરકારને અનુરોધ કરે છે.
આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું હતું કે જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરુ કરેલ તે રીતે જયારે હવે કોરોના કાબુમાં આવ્યો છે અને સરકારશ્રી દ્વારા ટયુશન કલાસ અને અન્ય વાણીજય અને ધાર્મીક સંસ્થાઓને મંજૂરી આપી છે, તે રીતે પ્રથમ તબક્કામાં સરકારે ધોરણ 9 થી 12 ની શાળાઓને ફરી શરુ કરવાની મંજૂરી આપવી જોઇએ તેવી અમારી માંગણી છે.
ટયુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ, શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેથી ટયુશન કલાસની સરખામણીએ કોવીડ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે. તે ઉપરાંત ધોરણ 9 થી 12 ના વર્ષો અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ 1.5 વર્ષ જેટલુ પ્રત્યક્ષ શિક્ષણનું નુકશાન થયેલ છે, તો સરકારશ્રી દ્વારા આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા અને સત્વરે શાળાઓ શરુ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ કરે છે.
આ માટે ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, સવજીભાઇ પટેલ, એમ. પી. ચંદ્રન, ઉત્પલભાઇ શાહ, મહામંત્રી શ્રી રાજેશભાઇ નાકરાણી, મનહરભાઇ રાઠોડ, રાજકોટ જીલ્લાના પ્રમુખ ડી. વી. મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનયર જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા તથા મહામંડળના સલાહકાર સમિતી, કોર કમિટી અને કારોબારી સમિતીના તમામ સભ્યો દ્વારા સરકારને અનુરોધ કરવામાં આવે છે.