દિવ્યાંગ બાળકોને સામાન્ય વિદ્યાર્થીઓ સાથે ભણાવવા મામલે સરકારની ઝાટકણી કાઢતી વડી અદાલત
દેશમાં દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે અન્ય દેશોની સરખામણીએ ખૂબજ લાપરવાહી રાખવામાં આવતી હોય છે. આ મુદ્દે વડી અદાલતે પણ સરકારની ઝાટકણી કાઢી છે. રાજયોમાં સ્પેશ્યલ નીડસ એટલે કે, દિવ્યાંગ ગણાતા બાળકો માટે ખાસ સ્કુલોની સંખ્યા ઓછી છે. આવા બાળકોને સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ ભણાવવામાં આવે છે. પરિણામે કેટલીક પરિસ્થિતિમાં તેમનો વિકાસ જાય છે. આ મુદ્દે વડી અદાલતના ચિફ જસ્ટીસ દિપક મિશ્રાએ ઉત્તરપ્રદેશ સરકારને ઝાટકી કાઢી છે.
ચિલ્ડ્રન વીથ સ્પેશ્યલ નીડસ (સીડબલ્યુએસએન) માટે સરકારે કોઈ ખાસ સુવિધા ઘડી ન હોવાની વાત પણ ધ્યાનમાં લીધી છે. આ મુદ્દે સરકારે હજુ સુધી કેમ કોઈ ગાઈડ લાઈન ઘડી નથી તેવું પણ વડી અદાલતે નોંધ્યું છે.
સરકારની નવી શિક્ષણ પ્રણાલી હેઠળ દિવ્યાંગ વિદ્યાર્થીઓને અલગથી શિક્ષણ સુવિધા આપવાનો મત સુનાવણીમાં વ્યકત કરવામાં આવ્યો હતો. હાલ દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકોની શાળામાં તેમની સાથે જ શિક્ષણ અપાતું હોવાના કારણે શિક્ષકો દિવ્યાંગ બાળકો પર ખાસ ધ્યાન ન આપી શકતા હોવાનું પણ જણાય આવે છે. પરિણામે દિવ્યાંગ બાળકોની શિક્ષણ માટે કાળજી લેવાતી નથી.
જો કે બીજી તરફ સરકારે સામાન્ય બાળકો સાથે દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવાથી તેમનો આત્મવિશ્ર્વાસ વધશે તેવી દલીલ કરી હતી.
અલબત વડી અદાલતે દિવ્યાંગ બાળકો માટે ખાસ શાળાની હિમાયત કરી હોવાનું જાણવા મળે છે.