વોર્ડ નં.17ના બે ડઝનથી વધુ કામો ટલ્લે ચડ્યાનો બળાપો: ગ્રાન્ટમાં સૂચવેલા સામાન્ય કામો પણ ન થતાં હોય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરો
સામાન્ય કોર્પોરેટરો તો ઠીક કોર્પોરેશનના મુખ્ય પાંચ પદાધિકારીઓ પણ પોતાના વોર્ડના કામો સમયસર કરાવી શકતા ન હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વોર્ડ નં.17માં છેલ્લા ઘણા સમયથી બે ડઝનથી પણ વધુ કામો ટલ્લે ચડ્યા હોય આજે વોર્ડના કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવાએ સેન્ટ્રલ ઝોન કચેરીના ઇન્ચાર્જ સિટી એન્જીનીંયર એચ.એમ.કોટકને રૂબરૂ ભાજપ કાર્યાલયે બોલાવી અરજદારોની સામે ઘઘલાવી નાંખ્યા હતા. એવો પણ સવાલ કર્યો હતો કે મારા વોર્ડમાં કામ ન થવા પાછળનું કારણ શું છે?
આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત શાસક પક્ષ ભાજપ કાર્યાલયે શાસક પક્ષના નેતા વિનભાઇ ઘવા અને સેન્ટ્રલ ઝોનના એન્જીનીંયર એચ.એમ.કોટક વચ્ચે તડાફડી બોલી ગઇ હતી. શાસક પક્ષના નેતાએ એવો સવાલ કર્યો હતો કે મારા મતવિસ્તાર એવા વોર્ડ નં.17માં ક્યા કારણોસર વિકાસકામો થતાં નથી? કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી સૂચવેલા સામાન્ય કામો પણ થતા ન હોય કોન્ટ્રાક્ટરોને જરૂર પડે તો બ્લેક લીસ્ટ કરવાનો આદેશ આપી દીધો હતો. વોર્ડના અલગ-અલગ વિસ્તારોમાં બાકડાં મૂકવા, સાઇન બોર્ડ મૂકવા, આંગણવાડીમાં કલર કામ અને વોટરપ્રૂફીંગ કરવા, બગીચાનું રિપેરીંગ કરવા જેવા બે ડઝનથી વધુ કામો છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડ્યા છે. જો વોર્ડનો સ્ટાફ કામ ન કરતો હોય તો તમામને ઘરભેગા કરી દ્યો. જો નિયત સમય-મર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે જે કરવું પડે તે કરવા માટે કડક ભાષામાં તાકીદ કરી હતી.
રાજમાર્ગો પરના ખાડાઓ બૂરો: મેયરનો આદેશ
ભારે વરસાદના કારણે શહેરના રોડ-રસ્તાઓની હાલાત બિસ્માર: તાત્કાલીક સર્વે કરી સમસ્યાનો નિવેડો લાવવા સૂચના
ભારે વરસાદના કારણે સ્માર્ટ સિટી એવા રાજકોટની હાલાત ગામડાથી પણ બદતર થઇ જવા પામી છે. શહેરના તમામ રાજમાર્ગો પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દર વર્ષે ડામર કામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ રોડ પર એક-એક ફૂટના ખાડા પડી જાય છે. દરમિયાન આજે મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા ત્રણેય ઝોનના સિટી એન્જીનીંયરોને તાત્કાલીક અસરથી ખાડા બૂરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
છેલ્લા એક પખવાડીયાથી શહેરમાં વરસાદ વરસી રહ્યો હોવાના કારણે રાજમાર્ગોની હાલાત મગરમચ્છની પીઠ જેવી થઇ ગઇ છે. આવામાં વાહનચાલકોએ પારાવાર તકલીફનો સામનો કરવો પડે છે. બિસ્માર રસ્તા પ્રશ્ર્ને લોકોનો રોષ હવે સામે આવી રહ્યો છે. જેનાથી શાસકો ફફડી ઉઠ્યા છે. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે શહેરમાં તાત્કાલીક અસરથી રાજમાર્ગો પર પડેલા ખાડાનો સર્વે કરી ખાડા બૂરવાની કામગીરી શરૂ કરવા માટે મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા ઇજનેરોને સૂચના આપી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ દરમિયાન રોડ પર પડેલા ખાડા સાંધવા માટે પેચવર્ક કરી શકાતો નથી. કારણ કે સતત વરસાદી વાતાવરણમાં ડામર પેચવર્ક કરવું મુસિબત સમાન સાબિત થઇ જાય છે અને તે ટકતો પણ નથી. આવામાં મોરમ કે પેવર બ્લોક નાંખીને ખાડા સાંધવામાં આવે છે. વરસાદનું ઝાપટું પડતાની સાથે જ મોરમ તણાઇ જાય છે. જ્યારે વધુ વરસાદમાં પેવિંગ બ્લોક નીચા બેસી જવાના કારણે વધુ સમસ્યા સર્જાય છે. હાલ તમામ રોડની હાલત ખૂબ ખરાબ થઇ છે ત્યારે લોકોનો રોષ હવે રિતસર સામે આવી રહ્યો છે. જે આગામી દિવસોમાં વધુ જલદ ન બને તે માટે તાત્કાલીક અસરથી ખાડા બૂરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.