ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના 65 વર્ષિય ખેડુતની જમીન બારોબાર વેચી નાખવાના મામલે અંતે 18 વર્ષે ખેડુતને ન્યાયની આશા જીવંત બની છે. ખેડુતની વેરાવળ તાલુકાના કુકળાશ ગામે આવેલ જમીન પૂર્વ તલાટી મંત્રી, સરપંચના પતિ સહિતનાએ નકલી સહીનું કૌભાંડ આચરી જમીન અંબુજા સીમેન્ટ કંપનીને બારોબાર વેચી દીધી હોવાનો આરોપ છે.
18 વર્ષ જુના આ મામલે ખેડુતની અનેકસ્તરે રજૂઆત બાદ પોલીસે 5 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.આ મામલે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામે રહેતા અરસીભાઈ હમીરભાઈ રામની વેરાવળ તાલુકાના કકરાશ ગામે સંયુકત માલિકીની સર્વે નં. 68 પૈકીની જમીન આવેલી હતી જેમાં તેમનું અને તેમના પત્ની દેવીબેન અને ભત્રીજાનું હકક ઉઠાવવા માટેનુ ખોટુ કબુલાતનામુ કરી તે કબુલાતનામામાં 135 ડીની નોટીસમાં તેઓ કુકરાશ ગામે રહેતા ન હોવા છતાં મોકલી હતી. જેમાં તેઓની ખોટી સહીનું અંગુઠાનું નિશાન કરાવી તથા તેમની પત્નીને સહી કરતા આવડતુ હોવા છતાં અંગુઠાનું નિશાન કરી દીધેલ
તેમજ સાક્ષીઓની હાજરીમાં ખોટી રીતે બજવણી કરાવી હતી. આ ખોટી નોટીસની બજવણીની આધારે તેમનો હકક કમી કરાવી અરસીભાઈના ભાગની જમીન અંબુજા કંપનીને વેચાણ કરી દીધી હતી.
આ અંગે ફરિયાદ થતા પોલીસ તપાસમાં અંગુઠાનું નિશાન કબુલાતનામામાં તેમજ 135 ડીની નોટીસમાં નથી તેવું ખરાઈ થતા આ ખોટા દસ્તાવેજ ઉભા કરનાર ડાયાભાઈ ઉર્ફે કાળાભાઈ હમીરભાઈ રામ ઉર્ફે સોલંક્રહે. કુકરાશ તથા કબુલાતનામામાં સહી કરનાર રામસી જેઠા, નારણ હીરા તથા મંગા જેઠા રહે. કુકરાશ અને તે સમયનાં તલાટી મંત્રી અનિલકુમાર ચુનીલાલ હાલ નોગા તા. ચીખલી વલસાડએ મળી અરસીભાઈના હકક ઉઠાવી માલીકીની જમીન અંબુજા કંપનીને વેચાણ કરી ગુનો આચરેલ હતો.
અરસીભાઈરામે પોતાના ગામ વાવડીથી સાયકલ લઈને દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા જવા માયે સાયકલ પર નીકળ્યા હતા ત્યારે જિલ્લાના જ તાલાલાના ગુંદરણ ગામ પાસેથી તંત્રએ તેમની અટકાયત કરી લીધી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરી 2021ના રોજ અરસીભાઈ રામ ગીર સોમનાથ જિલ્લા સેવા સદન કચેરી ખાતે ઉપવાસ પર બેસી ગયા હતા. ત્યારે તેમની ફરી અટકાયત કરી લેવામાં આવી હતી. આમ, વારંવાર અટકાયત છતા વૃધ્ધ ખેડુત અરસીભાઈ રામે પોતાની સંઘર્ષમય લડાઈ ચાલુ રાખી હતી.
આ મામલે 18 વર્ષ બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. જોકે, ફરિયાદ નોંધાયા બાદ પણ આરોપ થઈ રહ્યા છે કે, આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કારણ કે, ફરિયાદ નોંધાયા બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી હજુ દૂર છે. આ મામલે હવે પોલીસ આરોપીઓને પકડી શકશે કે કેમ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.જેનો જવાબ પોલીસની કાર્યવાહી પરથી જ મળશે.