હાલ શિયાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ઠંડા પવનો જનજીવનને પ્રભાવિત કરી રહ્યા છે પરંતુ સામાપક્ષે જનજીવન પણ ઠંડીમાં સ્વાસ્થ્ય લાભ મેળવવા કવાયત કરી રહ્યું છે પરંતુ આજે આપણે એક એવા સ્થળની વાત કરી રહ્યા છીએ કે જયારે ઠંડીનું નામ પડે એટલે ગુજરાતમાં સૌથી પહેલા નલીયા શહેરનું જ નામ આવે. એક સમયે નોતમપુરી, એ પછી નલીનપુર અને હવે નલીયા તરીકે ઓળખાતું ગામ શિયાળા અને ઉનાળામાં લોકચર્ચાએ ચડતું રહે છે.

સામાન્ય રીતે શિયાળામાં ઉતરભારતનાં રાજયોમાં ઠંડી વધુ પડતી હોય તો ગુજરાતમાં તેની અસર વર્તાતી હોય છે પરંતુ ગુજરાતમાં પણ કચ્છનાં નલીયામાં સૌથી વધુ ઠંડી પડે છે. તેના કારણ શું હોય શકે ? તે વિષય પર આજે વાત કરવાની છે.

કચ્છના ભૌગોલિક વિસ્તાર બીજા જિલ્લા કરતા અલગ હોવાથી ઠંડી અને ગરમી તેમજ ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળે છે.

કચ્છનાં હવામાનમાં વારંવાર પલ્ટો આવતો હોય છે. રાજયમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાતિલ ઠંડી નલીયાનાં નામે જ નોંધાયેલ છે. આજથી ૮ વર્ષ પૂર્વે ૨૦૧૨ની ૧લી જાન્યુઆરીએ નલીયામાં સૌથી ઓછુ તાપમાન ૩.૨ ડિગ્રી નોંધાયું હતું અને આ તાપમાન મધ્યરાત્રીના નહીં પરંતુ સવારનાં ૮ વાગ્યા આસપાસનું હતું. આ ઉપરાંત ૧૯૬૪માં ૧૧મી ડિસેમ્બરે નલીયામાં ૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

એ તાપમાન નલીયાનાં ઈતિહાસમાં સૌથી ઓછુ તાપમાન તરીકે નોંધાયું હતું.

આટલું જ નહીં કચ્છ રણ વિસ્તાર હોવાથી ઉનાળામાં પણ વધારે ગરમી કચ્છમાં અનુભવાઈ છે. આમ ગરમી હોય કે ઠંડી કચ્છમાં તેનું તાપમાન રાજયમાં સૌથી વધારે રહેતું હોય છે. એટલે જ તો કચ્છનું વાતાવરણ બહુ અલગ જોવા મળે છે.

કચ્છ ગુજરાતનો ચોથા ભાગનો વિસ્તાર ધરાવે છે

કચ્છ ગુજરાતનાં ચોથા ભાગનો વિસ્તાર ધરાવે છે એટલે કે ૪૫,૬૫૨ સ્કવેર કિલોમીટરમાં પથરાયેલો છે જે ભારતનાં ૭ રાજયો કરતા કચ્છ મોટુ છે. કચ્છની ખાસ વિશેષતા એ છે કે ત્યાં નાનુ-મોટુ રણ આવેલ છે. ઉપરાંત બન્નીનું ઘાસીયુ મેદાન તેનો પ્રદેશ કચ્છ વધુ મોટો એટલે કે ૩૦,૦૦૦ સ્કવેર કિલોમીટરમાં છે.

ઉત્તર ભારતની હિમવર્ષાની સીધી અસર થાય છે

જમ્મુ-કાશ્મીરમાં અને હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સનાં લીધે થતી હિમવર્ષાની સીધી અસર કચ્છનાં નલીયામાં જોવા મળે છે. ઉતર દિશાનાં પવનો રણ વિસ્તારને વધારે અસર કરે છે એટલે ઠંડી જલ્દીથી પકડી લ્યે છે. રણ વિસ્તાર ખુલ્લો હોવાથી પવન વધારે ઠંડા ફુંકાય છે એટલે કચ્છ વિસ્તારમાં વધારે ઠંડી અનુભવાય છે. આ ઉપરાંત નલીયાનો વિસ્તાર કચ્છનો વધારે ખુલ્લો વિસ્તાર છે અને ત્યાં ભૌગોલિક વિસ્તાર કચ્છમાં પણ અલગ પડે છે. એટલે જ તો નલીયામાં રાજયનું વધારે ઠંડીનું પ્રમાણ નીચુ જાય છે.

રણપ્રદેશનાં કારણે હવામાં બદલાવ જોવા મળે છે

હિન્દુ કુસ પર્વતમાળામાંથી અતિશય ઠંડા અને સુકા પવનોનો દક્ષિણ તરફ પ્રવાહ આવે છે. માર્ગમાં તેમના માટે અડચણ બનીને રોકી શકે તેવી પર્વતમાળા નથી તેથી તે પ્રવાહ છેક ભારતનાં કચ્છ સુધી પહોંચે છે જેનાં કારણે ખંભાતનાં અખાતની નજીક નલીયા તેમજ આજુબાજુનાં રણ વિસ્તારોમાં ઠંડી કેર વર્તાવે છે પછી ભલેને તે વિસ્તાર દરિયાકાંઠાથી નજીકનો હોય પણ શિયાળામાં વાતાવરણ અન્ય દરિયાકાંઠાનાં વિસ્તારોની માફક શિયાળામાં થોડુ હુંફાડુ રહેવાના બદલે વધુ કાતિલ ઠંડું બને છે.

નલીયામાં થર્મોમીટર ગોઠવાયું છે

રાજયભરમાં નલીયાનું સૌથી નીચું તાપમાન જોવા મળતું હોય છે અને આ તાપમાન માપન કરવા માટેનું થર્મોમીટર નલીયામાં જ ગોઠવાયેલું છે. આજુબાજુનાં વિસ્તારોમાં થર્મોમીટર ગોઠવાયેલું નથી તેથી આપણને નલીયાનું જ તાપમાન મળે છે. અન્ય વિસ્તારોનું તાપમાન મળતું નથી માટે શકય છે કે આજુબાજુનાં અન્ય વિસ્તારોમાં હજુ પણ નલીયા કરતા તાપમાન નીચુ હોય શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.