ઘડીયાળના કાંટા ઉંધા ફરવા લાગ્યા હોય તેમ એક સમયે બેંકોના રાષ્ટ્રીયકરણની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવતી હતી. હવે ખાનગીકરણનો યુગ આવી રહ્યો હોય તેમ એક બાદ એક સરકાર સંચાલીત બેંકોનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં સંભવિત રીતે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીસ બેંકનું ખાનગીકરણ કરવામાં આવશે.
સરકારની થીંક ટેન્ક ગણાતી નીતિ આયોગ દ્વારા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાનગીકરણના શરૂ થયેલા વિચાર-વિમર્શ અંગે સંકેતો આપ્યા હતા. આ અહેવાલમાં એવું પણ જણાવ્યું છે કે, ખાનગીકરણ માટેની બેંકોની યાદીમાં બેંક ઓફ ઈન્ડિયા પણ સામેલ થઈ શકે છે. નીતિ આયોગે સરકાર સંચાલીત અને એક ખાનગી બેંકના નામો ખાનગીકરણ માટે સમીતીને સુચવ્યા હતા. નીતિ આયોગનું કામ સરકારના જાહેર સાહસોના ખાનગીકરણની શકયતા અને લાભાલાભની સમીક્ષા કરવાનું છે. સરકાર દ્વારા ખાનગીકરણને વેગ આપવાની નીતિ અપનાવવામાં આવી છે.
સરકારી જાહેર સાહસોના ખાનગીકરણથી રૂા.1.75 લાખ કરોડ ઉભા કરવાનું સરકારનું લક્ષ્ય
વર્ષ 2021-22ના કેન્દ્રીય બજેટમાં ઘડવામાં આવેલી નીતિના ભાગરૂપે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીસ બેંકના ખાનગીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સીયલ સર્વિસ ડીઆઈપીએમ ‘દીપમ’ દ્વારા આ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના 1.75 લાખ કરોડ રૂપિયા ઉભા કરવાના લક્ષ્યના ભાગરૂપે આ બન્ને બેંકોના ખાનગીકરણનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.
સરકારના ખોટ ખાતા એકમોની સાથે સાથે કેટલાંક નફા કરતા એકમોની ખાનગીકરણની પ્રક્રિયા થકી ભંડોળ ઉભુ કરવાના લાંબાગાળાના આયોજનના ભાગરૂપે હવે બેંકોના ખાનગીકરણ પર સવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એર ઈન્ડિયા, બીપીસીએલ, સીપીંગ કોર્પોરેશન સહિતના સરકારના જાહેર સાહસોનું પણ ચાલુ નાણાકીય વર્ષમાં જ ખાનગીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.