તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડામાં રાજુલા શહેર વિસ્તારમાં કેશડોલ્સ ચૂકવવામાં અન્યાય થયો હોવાનું લોકોમાંથી જાણવા મળી રહ્યું છે. આ અંગેની મળેલ માહિતી મુજબ જાફરાબાદ નગરપાલિકા વિસ્તારમાં કેશ ડોલ્સની ચુકવણીમાં દરેકને (વ્યક્તિદીઠ) રોજના 100 રૂપિયા લેખે મોટા માત્ર 700 રૂપિયા જ્યારે રાજુલા નગરપાલિકા વિસ્તારમાં 300 રૂપિયા ચુકવવામાં આવેલ હોવાનું લોકોમાંથી જાણવા મળી રહેલ છે. આમાં જાફરાબાદને 700 રૂપિયા ચુકવ્યા તેની સામે કોઇને વાંધો નથી પરંતુ રાજુલામાં 300 રૂપિયા જ શા માટે ?
જાણવા મળેલ વિગત મુજબ જાફરાબાદ નગર પાલિકામાં સુકાન ભાજપના હાથમાં છે. જ્યારે રાજુલા નગર પાલીકાનું સુકાન કોંગ્રેસના હાથમાં હોવાથી આવુ બનેલ હોવાનું લોકોમાંથી જાણવા મળી રહેલ છે.
આ અંગે લોકોમાંથી એવો સુર ઉઠી રહ્યો છે કે, રાજકીય માણસો, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી દ્વારા રાજકારણને બાજુ પર મુકીને પોત-પોતાના વોર્ડના કોર્પોરેટરો તેમજ અગાઉ ચુંટાયેલો કોર્પોરેટરો તેમજ ચુંટણી હારી ગયેલા ઉમેદવારો પણ મેદાનમાં આવે અને વોર્ડ વાઇઝ ક્યાં ક્યાં વ્યક્તિને કેટલી રકમ ચુકવેલ છે તેની જાણકારી મેળવીને બાકીની રકમ મેળવવા માંગણીઓ કરે અને જવાબદાર અધિકારીઓને આ અંગે ફરીયાદ કરે જેથી લોકોને કેશડોલ્સની પુરી રકમ મળે તેમજ એકને ગોળ અને એકને ખોળ આપનાર અધિકારી સામે પગલાં ભરવામાં આવે તેવી પણ લોકમાંગ છે. આ અંગે અંગત સુત્રોમાંથી મળેલ માહિતી મુજબ જ્યારે સર્વે કરી રહેલા અધિકારીઓએ કેશડોલ્સ અંગે ઉચ્ચ અધિકારીને 700/- રૂપિયા લેખે ચુકવવા જણાવ્યું ત્યારે એક ઉચ્ચ અધિકારીએ એવું કહેલ કે, તમારે હું કહું એટલુ જ કરવાનું છે. આમ રાજુલામાં કેશડોલ્સની ચુકવણીમાં એક ઉચ્ચ અધિકારી રાજકીય નેતાના ઇશારે કામ કરી રહ્યાં હોય આ અધિકારી કોણ? તેવા અનેક સવાલો પ્રજાજનોમાં ચર્ચાઇ રહ્યાં છે.