- ઘણા વર્ષોથી ડોલર, પાઉન્ડ અને યુરો સામે રૂપિયો તૂટતો જાય છે: વધતી જતી વિદેશ વેપાર ખાધ: વર્ષ 2000ની
- સાલમાં ડોલર સામે રૂપિયો 45, જ્યારે 2024માં 84.7: પાઉન્ડ 68ની સામે 2024માં 107ના ભાવે ટ્રેડ થાય છે
અનેક દેશોની કરન્સી સામે આપણો રૂપિયો ઘણા વર્ષોથી તૂટતો જાય છે.સૌથી મહત્વની વાત એ છે કે ડોલર સામે રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે. મહત્વના દેશોની કરન્સી જેમ કે પાઉન્ડ,ઓસ્ટ્રેલિયન ડોલર,સિંગાપુર ડોલર અને અમેરિકન ડોલરની સામે રૂપિયો ટકી શકતો નથી. ખાસ કારણોમાં વધતી જતી વેપાર ખાધ કહી શકાય.અમેરિકન ડોલરનું તો વિશ્વભરમાં સામ્રાજ્ય છે.
તાજેતરમાં જ અમેરિકાના નવા પ્રેસિડન્ટની ચૂંટણી થઈ,જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા થયા. ટ્રમ્પે તો હજુ સત્તાના સૂત્રો સંભળાવ્યા નથી
ત્યાં જ અનેક દેશોને ધમકી આપી છે કે અમેરિકન ડોલરને તોડવાની મસ્તી કરી તો પછી આકરી સજા ભોગવવાનો વારો આવશે.
સૌથી મોટી મુશ્કેલીએ છે કે ઘણા બધા ક્ષેત્રોમાં આપણે વિદેશથી આયાત પર નિર્ભર છીએ.ઉપરાંત આપણે બિનજરૂરી વસ્તુઓ પણ વિદેશથી મંગાવીએ છીએ કે જે આપણા દેશમાં સહેલાઈથી ઉપલબ્ધ છે,પરંતુ વિદેશનો મોહ છૂટતો નથી.
આપણા દેશ દ્વારા કુલ 770 બિલિયન ડોલરની નિકાસ કરવામાં આવી હતી.જેની સામે આપણે કુલ 892 બિલિયન ડોલરની આયાત કરી હતી. સૌથી વધુ આપણે આયાત ચીનથી કરીએ છીએ.આપણે કુલ આયાતના આશરે 18 ટકા ચાઇનાથી કરીએ છીએ. મોટા ભાગના ઈલેક્ટ્રીક ઈક્વિપમેન્ટ , મશીનરી , લોખંડ અને ઓર્ગેનિક કેમિકલ્સ ની આયાત ચીનથી કરવામા આવે છે.જેની કુલ વેલ્યુ 122 બિલિયન ડોલર છે.
આ ઉપરાંત આપણે રશિયા, યુ.એ.ઈ, સાઉદી અરેબિયા,સાઉથ કોરિયા,જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોથી આયાત માટે નિર્ભર છીએ.
જ્યારે સૌથી વધુ નિકાસ આપણે અમેરિકાને કરીએ છીએ.એક અંદાજ પ્રમાણે આપણી નિકાસમાં 18 ટકા અમેરિકાને નિકાસ કરીએ1 છીએ. જેમા કિંમતી પથ્થર, મોતી, દવાઓ અને ખનીજ ઇંધણ ની નિકાસ કરવા મા આવે છે.જેની કુલ વેલ્યુ 75.8 બિલિયન ડોલર છે.ભૂલથી પણ જો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આકરા પગલાં લેવાય તો આપણી પરિસ્થિતિ ખરાબ થઈ શકે.આપણી નિકાસમાં મોટી ઉથલપાથલ આવે અને નિકાસ ખોરવાઈ પણ શકે.જોકે ટ્રમ્પ કદાચ ભારત પર આકરા પગલાં ન લે તેવી શક્યતા વધારે છે.
આ ઉપરાંત આપણે લંડન, સિંગાપુર, બાંગ્લાદેશ, જર્મની, હોંગકોંગ અને નેધરલેન્ડ જેવા દેશો સાથે વેપાર માં જોડાયેલા છીએ.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર હાલમાં આપણી પાસે ફોરેન રિઝર્વ ખૂબ જ છે.ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા આપણે સક્ષમ છીએ.ફોરેન રિઝર્વ વધતું જાય છે પરંતુ બિનજરૂરી આયાત પર ખૂબ જ કડક નિયંત્રણો જો લાદવામાં આવે તો પરિસ્થિતિથી ઘણી બધી સુધરે અને કદાચ રૂપિયામાં સુધારો જોવા મળી શકે.
હાલમાં એવી સ્થિતિ છે કે નિકાસકારોને ડોલર મજબૂત થાય તેમાં મોટો ફાયદો થતો હોય છે . જેથી નિકાસકારો ખુશ છે. જ્યારે આયાતકારો ની પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે.આવનારા દિવસોમાં ડોલર 87.0 ની સપાટી વટાવી શકે તેવી પણ શક્યતાઓ નિષ્ણાંતો જોઈ રહ્યા છે.