ગુજરાતમાં ચારેય બાજુ જોઇએ તેટલો દારૂ આરામથી મળી રહે છે, પ્રશાસન કંઇ કરતું નથી અથવા કરવા માંગતુ નથી: આપની સરકાર બનશે તો રાજ્યમાં દારૂબંધીને જડબેસલાક અમલવારી કરાશે: આપ સુપ્રીમો
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ક્ધવીનર અરવિંદ કેજરીવાલ ગઇકાલથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે સવારે તેઓએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવ્યા બાદ રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. તેઓએ જીએસટી સહિતની અનેક પ્રશ્ર્નોને લઇ વેપારીઓને નડતી સમસ્યાઓને સમજી અને સાંભળી હતી. તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.
અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતમાં કેમિકલયુક્ત દારૂ પીવાના કારણે 27થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને ઘણા લોકો હજી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. આ વાત ખૂબ જ દુ:ખદાયક અને પીડા આપનારી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શા માટે ખૂલ્લેઆમ દારૂ વેંચાઇ રહ્યો છે તે મોટો પ્રશ્ર્ન છે. રાજ્યમાં ચારેય બાજુ જોઇએ તેટલો દારૂ આરામથી મળી રહે છે. હજારો-કરોડો રૂપિયાનો આ વ્યવસાય છે. દારૂબંધીની કડક અમલ કરાવવામાં તંત્ર ઊંણુ ઉતર્યું છે અથવા કંઇ કરવા માંગતું નથી. જો ગુજરાતમાં આપની સરકાર આવશે તો અમે દારૂબંધીની કડક અમલવારી કરાવશું. રાજ્યમાં હાલ દારૂબંધી માત્ર કાગળ પર જ છે. બે નંબરનો દારૂનો ખૂબ જ વેંચાણ થાય છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આજે મેં રાજકોટના વેપારીઓ સાથે સંવાદ કર્યો છે અને તેઓની સમસ્યાઓ જાણી છે. અહિં શાસકો દ્વારા વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને ડરાવવામાં આવે છે. ગુજરાતમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. કોઇ કામ પૈસા વિના થતું નથી. ભ્રષ્ટાચારની સમગ્ર સિસ્ટમને નાબૂદ કરવા માટે આપ એક જ વિકલ્પ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટથી સિધા ભાવનગર જિલ્લાની મુલાકાતે જશે. જ્યાં તેઓ લઠ્ઠાકાંડમાં મોતને ભેટેલા હતભાગીયોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવશે.
સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવતા કેજરીવાલ
દેશની સુખાકારી માટે ભોળીયાનાથ સમક્ષ કરી પ્રાર્થના
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ક્ધવીનર અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે તેઓએ સોમનાથ ખાતે પ્રથમ જ્યોર્તિલીંગ એવા સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું અને ભગવાન શિવના દર્શન કર્યા બાદ દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આવતા સપ્તાહે ફરી કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ સોમનાથ ખાતેથી ગુજરાત વિધાનસભાની ચુંટણીનું રણશીંગુ ફૂંકશે. આજે સોમનાથ મહાદેવના દર્શન વેળાએ તેઓની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઇશુદાન ગઢવી, ગુજરાત પ્રદેશ આપના પ્રમુખ ગોપાલભાઇ ઇટાલીયા, પ્રદેશ ઉપપ્રમુખ જગમાલભાઇ વાળા તથા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રવિણભાઇ રામ ઉપસ્થિત રહ્યા હતા.