જુની સિસ્ટમમાં પાંચ વર્ષ સુધી તેને બાળપણ માણવા દિધા બાદ આપણે તેને ધો.1માં પ્રવેશ અપાવતા: આજે સાડા ત્રણ વર્ષે રમવાની ઉંમરે ભણવા બેસાડી દઇએ છીએ તેથી તેનો પાયો કાચો રહી જાય છે
આજની પવર્તમાન સ્થિતિમાં દરેક મા-બાપને પોતાનો 3 વર્ષનું બાળક જલ્દી-જલ્દી ભણવા માંડે ને હોશિંયાર બની જાય તેવી તાલાવેલી છે. બાળકને બાળપણ પણ માણવા દેતા નથી તેને વિવિધ ક્લાસની ટ્રેનીંગ, લેશન, પ્રોજેક્ટ જેવા ભારેખમ કાર્યો કરી જુદી-જુદી કેટલી બધી આવડતો કે કલા તે એક જ બાળક હસ્તગત કરી લે તેવા પ્રયાસો મા-બાપોના હોય છે. બાળઉછેર, આહાર કે ચાઇલ્ડ સાયકોલોજીની જાણકારીનો અભાવ ઘણીવાર બાળકને પાયાથી જ નિરસ કરી નાંખે છે. આજે મા-બાપને પોતાનું સંતાન પાડોશીના સંતાન કરતા વધુ હોશિંયાર જોવું છે તેવી વાતને દેખાદેખીને કારણે જ કુમળું બાળક તેનો ભોગ બને છે.
બાળકને પ્રેમ, હૂંફ અને લાગણીથી જ જીતી શકાય છે. બધા જ લોકો, શિક્ષકો એક કહે કે નાના બાળકને ભણાવવા અઘરા હોય છે પણ આ વાત ખોટી છે, નાના કે મોટા બાળકોને તેને ગમતું વાતાવરણ પુરૂ પાડો તો ગમે તે બાળક ભણવા પ્રત્યે પ્રેરાય છે. શિક્ષણની વિવિધ ટેકનીક અને તરંગ, ઉલ્લાસમય શિક્ષણ પધ્ધતી જ તેમાં સફળતા અપાવે છે. જુની સીસ્ટમમાં ક્યાં આ બાલમંદિરો હતા છતાં બધાને વાંચતા-લખતા આવડી જ ગયું હતું. ગુજરાતી ભાષા ઉપરાંત બીજી બે ભાષા હિન્દી અને અંગ્રેજીમાં પણ તેને સારી સિધ્ધી મેળવી જ હતી.
બાળપણ અને શિક્ષણ પ્રારંભ તેની વયકક્ષા કે ક્ષમતા મુજબ શરૂ થવું જરૂરી છે. નાના બાળકનો વિકાસનો તબક્કો જાણવો જરૂરી છે. નાના બાળકોનો મા-બાપ કે સ્કૂલ ટીચરની સામે શારીરીક, માનસિક અને સામાજીક વિકાસ થાય છે. ત્યારે મા-બાપની પ્રથમ અને શિક્ષકની બીજી જવાબદારી મહત્વની છે.
નાના બાળકોને હસતા-હસતાંને રમતાં-રમતાં શિક્ષણ અપાય તો જ તેનો પાયો મજબૂત બને છે. પ્રારંભિક બાળ શિક્ષા કે બુનિયાદી કે પાયાના શિક્ષણનું મહત્વ બાળકનાં જીવનમાં અતિ મહત્વ ધરાવે છે. બાળક તેના આસપાસનાં વાતાવરણમાંથી સૌથી વધુ શીખતું હોવાથી મા-બાપ ઘરનું વાતાવરણ અને આજુબાજુનું પર્યાવરણ તેને શ્રેષ્ઠ મળે તેવું આયોજન કરવું જોઇએ.
નાના બાળકોના પ્રારંભિક શિક્ષણ કે જેને આપણે નર્સરી, લોઅર કે.જી. અને હાયર કે.જી. જેવા નામો આપ્યા છે તેમાં તેને પાયો પાકો થાય તે રીતે તેને રસ-રૂચિ મુજબની શિક્ષણ ટેકનીકથી ભણાવાય તો જ તેની શિક્ષણ ઇમારત પાયાથી મજબૂત બને છે. અહીં ટબૂકડા બાળ મિત્રોને ભણાવવા માટે પુરૂષ શિક્ષક કરતાં મહિલા શિક્ષકો વધુ સફળ થતાં જોવા મળ્યા છે કારણ કે નાના બાળકની વ્યથા એક સ્ત્રી જ સમજી શકે છે. બાળક તેના જેવડાં નાના બાળકો પાસેથી ત્વરીત શીખી જતો હોય તો તે તેને ગમતું ક્લાસરૂમ વાતાવરણ મળે તો શીખવાનો જ છે. તેનો રસ જળવાઇ તે જોવું જરૂરી છે. બાળકને રમવું હોય તમારે તેને પરાણે ભણાવવો છે તેથી તે રડે છે, એટલે જ નાના ધોરણના બાળકો નિશાળે રોતારોતા આવતા તમે જોયા હશે.
નાના બાળકોની શિક્ષણ ટેકનીકમાં ચિત્ર, બાળવાર્તા, બાળગીતો, સંગીત, રમત-ગમત અને જ્ઞાન સાથે ગમ્મતની પ્રવૃતિની બહું મોટી અસર પડે છે. તેથી તેનો ભરપૂર ઉપયોગ થાય તે શૈક્ષણિક સંકુલ અને ટીચરે જોવું જરૂરી છે. બાળમાનસના અભ્યાસુ શિક્ષકોને જ નાના ધોરણનાં વર્ગો આપવા જરૂરી છે.
નાનું બાળક ઝડપથી સુચનાનો અમલ કરે છે અને શિસ્ત, વ્યવસ્થામાં ઝડપથી રહેવા લાગે છે ત્યારે તેના વર્ગ શિક્ષકે તેની વયકક્ષા મુજબ થોડા-થોડા સમય બાદ પ્રવૃતિ પ્રોજેક્ટ ફેરવીને તેને સતત પ્રવૃતિમાં રાખવો જરૂરી છે. પ્રખ્યાત બાળ મનોવૈજ્ઞાનિક સ્ટોફે જણાવ્યું છે કે “સારા કૌટુંબિક વાતાવરણમાં ઉછરેલ બાળકનું વર્તન સારૂ જ હોય છે” અને હા, આવું બાળક કોઇપણની સાથે અનુકૂલન સાધી શકે છે. આથી ઉલ્ટું ખરાબ વાતાવરણ ઘરનું હોય તો બાળક સંવાદિતા સાધી શકતું નથી.
બાળકનાં યોગ્ય વિકાસ માટે યોગ્ય સામાજીકરણ જરૂરી છે. સામાજીકરણ મુખ્ય અને પ્રાથમિક પરિબળ છે. જ્યાં બાળકનું ચારિત્ર્યનું ઘડતર થાય છે. બીજું પરિબળ શાળા વાતાવરણનું આવે જ્યાં બાળક શિક્ષણનો પ્રારંભ કરીને યાત્રા શરૂ કરે છે. બાળકના શ્રેષ્ઠત્તમ પરિબળો નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
માતા-પિતાનો દ્રષ્ટિકોણ પ્રોત્સાહન સાથે તેની વ્યથા પણ સમજાતી હોય તે જરૂરી છે. બાળકમાં રહેલી છૂપીકલાને પ્રોત્સાહીત કરીને ઉજાગર કરવાની જરૂર હોય છે પણ આજના મા-બાપો પોતાના અધુરા સપનાઓ પોતાના બાળકમાં જોવે છે.નાના બાળકો સાથે અસરકારક પ્રત્યાન સાથે ધણી બધી બાબતો શિક્ષકે તકેદારી રાખવી જરૂરી છે. જેમાં સજાને ટાળવી, હકારાત્મક બનવું, સારા શ્રોતા બની બાળકને પ્રોત્સાહન આપવું અને ઉપચારાત્મક મદદ કરીને તેને સધિયારો આપવો જરૂરી છે.
માતા-પિતાનો કે શિક્ષકનો બાળક પ્રત્યેનો વ્યવહાર ખૂબ જ અસર કરતો હોવાથી તે બાબતે સજાગ રહેવું જરૂરી છે. બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે, તે એક ચિત્ર છે આપણે જોવાની જરૂર છે, તે એક સંગીત છે આપણે સાંભળવાની જરૂર છે અને બાળક પોતે પોતાનામાં જ વિશિષ્ટ અને મહાન છે તે ભૂલવું ન જોઇએ. બાળકનાં વિકાસમાં ઘર અને શાળા બંને ભૂમિકા અગત્યની હોવાથી બંને સાઇડથી શ્રેષ્ઠત્તમ કાર્ય થાય તે જરૂરી છે.
બાળક પ્રારંભે તો મોટાભાગનું જોઇને, બીજાની વાતો સાંભળીને શીખી જતું હોયને બાદમાં શાળા વાતાવરણમાં તે બીજી વસ્તુ પણ ધીમેધીમે શીખવા લાગતું હોવાથી આપણે તેને સતત પ્રોત્સાહિત કરવો જરૂરી છે પણ આજના મા-બાપોને શિક્ષકો ઉતાવળમાં નિર્ણયો ખોટા લઇ લે છે.
બાળકની વય-કક્ષા પ્રમાણેની ક્ષમતા જોવી અતિ આવશ્યક છે. જેમ મોટું થાયને સમજ વધતી જાય ત્યારે તે આપોઆપ શિખવા જ લાગે છે. નાના બાળકોના શિક્ષણ સમયમાં પણ ટીચરે રસમય આયોજન સાથે વર્ગ વ્યવહાર, વાતાવરણ સાથે વિવિધ રસમય પ્રવૃતિ કરવી જરૂરી છે અન્યથા બાળકને રસ ન પડતા તે ભણશે જ નહીને તેનો પાયો કાચો રહેશે. જે આગળ ઉપર તેને સતત નબળો બનાવતો જાશે. નાના બાળકોને પ્રવૃતિમાં ભાગ લેવું બહુ જ ગમતું હોવાથી તે વિશે વધુ આયોજન કરવા અને બાળક જ્યાં જાય ત્યાંની વાતો તે પોતાની કાલીઘેલી ભાષા વર્ગમાં કરશે ત્યારે તેની કલ્પનાશક્તિ, સાંભળેલા શબ્દો અને મૌખિક અભિવ્યક્તિ ખીલી ઉઠશે.
નાના બાળકોને રમતા-રમતાં શિક્ષણ આપો તો તેના રસ-રૂચી જળવાતા હોવાથી શિક્ષકે વિવિધ ટેકનીકથી તેને શિક્ષણમાં જોડવો જરૂરી: નાના બાળકોમાં મહિલા શિક્ષક વધુ અસરકારક સાબિત થાય છે
માતા-પિતાએ બાળક સાથે રોજ ચર્ચા કરવી
નાના બાળકોને ઘર, શાળા, ખોરાક, પાણી જેવી ચીજોની જ જરૂરિયાત મુખ્ય નથી. આ સિવાય પણ તેને ઘણી જરૂરીયાત છે તે મા-બાપેને શિક્ષકે સમજવી જરૂરી છે. બાળકને તેની સાથે વાત કરનારૂં અને તેની આશા-મુશ્કેલી કે તેના ધ્યેયને સમજનારાની જરૂર હોય છે માટે દરેક મા-બાપે સંતાનો સાથે રોજ ચર્ચા કરવી જોઇએ. બાળકને તેની જેવડા મિત્રોની જરૂર હોય છે તેથી તેને મિત્રો બનાવવા મદદ કરવી પણ સારા-ખરાબની પરિભાષા તમારે અને બાળકને પણ સમજવી જોઇએ.
દરેક બાળકને બીજા બાળક કરતાં કંઇક અલગ દેખાવવાની ઇચ્છાઓ હોય છે જેમાં મા-બાપે તેના લક્ષણો કેળવવા પડશે. શિક્ષક અને મા-બાપનો લાગણીશીલ વ્યવહાર ટબૂકડા બાળકનાં ઝડપી વિકાસમાં મદદરૂપ થાય છે. વાલી મિટિંગમાં એકબીજા વાલીઓ મળે ત્યારે એકબીજાના અનુભવો શેર કરે છે તેથી તેના બાળકની શૈક્ષણિક તકોને તે સુધારી શકે છે.
બાળઉછેર સાથે આજના મા-બાપે બાળકનાં સંર્વાંગી વિકાસની તાલિમ લેવી જરૂરી છે. આજની 21મી સદીમાં બાળકનો ઉછેર અને વિકાસ દરેક મા-બાપ માટે ચેલેન્જીંગ કાર્ય છે.