ઐતિહાસિક નગરી જૂનાગઢ પોતાના નવાબી શાસનકાળ અને ઠાઠમાઠ માટે આજે પણ પ્રસિદ્ધ છે. ત્યારે નવાબી શાસન કાળમાં જૂનાગઢના નવાબના સુબા અને વહીવટી અધિકારી, જે ઈમારતમાં બેસી વહીવટ કરતા હતા તે ઈમારત હાલમાં દરબાર હોલ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. જેની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે, ત્યારે આ ઐતિહાસિક ધરોહર કાયમી રહે તે માટે સરકાર અને તંત્રએ સત્વરે રિપેર કરવી જરૂરી જ નહિ પણ આવશ્યક બન્યું છે.
ઐતિહાસિક ધરોહર સમાન દરબાર હોલ મ્યુઝિયમની દયનીય હાલત: તંત્ર સત્વરે રિપેર કરે તેવી લોક માંગ ઉઠી
રિનોવેશનના બહાના તળે ફેરવવામાં આવેલા મ્યુઝિયમનું રીપેરીંગ કામ ઘણા સમયથી બંધ: તંત્ર દ્વારા આ ઈમારત ભયજનક હોવાના બોર્ડ મારવાની ફરજ પડી
જૂનાગઢના નવાબી શાસન કાળનું તંત્ર પોતાના આગવા વહીવટી કુશળતા બદલ આસપાસના રાજ્યોમાં પ્રચલિત હતું. જૂનાગઢના વહીવટીતંત્રની ખ્યાતિ એટલી પ્રસિદ્ધ હતી કે જુનાગઢ રાજ્ય દ્વારા કરવામાં આવતા આંકડાકીય હિસાબને બોમ્બે ગેઝેટીયરના કથિવર ભાગમાં પત્રકાર જ્હોન વ્હેલી વોટસન દ્વારા 1880માં આવરી લેવામાં આવ્યો હતો. જૂનાગઢના વહીવટીતંત્રને લઈને એક બુક પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢના વહીવટી તંત્રનું આગવું કામ જોઈ શકાય છે. આવા જૂનાગઢનો ગૌરવવંતો ઇતિહાસ જ્યાં બન્યો છે, અને નવાબી શાસન કાળમાં જૂનાગઢના નવાબના સુબા અને વહીવટી અધિકારી, જે ઈમારતમાં બેસી વહીવટ કરતા હતા તે ઈમારત હાલમાં દરબાર હોલ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. પરંતુ આ ઇમારતની જર્જરિત હાલત જોઈને હાલની સરકાર અને તેના વહીવટી તંત્ર ઉપર અનેેક પ્રશ્ન ઉઠવા પામ્યા છે.
જુનાગઢની નવાબી કચેરી ગણાતી આ ઇમારત આશરે 150 વર્ષ જૂની છે, અને આ ઇમારતના એક ભાગમાં વર્ષો સુધી દરબાર હોલ મ્યુઝિયમ કાર્યરત હતું, પરંતુ આ ઈમારતનું રીનોવેશન કરવાનું કારણ આગળ ધરી મ્યુઝિયમને સરદાર બાગ સ્થિત કચેરીમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું . સરદારબાગમાં મ્યુઝિયમ ફર્યા એને ત્રણ થી ચાર વર્ષ થઇ ગયા છે પરંતુ હાલ સુધી રીનોવેશનનાા બહાના તળે ફેરવવામાં આવેલ મ્યુઝિયમ વાળી ઐતિહાસિક આ ઇમારતનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું નથી, જેના કારણેે ઐતિહાસિક ધરોહર સમાન આ ઇમારતની હાલત દિવસે ને દિવસે દયનીય બની રહી છે અને તંત્ર દ્વારા આ ઇમારત ભયજનક હોવાના બોર્ડ મારવાની પણ ફરજ પડી છે.
એક વાત મુજબ આ ઇમારતની જવાબદારી પી.ડબલ્યુ.ડી. ના સિરે છે. ત્યારે ચાર વર્ષ પછી પણ આ ઇમારતનું સમારકામ નથી થયુ ત્યારે લોકો અનુમાન કરી રહ્યા છે કે, પીડબલ્યુડીને ઇમારતને રિપેર કરવામાં રસ નથી. અને તેના દ્વારા દાખવવામાં આવતી બેદરકારીને કારણે ઇમારત ધીરે ધીરે ખંઢેર બની રહી છે તથા એક ચર્ચા મુજબ ઇમારતમાં પેશકદમી પણ શરૂ થઈ હોવાનું લોકમુખે સંભળાઈ રહ્યું છે.
આજથી ચારથી પાંચ વર્ષ પહેલા જ્યારે મ્યુઝિયમને ખસેડવાની વાત થઈ રહી હતી ત્યારે ધારાશાસ્ત્રી અશ્વિનભાઈ મણિયાર દ્વારા ત્રણ દિવસના ઉપવાસ કરવામાં આવ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા અશ્વિનભાઈ મણિયારના સવિનય વિરોધને ધ્યાને ન લઈ મનગમતું કરવામાં આવ્યું હતું. મ્યુઝિયમને સ્થાનાંતરિત કરાતા જૂનાગઢ અને તેના ઇતિહાસને જોવા આવતા પ્રવાસીઓના અભાવને કારણે આ વિસ્તારમાં આવેલા વેપારી વર્ગ પર વેપાર-ધંધા નો બહુ મોટો ફટકો લાગ્યો છે.
ગુજરાતના પ્રવાસનમંત્રી જવાહરભાઈ ચાવડા જુનાગઢના જ છે અને જૂનાગઢની ઇમારતોની આવી હાલત દયનીય છે. બીજી બાજુ જૂનાગઢની અનેક ઈમારતોમાં રીનોવેશન થઈ રહ્યું છે ત્યારે નવાબ અને નરસૈયાની જુનાગઢ નગરી તેની ઐતિહાસિક ધરોહર ન ગુમાવે એ પણ એટલું જ અગત્યનું છે. જો કે ભૂતકાળમાં આ ઈમારત માંથી મ્યુજિમ્ ફેરવાયું હતું ત્યારે નવાબની શાન-ઓ-શૌકત બતાવતા રેકોર્ડ ઉપરના કીમતી આર્ટીકલો, નવાબના સમયની નાની-મોટી કીમતી વસ્તુઓ, દસ્તાવેજો જેવી વસ્તુઓ સમયાંતરે ગુમ થઇ હોવાનું લોકમુખે ચર્ચાયું હતું, એ અલગ વાત છે. પણ આ ઈમારત વહેલી તકે રિપેર થાય એ જરૂરી જ નહિ પણ આવશ્યક છે.
મ્યુઝિયમના અધિકારીઓની મીડિયા કર્મી સામે દાદાગીરી
જુનાગઢ સરદાર બાગ ખાતે આવેલ દરબાર મ્યુઝિયમમાં કોઈ મિસ્ટર વરુણ કરીને અધિકારી ફરજ બજાવી રહ્યા છે. અને આ અધિકારી બિલ્ડીંગની બહારથી કોઈ સમાચાર માટે મીડિયા કર્મી ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરતા હોય ત્યારે તેમના ગાર્ડ દ્વારા બોલાવી સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોવાનું સામે આવ્યું છે.
મિસ્ટર વરુણ ની દાદાગીરી એટલી હદ સુધી છે કે, તેમને કહેવું પડે છે કે કયા સમાચાર માટે આ ફોટોગ્રાફી થઈ રહી છે આ ઉપરાંત મિસ્ટર સરકારી નિયમોને નેવે મૂકી પોતાના નિયમો મીડિયાકર્મીઓ પર ઠોકી બેસાડવા માંગે છે. અને મીડિયા કર્મીને બહારથી પણ ફોટોગ્રાફી કરવી હોય તો તેમની મંજૂરી લેવી પડે તેવું જણાવી રહ્યા છે. સાથોસાથ કોઈ મીડિયાકર્મી એ ફોટોગ્રાફી કરી હોય તો તેમનું આધારકાર્ડ મેળવી ફરજીયાત એંટ્રી પણ કરાવતા હોવાની વાત સામે આવી છે.મીડિયા કર્મી માટે કોઈપણ કચેરીની બિલ્ડીંગ બહારના ફોટા લેવા તે કોઈ ગુનો બનતો નથી. ત્યારે આવા પેધી ગયેલા મિસ્ટર વરુણ પોતાની છાપ જમાવવા મીડિયાકર્મીઓ પર ધાક જમાવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આવા અધિકારીને નમ્રતાના પાઠ ભણાવવા જરૂરી નહીં, પરંતુ આવશ્યક બન્યું છે.