હજુ પણ મુંબઈમાં રોટલો મળવો સહેલો પણ ઓટલો મળવો અઘરો !!!
શા માટે મુંબઈ આર્થિક રાજધાની છે ? તેના એકથી વધુ કારણો છે. મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે તેમ કહેવાય છે અને આ હકિકત પણ છે. તેમ નહીં માનો પણ એ વાત સાચી છે કે વિશ્ર્વના ૫ એવા શહેરોની યાદી તૈયાર કરવામાં આવી છે. જયાં બખોલ જેવી ઓફિસ ખરીદવી હોય તો ઘણી ઉંચી કિંમત ચુકવવી પડે. આ પાંચ વૈશ્ર્વિક શહેરોની યાદીમાં આપણી માયાનગરી મુંબઈનો પણ સમાવેશ થાય છે. મુંબઈ ઉપરાંત ચીનની આર્થિક રાજધાની શાંધાઈ, મેકિસકોનું પાટનગર મેકિસકો સીટી, બ્રિટનનું કેપિટલ અને યુરોપનું હબ ગણાતું શહેર લંડન તેમજ અમેરીકાનું પ્રથમ શહેર ન્યુયોર્કમાં ઓફિસ ખરીદવી હોય કે ભાડે લેવી હોય તો એ ઉંચું સપનું જોવા બરાબર છે. જેએલએલ ઈનિડયા નામની કંપનીએ કરેલા સર્વેમાં આ હકિકત બહાર આવી છે. જે સિઘ્ધ કરે છે કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. મતલબ કે માયાનગરી મુંબઈમાં રોજીરોટી મેળવવી સહેલી છે પરંતુ ઘર કે ઓફિસ ખરીદવું તે અઘરું છે. મુંબઈમાં પ્રાઈવેટ કોમર્શિયલ પ્રોજેકટસ ચાલતા જ રહે છે. એક તબકકે કોંગ્રેસે મુંબઈને બીજું શાંધાઈ બનાવવાનું સપનું જોયું હતું અને તેની જાહેરાત પણ ગાઈ વગાડીને કરી દીધી હતી. ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૪ મુંબઈ માટે અત્યારથી જ જારી કરી દેવામાં આવ્યો છે.
આ માટે ફલોર સ્પેશ ઈન્ડેકસ ૫ કોમર્શીયલ પ્રોજેકટો માટે જાહેર કરવામાં આવ્યા છે. અહી દેશભરમાંથી લોકો હટાણુ કરવા આવે છે. યુપી, બિહાર અને ઉતર પૂર્વી રાજયોમાંથી લોકો રોજગારી મેળવવા અહીં આવે છે. કહે છે કે સપનાઓ પુરા કરી દેતી મુંબઈનગરીમાં એક સમયે પગ મુકવાની જગ્યા નહીં રહે. અત્યારે મુંબઈમાં બોરીવલી, અંધેરી, બાંદરા, કુરલા, લોઅર પટેલ જેવા વિસ્તારોમાં ઓફિસના ભાવ આસમાનને આંબી ગયા છે. કોઈ પણ રીતે લોકો પોતાની માલિકીની ઓફિસ હોય તેવું સપનું જોતા હોય છે પરંતુ મુંબઈમાં અત્યારે રોટલો મળે છે પણ ઓટલો મેળવવો મુશ્કેલ છે એ ફરી એકવાર સાબિત થયું છે.