30 માર્ચથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને સમાપન 6 એપ્રિલ, મહાનવમીના દિવસે થશે. ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી આ વખતે 5 એપ્રિલ, શનિવારે એટલે કે આજે મનાવવામાં આવી રહી છે. આ દિવસે માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર આ વખતે મહાઅષ્ટમી ખૂબ જ ખાસ મનાય છે કારણ કે, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, ભદ્રવાસ યોગ અને સુકર્મા યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ તમામ યોગના કારણે અમુક રાશિઓને લાભ થવાના પૂરેપૂરા સંયોગ છે.
મહાગૌરીની વ્રત કથા
દુર્ગા અષ્ટમી વ્રત કથા અનુસાર દેવી સતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે પાર્વતીના રૂપમાં કઠોર તપસ્યા કરી હતી. એકવાર ભગવાન ભોલેનાથે પાર્વતીજીને જોઈને કંઈક એવું કહ્યું જેનાથી દેવીના હૃદયને ઠેસ પહોંચી અને પાર્વતીજી તપસ્યામાં મગ્ન થઈ ગયા. આમ, વર્ષો સુધી કઠોર તપસ્યા કર્યા પછી જ્યારે પાર્વતી ન આવ્યા ત્યારે ભગવાન શિવ તેમની શોધમાં તેમની પાસે પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી ભગવાન શિવ માતા પાર્વતીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પાર્વતીજીનો રંગ અત્યંત સુંદર હતો, તેમનો રંગ ચંદ્રપ્રકાશ જેવો ગોરો હતો, કળીના ફૂલ જેવો નિસ્તેજ હતો, તેમના વસ્ત્રો અને આભૂષણોથી પ્રસન્ન થઈને ભગવાન શિવે દેવી ઉમાને ગોરા રંગના આશીર્વાદ આપ્યા હતા.
બીજી કથા મુજબ
શારદીય નવરાત્રીના આઠમાં દિવસના પ્રમુખ દેવી મા મહાગૌરી છે. નવદુર્ગા ગ્રંથ પ્રમાણે તેમનું નામ મહાગોરી તેમના ‘ગૌર’ વર્ણના કારણે પડ્યુ છે. મા મહાગૌરીનું આ સ્વરૂપ ખૂબ જ સરસ અને મોહક છે. નારદના કહેવા પર તેમણે ભગવાન મહાદેવ સાથે વિવાહ કરવા માટે સંકલ્પ લીધો હતો. તેના માટે તેમણે કઠોર તપસ્યા પણ કરી હતી. આ કઠોર તપસ્યાના ફળ સ્વરૂપે તેમનો રંગ કાળો થઈ ગયો હતો. જ્યારે ભગવાન મહાદેવ તપસ્યાથી પ્રસન્ન થઈને વરદાન આપવા માટે આવ્યા ત્યારે ગંગાજળથી ધોયુ ત્યારે તેઓ વિદ્યુત પ્રભા સમાન અત્યંત કાંતિમાન ગૌર થઈ ગયા હતા અને તેમનું નામ મહાગૌરી પડી ગયુ હતું. તુલસીદાસજીએ પોતાની રચનામાં પાર્વતીની તપસ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના ગોરા રંગની તુલના શંખ અને ચંદ્રમા સાથે કરવામાં આવે છે.દેવીના આ સ્વરૂપની પ્રાર્થના કરતી વખતે, દેવતાઓ અને ઋષિઓ કહે છે, “સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાધ્યા સાધિકે શરણ્ય અંબિકે ગૌરી નારાયણી નમોસ્તુતે.”
પ્રચલિત વાર્તા
એક પ્રચલિત વાર્તા એવી પણ છે કે સિંહને ખૂબ ભૂખ લાગી હતી. ખોરાકની શોધમાં તે ત્યાં પહોંચી ગયો જ્યાં દેવી ઉમા તપસ્યા કરી રહી હતી. દેવીને જોઈને સિંહની ભૂખ વધુ વધી ગઈ. પરંતુ તે દેવીની તપસ્યામાંથી જાગે તેની રાહ જોતો ત્યાં બેઠો હતો. આ રાહમાં તે ખૂબ જ કમજોર બની ગયો. જ્યારે દેવી પોતાની તપસ્યામાંથી જાગી ત્યારે સિંહની દુર્દશા જોઈને તેને તેના પર દયા આવી અને માતાએ તેને પોતાની સવારી બનાવી, કારણ કે તેણે પણ આ રીતે તપસ્યા કરી હતી. એટલા માટે દેવી ગૌરીનું વાહન બળદ અને સિંહ બંને છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.