આ રાંદલમાં એટલે ભગવાન વિશ્વકર્માના પુત્રી. વિશ્વકર્મા ભગવાનને ત્યાં પુત્રી રૂપે અવતરેલાં રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમની પ્રીતિ સૂર્યનારાયણ તરફ વળવા લાગી.
રાંદલમાએ સીધા જ પિતા પાસે જઈ અને સૂર્યનારાયણ દેવ સાથે તેમના વિવાહની ઈચ્છા પ્રગટ કરી. પરંતુ પિતા વિશ્વકર્મા એ તેમના પ્રસ્તાવને નકાર્યો. પણ એક વખત રાંદલ માના માતાજી સૂર્ય નારાયણ ભગવાનને ત્યાં માટીનું બનેલું પાત્ર માંગવા ગયા ત્યારે સૂર્ય દેવે માતાજીને પાત્ર આપી શરત કરી કે જો રસ્તામાં આ પાત્ર તૂટી જશેતો તેમણે પોતાની પુત્રી રાંદલના વિવાહ તેમની સાથે કરવા પડશે.
ત્યારબાદ સૂર્ય નારાયણે પોતે યુક્તિપૂર્વક રસ્તા માં માટી નું પાત્ર ખંડિત કર્યું. અને રાંદલ માતા સૂર્ય નારાયણના પત્ની બન્યા. શ્રી રાંદલ માતા ની બીજી મહત્વની ઓળખ એ છે કે તેઓ મૃત્યુના દેવતા યમરાજા અને યમુનાજી ના માતાજી છે. અશ્વિની કુમારો પણ તેમનાં સંતાનો છે.
રાંદલના લોટા તેડવાનો રિવાજ છે. શા માટે આ રિવાજ પડયો? રાંદલમાંના લોટા પાછળ પણ એક મજેદાર કહાની છે. સૂર્યના પ્રખર તેજને કારણે રાંદલ માતા પતિના મુખ તરફ જોઈ શકતા ન હતા, પરંતુ સૂર્ય ભગવાનને ગેરસમજણ થઇ કે રાંદલ માં તેમના રૂપને કારણે અભિમાન થી પતિની ઉપેક્ષા કરી રહ્યા છે. એટલે તેમણે રાંદલ માનેશ્રાપ આપી તર છોડ્યા.
રાંદલ માંએ પોતાની છાયાનું સર્જન કર્યું અને પોતાના છાયા સ્વરૂપને સૂર્યની સેવામાં મૂકી પોતે પિતૃગૃહે પ્રયાણ કર્યો. પતિનું ઘર છોડીને આવેલી પુત્રીને પિતાએ પણ જાકારો આપ્યો અને રાંદલ માએ જંગલમાં રહી 14 હજાર વર્ષ સુધી તપ કર્યું. પણ આખરે સૂર્ય ભગવાન રાંદલમાં સુધી પહોંચ્યા તેમણે સત્ય જાણ્યું અને રાંદલ માંને સ્વીકાર્યા .
આ સમયે રાંદલ માતાની છાયાએ આટલા વર્ષો સૂર્ય ભગવાનની સેવા કરી તે માટે આશીર્વાદ માગ્યા ત્યારે રાંદલમાં તેમને વચન આપ્યું કે જ્યારે પણ હિન્દુઓ શુભ પ્રસંગે તેમની પધરામણી કરાવશે ત્યારે રાંદલમાં તેમના છાયા સ્વરૂપને પણ હંમેશા સાથે રાખશે, એટલે આપણે તસવીરમાં રાંદલ માતાના બે સ્વરૂપ જોઈએ છીએ.
આ સમયે ભગવાન સૂર્ય નારાયણે પણ વચન આપ્યું કે જ્યારે કોઈ રાંદલમાના લોટા તેડાવશે ત્યારે પોતે ઘોડા સ્વરૂપે ત્યાં હાજર રહેશે, અને જ્યાં સુધી ઘોડો ખુંદવાનું કાર્ય સમાપ્ત નહીં થાય, ત્યાં સુધી રાંદલ માતાનો પ્રસંગ અધૂરો રહેશે, એટલે આપણે ત્યાં રાંદલમાં તેડાવીએ છીએ, ત્યારે ગરબા ગાયા બાદ ઘોડા કુદવાનો પણ રિવાજ છે, રાંદલ સાથે જાગ તેડાવાનો પણ રિવાજ છે, જેમાં સૂર્યની વિશેષ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે.
રાંદલમા પૃથ્વી પર કેવી રીતે પ્રગટ થયા?….
આ રાંદલ માતાની ઉત્પત્તિની વાત પણ અત્યંત રોચક છે, પૃથ્વી પર વધેલા અધર્મને જોઈને ચિંતિત સૂર્યનારાયણ ભગવાને રાંદલ માતાને મૃત્યુલોકમાં જઈ ને અધર્મિ થયેલાં મનુષ્યને સતમાર્ગે વાળવાનું કામ સોંપ્યું. અને રાંદલ માતા નાની બાળા સ્વરૂપે ગુજરાતના કચ્છ ના રણમાં ઉતરી આવ્યા. એ સમયે ગુજરાતમાં કારમો દુકાળ પડ્યો હતો પણ આ બાળકી ના આવવાથી સારામાં સારો વરસાદ શરુ થયો.
લોકોએ બાળકીના આગમનને વધાવ્યું, તેના પગલા શુકનવંતા માન્યાયા અને પોતાની સાથે બાળકીને રાખીને તેને ઉછેરવા લાગ્યા, બાળકી રણમાંથી મળી આવી હતી તેથી તેનું નામ રાંદલ રાખ્યું, રાંદલના આગમને ગામની કાયાપલટ કરવા લાગી. અપંગ, દીન- દુખિયા અને રોગી લોકો રાંદલના આશીર્વાદ મેળવી સાજા થવા લાગ્યા, રાંદલમાતા યુવાનીમાં પ્રવેશતાં જ તેમની સુંદરતા અને તેમના કાર્યની ખ્યાતિ ચોમેર પ્રસરવા લાગી.
રાંદલમાં પર કોઈ એક ગામના રાજાના સિપાહીઓની દૃષ્ટી પડતાં તેમની સુંદરતાના વખાણ તેમણે રાજા સમક્ષ કર્યા અને રાજાના મનમાં રાંદલ માને પામવાની ભાવના ઉત્પન્ન થઈ, તેણે રાંદલમાના ગામ પર ચડાઈ કરી. પરંતુ રાંદલમાના પ્રખર તેજે ઉભા કરેલા ધૂળના વંટોળમાં રાજાનું સૈન્ય નાશ પામ્યું, એ ગામ હતું દડવા ગામ, દડવા ગામે પ્રજાની વિનંતીને માન આપીને રાંદલમા સ્થાયી થયાં, વલભીપુરમાં પણ રાંદલ માતાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી રાંદલ માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જે રીતે સૂર્ય નારાયણ સૃષ્ટિના પિતા ગણાય છે તે જ રીતે તેમના પત્ની રાંદલમા જગતની માતા ગણાય છે. અને એટલે જ નારીની માતૃત્વની મંગળ જંખના પરિપૂર્ણ કરવા માટે સૂર્ય પત્ની રાંદલમાંની પૂજા ,અર્ચના નું વિશેષ મહત્વ છે. તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા લગ્ન અને જનોઈ જેવા પ્રસંગોએ ઘર માં પહેલા રાંદલ માંને માનભેર તેડાવવામાં આવે છે.
રાંદલમાના સ્થાપનમાં તાંબાના બે લોટા ઉપર નાળિયેરના ગોટા મૂકી તેને નાડાછડી વિટવામાં આવે છે. તેની પર આંખો લગાડી સોનાના ઘરેણાં પહેરાવી,ચૂંદડી ઓઢાડી રાંદલની પ્રતિકૃતિ સર્જવામાં આવે છે. રાંદલની પૂજા સમયે યથાશક્તિ ગોરણી જમાડવાનો પણ રિવાજ છે.