વ્યવહાર અને વહીવટ કાયદા બહાર થયા કુંડાળામાં પગ આવ્યો પોલીસનો !
કાયદાકીય કાર્યવાહીના બદલે વ્યવહારૂ રસ્તો અપનાવવા જતા પોલીસ ફસાઇ
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની કામની પ્રક્રિયા અને નિષ્ઠા પર કયાં કયાં પરિબળ કામ કરી રહ્યા છે!
ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે પોલીસ કમિશનર વિરૂધ્ધ ગૃહ મંત્રીને લખેલા પત્રના પગલે રાજકીય ખળભળાટ
શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે આક્ષેપ કરતો પત્ર પાઠવી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને કરેલી રજૂઆતના પગલે સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે આ પત્ર શા માટે લખવામાં આવ્યો તેની ભીતરની વિગતો ઉજાગર કરવી જરૂરી બને છે. ગત એપ્રિલ માસમાં પ્રહલાદ પ્લોટમાં સોની પરિવારને ત્યાં બંનેલી ઘટના મહત્વની બની છે. મહેશ સખીયાના રૂા.15 કરોડ વસુલ કરવા માટેના હવાલાની પતાવટ કરવા તે સમયના દિવાનપરા ચોકીના ફોજદાર સાથે બનેલી ઘટના મુખ્ય કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.
રાજકોટના મહેશ સખીયા રૂા.15 કરોડ મુનિરા પાસે માગતા હતા અને મુનિરા પ્રહલાદ પ્લોટના સોની વેપારી પાસે પૈસા માગતા હોવાથી પૈસાની વસુલાત કરવા માટે મહેશ સખીયાએ પોલીસને હવાલો સોપ્યો હતો. પોલીસ ફરિયાદ ન નોંધાવી માત્ર અરજી પર રૂા.15 કરોડની વસુલાત કરવા 15 ટકા પોલીસને કમિશન આપવાનું નક્કી થયું હતું તે પેટે મહેશ સખીયાને રૂા.8 કરોડ મળી ગયા છે.
રૂા.15 કરોડની વસુલાત કરવા તે સમયના દિવાનપરા ચોકીના ફોજદારે હવાલો સંભાળ્યો હતો. આ પ્રકરણની પતાવટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના દિવાનપરા ચોકીએ બેસતા પીએસઆઇ પ્રહલાદ પ્લોટમાં ગયા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયુ હતું. પોલીસે મહિલા સભ્ય સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. પોલીસ આડેધડ લાઠ્ઠીચાર્જ કર્યાની ઘટનાની તપાસ કેમ ઠેરની ઠેર છે. આ બાબતે પોલીસનું ભેદી મૌનના કારણે જ મુનિરાકાંડના કારણે આજે રાજકારણ કેમ ગરમાયું તેવો સવાલ થઇ રહ્યો છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો રાજકોટ ખાતેનો આશરે ચાર વર્ષનો કાર્યકાર પૂર્ણ થવાની આરે છે ત્યારે તેમની કામ કરવાની પ્રક્રિયા અને તેમની નિષ્ઠા પર કયાં કયાં પરિબળો કામ કરી રહ્યા છે. આઇપીએસ અધિકારીઓની બદલીની ગોઠવણ પાછળ કોણ કોને નિશાન બનાવી રહી છે. શું આ બાબત ગૃહ મંત્રી ચોખ્ખુ કરી શકશે તેવા સવાલો થઇ રહ્યા છે. આ પ્રકરણમાં કોઇના તપેલા ચડી જાય તેવા નિર્દેશ મળી રહ્યા છે.
વ્યવહાર અને વહીવટ કાયદાની બહાર થયા અને કુંડાળામાં પગ આવ્યો પોલીસનો પોલીસે કેમ આગતરા જામીન માટે ટાઇમ આપ્યો અને માત્ર ધરપકડ જ કરી છે. તેવા આક્ષેપ થઇ રહ્યા છે. તો શુ પોલીસ ગુનાના કામે ધરપકડ ન કરે તો આરોપીનું શું કરે તેવા સવાલો થઇ રહ્યા છે.
મુનીરા કાંડમાં ક્રાઇમ એસીપીને તપાસ સોપાય છે તથ્ય બહાર લાવવામાં આવશે: મનોજ અગ્રવાલ
રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ‘અબતક’ મિડીયા સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ સન્માનીય વ્યક્તિ છે. આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થશે. વ્યક્તિગત આક્ષેપ પાયા વિહોણાં છે. આક્ષેપમાં જે વ્યક્તિનું નામ લખ્યું છે તે વ્યક્તિ મને રૂબરૂ મળ્યા પણ નથી. તપાસ દરમિયાન જે કંઇ પણ તથ્ય બહાર આવશે તે મુજબ જરૂરી તમામ કાર્યવાહી કરીશું.
શું અગાઉની સરકારના વ્યવહારોથી ગૃહમંત્રીને અછુતપણું?
આ ફરિયાદ નવી નથી, ભૂતકાળની સરકારથી ચાલી આવે છે: ગૃહમંત્રી
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ભાજપના ધારાસભ્યએ લેખિતમાં આક્ષેપો કર્યા હતા. તેની સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ ફરિયાદ નવી નથી. ભૂતકાળની સરકારથી ચાલી આવે છે. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલએ અગાઉ મને આ અંગે રજૂઆત કરેલી હતી, તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મેટર મારા કરતાં પણ જૂની છે. જરૂર લાગ્યે યોગ્ય કમિટી મૂકીશું.
માતબર રકમની લેતી-દેતી પાછળ ખરેખર કયું પરિબળ જવાબદાર ? ફરિયાદીનું અટપટું નિવેદન અનેક સવાલ ઉભા કરનારું
સમગ્ર ઘટના અંગે ફરિયાદીના ભાઈ જગજીવન સખીયાએ કહ્યું હતું કે, મુનિરા પાનવાલા અને રિયાઝ સાથે કટકે કટકે રૂ. 12 કરોડનો વ્યવ્હાર થયો છે. જે ચિટફંડ માફક રોકાણ કરીને રિટર્ન આપવાના મૌખિક કરારને આધારે પૈસા આપવામાં આવ્યા હતા. જે બાદ પાછળથી તેમને જાણ થઈ હતી કે, તેમની સાથે છેતરપિંડી કરાઈ હતી. જે અંગે તેમણે મોટી રકમ હોવાથી સીધો જ પોલીસ કમિશ્નરનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેમને પૈસા ઉઘરાવી દેવાનું કહ્યું હતું અને તે બદલ રિકવર થનારી રકમના 30% આપવાનું જણાવવામા આવ્યું હતું અને અંતે 15% રકમ આપવાની તેવું નક્કી થયું હતું.
પોલીસે હાલ સુધીમાં 1.10 કરોડ રૂપિયા જ ઉઘરાવી આપ્યા છે અને તેમાંથી 75 લાખ રૂપિયા તો પોલીસ જ લઈ ગઈ છે. જ્યારે 6 કરોડ રૂપિયાની વેરાવળમાં ભરેલ કબ્જે મિલકત લખી આપી હતી. જેની ખરી બજાર કિંમત પોલીસે ગણ્યાના અડધા જ થાય છે. જેથી અમે ગોવિંદ પટેલ, રામભાઈ મોકિરીયાનો સંપર્ક કર્યો હતો. હવે ફરિયાદી ખુદ જ રૂ. 12 કરોડનું ચિટિંગ થયું છે તેમ કહી રહ્યો છે અને ધારાસભ્યની રજુઆતમાં રકમ 15 કરોડની બતાવવામાં આવી છે.
બીજી બાબત એ પણ છે કે, કરાર કે પેપરવર્ક વિના જ 12 કરોડની માતબર રકમ આપી દેવા પાછળ શું કારણો જવાબદાર છે ? ફરિયાદી અને આરોપી વચ્ચે પૈસાની લેતી દેતી ખરેખર ક્યાં બાબતની છે તે અંગેની યોગ્ય તપાસ થાય તો પણ અનેક ઘટસ્ફોટ થવાની પ્રબળ શકયતા છે.
કિશન સખીયાનો બારોબારનો વહીવટ ન પતતા ફરિયાદ નોંધાવી
રાજકોટના કિશન મહેશભાઇ સખીયાએ મુનિરા પાસેથી લેવાની રકમ બાબતે પોલીસમાં કરેલી અરજી અંગે તેઓએ બારોબાર સમાધાન કરી સ્ટેમ્પ પર સમજૂતિ કરાર રજૂ કર્યો હતો. કિશનભાઈ મહેશભાઈ સખિયાનાઓએ ગત તા.16 માર્ચે આ અરજીના કામે સામેવાળા મુનીરાબેન પાનવાલા વિરુદ્ધ રૂપિયા 16 કરોડ 63 લાખ રકમની છેતરપીંડી કરી પડાવી લીધેલની અંગે અરજી આપેલ હતી જે અરજીની તપાસ દરમ્યાન અન્ય એક ઇસમ રિયાઝ મેમણની સંડોવણી પણ ખુલવા પામેલ હતી ત્યારબાદ તપાસ દરમ્યાન બેંક સ્ટેટમેન્ટ વિગેરે જરૂરી માહિતી મેળવી તપાસ ચાલુ હતી
તે દરમ્યાન અરજદાર તેમજ સામાવાળાને સમાધાન થઇ જતા સામાવાળા મુનીરાબેન તેમજ રિયાઝભાઈએ અરજદાર કિશનભાઈને સ્ટેમ્પ પેપર ઉપર સમજુતી રજુ કરેલ જે સમજુતી કરાર તા.21/05/2021 નાં રોજ કરવામાં આવેલ અને આ સમજુતી કરાર મુજબ સામાવાળાઓએ રૂ.એક કરોડ ઓગણસિત્તેર લાખ બેંક મારફતે ચૂકવેલ તેમજ વેરાવળ સોમનાથ ખાતે પ્રોપટીનો કબ્બા કરાર સહીત રકમ રૂ. સાત કરોડ ઓગણીસ લાખ રૂપિયા જેટલી રકમ ચુકવી આપતા સમાધાન થયેલ હતું.
મુનિરા પાસેથી કિશન મેળવેલી રોકડ રકમ મેળવેલા તે રોકડ રકમ માંથી અમુક રોકડ રકમ ધર્મેશ બારભાયા સોનીને આપેલ તે રૂપિયા દ્વારા ધર્મેશ બારભાયાએ જામનગર રોડ ઉપર રૂ. 80 લાખનો વિલા ખરીદ કરેલ હોવાની માહિતી મળતા તે બાબતે તપાસ કરવા જતા ધર્મેશ બારભાયા અને તેના પરિવારજનો દ્વારા પોલીસ સાથે ઘર્ષણ કરતા તેના વિરુદ્ધ એ-ડીવીજન પો સ્ટે ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
ત્યારબાદ બાકી રહેતી રકમ આ કામના સામાવાળાઓએ ચુકવવાની થતી હોઈ પરંતુ તેઓ ચુકવતા ન હોઈ સતત વાયદાઓ કરતા હોઈ જેથી ફરિયાદીએ ફરિયાદ આપતા આ કામના સામાવાળાઓ વિરુદ્ધ તા.27/11/2021 નાં રોજ ગુનો દાખલ થયેલ હતો. અને આ ગુનાના કામેનાં આરોપીઓ મુનીરાબેન પાનવાલા, રિયાઝ મેમણ નાઓને ગઈ તા.28/11/2021નાં રોજ અટક કરી અને કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ હતા અને ધર્મેશ બારભાયાને અરજીના કામે આગોતરા જામીન મળેલ હોઈ તે આગોતરા જામીન રદ્દ કરાવા કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી છે.