બંધારણમાં કોઈની શાંતિ હણવાનો અધિકાર આપવામાં આવ્યો નથી

આજના સમયમાં ઠેર-ઠેર થઈ રહેલા અવાજ પ્રદુષણને હવે તિલાંજલી આપવાનો સમય પાકી ગયો છે. જો કે આ મુદાને ધર્મ સાથે જોડવો ક્યારેય ઉચિત નથી.

ધર્મ કોઈ પણ હોય, અવાજ પ્રદુષણ કરવાની જરૂર જ રહેતી નથી. કારણકે ઈશ્વરનું નામ તો મનથી લઈ તો પણ તેના સુધી અવાજ પહોંચી જાય છે. માટે આ મુદ્દો ધર્મનો નહિ પણ સમગ્ર સમાજનો છે. હાઇકોર્ટે પણ આ મુદ્દે કહ્યું છે કે લાઉડ સ્પીકરને લઈ ધાર્મિક વાતાવરણ ડહોળવુ ઉચિત નથી.

For Blog

બંધારણીય અધિકારમાં કોઈની શાંતિ હણવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. અલ્હાબાદ હાઈકોર્ટે ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાના નિર્ણયને પણ મંજૂરી આપી દીધી છે. ધાર્મિક સ્થળે લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે ધાર્મિક સ્થળે લાઉડસ્પીકર લગાવવો એ કોઈનો મૂળભૂત અધિકાર નથી. હાઇકોર્ટનું આ વલણ ખરેખર પ્રસંશનીય છે.

છેલ્લા ઘણા સમયથી લાઉડ સ્પીકરનો વિવાદ ચાલતો આવ્યો છે. જો કે તેને ધર્મ સાથે જોડીને ઘણાએ રાજકારણ પણ રમ્યુ છે. પણ એ વાત તો સ્પષ્ટ છે કે આ મુદ્દો ધર્મનો નથી. અને ઘોંઘાટ ન કરવો એ કોઈ એક ધર્મને લાગુ પડતું નથી. તમામ ધર્મને લાગુ પડે છે. કારણકે કોઈ ધર્મમાં માનવજાત કે સમગ્ર સૃષ્ટિને નુકસાન થાય તેવા કૃત્યને સ્થાન નથી. માટે જ ઈશ્વરને ઘોંઘાટ વિના યાદ કરવા એ જ સાચો જ રસ્તો છે.

અવાજ પ્રદુષણ ધાર્મિક મુદ્દો નથી, સામાજિક મુદ્દો છે

ઘોંઘાટ માણસ જાતને ખલેલ પહોંચાડે છે. જે માનસિક શાંતિમાં પણ બાધા ઉભી કરે છે. ઘોંઘાટનો મુદ્દો ધાર્મિક નથી, સામાજિક મુદ્દો છે. ધ્વનિ પ્રદૂષણની અવગણના કરનારા યુવાનોનું ભવિષ્ય અંધકારમય છે.  તેઓ માત્ર બહેરા જ નહીં, પણ તેમની યાદશક્તિ અને એકાગ્રતાને પણ નુકસાન પહોંચાડી શકે છે.  જો આમ થશે તો ભાવિ પેઢી એવી અંધકારમય દુનિયામાં હશે જ્યાં સંવેદનાઓ જ નહીં હોય.  લોકો બહેરા થઈ જશે, સંવેદનાઓ ફક્ત આંખોમાં જ દેખાશે.

કમનસીબી… ઘોંઘાટના વિરોધમાં થઈ રહેલા આંદોલનો જ ઘોંઘાટ કરી રહ્યા છે!!!

ઘોંઘાટ સામે આંદોલન થવું જ જોઈએ, પરંતુ હાલ તેનાથી વિપરીત થઈ રહ્યું છે.  હવે ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકરના ઉપયોગની વાત જ ઉદાહરણ તરીકે લઈએ. વાસ્તવમાં આ મામલો અવાજ પ્રદુષણ વિરુદ્ધનો છે. પણ આ વિરોધમાં પણ ઘોંઘાટ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આ મુદ્દાને કેટલાક લોકો  રાજકીય રંગ આપી રહ્યા છે. ખરેખર આ મુદ્દાને ધર્મ સાથે જોડવો ન જોઈએ કારણકે આ મુદ્દો સમગ્ર માનવજાત ઉપર દરેક સજીવોને અસર કરતો મુદ્દો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.