ઈતિહાસ: નવી નજરે
‘ઈતિહાસ’ – શબ્દ સાંભળતા જ કેટલો કંટાળો આવી ગયો!પણ ના,તમે માનો છો એટલો પણ કંટાળાજનક વિષય નથી.આ એ જ વિષય છે જેને માનવજાતનો દસ્તાવેજ આપણને ધર્યો છે.શાળા અને મહાશાળામાં જે પદ્ધતિએ ઈ તિહાસ ભણાવાય છે એ પદ્ધતિ કંટાળા જનક છે એ બેશક વાત છે.
સાલવારી અને રાજાઓના વંશવેલાના ગૂંચવાડામાં આપણે ઈ તિહાસને બાંધી દીધો છે ને ત્યાં બિચારો ઈતિહાસ પોતાના ગૌરવ અને સન્માન માટે આપણી સામે ટગર ટગર જોયા કરે છે.ખરેખર ઈતિહાસ નવ્ય દ્રષ્ટિ આપનારો વિષય છે પણ આપણે ઈ.સ અને આ રાજા પહેલો ને બીજો એમાં એવા ફસાયા છીએ કે મૂળ હેતુ ઈ તિહાસનો મરી ગયો છે.આજના યુવાનો ઈતિહાસથી વિમુખ થઈ ગયા છે એનું મૂળ કારણ આ છે.
બેશક સાલવારી અને રાજાઓના વંશવેલા ખૂબ જ અગત્યના છે પણ ભૂલવું ન જોઈએ કે એ સાધન છે,સાધ્ય નહિ.એના થકી જે જીવનમૂલ્ય આપણે શીખવાનું છે એ જ એનો મૂળ હેતુ છે.નેપોલિયન ને હિટલર ભણ્યા પણ એમાંથી શીખ્યા શું? ચાણક્ય અને ગુપ્ત યુગના સમુદ્રગુપ્ત તો ભણ્યા પણ એમાંથી બોધપાઠ શું મેળવ્યો? એની વીરતાના ગાન કરનાર વિદ્યાર્થીમાં જો એ મર્દાનગી ન આવે તો બધું વ્યર્થ! આ વિષય જ એટલે છે કે જેથી માત્ર સંસ્કૃતિ સંરક્ષણ જ નહીં પણ સાથે સાથે અસ્મિતા પણ જળવાય!
સાલવારી અને રાજાઓના વંશવેલા વડે જે ઈતિહાસ અત્યાર સુધી લખાયો છે એમાં એક ખામી કદાચ છે અને એ છે – લોકાભિમુખતાનો અભાવ!આજે ઈ તિહાસ વર્ગ સિવાય ક્યાં છે? એ આપણે શોધવું પડશે બાકી ધીમે ધીમે ઉછરતી પેઢીમાં તર્કદ્રષ્ટિ અને બની ગયેલી ઘટનામાંથી તારણ કાઢીને શીખવાની જે પ્રક્રિયા છે એ નાશ:પ્રાય બની જશે.આ વિષય આજે યુવાધન માંગે છે અને સંશોધકો પણ ઝંખે છે પરંતુ એ દર વખતે નિરાશ થાય છે.
વ્યક્તિ ચરિત્રો,અભિલેખો,શિલ્પ,સ્થાપત્યમાં જે કલાતત્વ પડ્યું છે એનો નાશ ન થવો જોઈએ અન્યથા ઈતિહાસમાં પહેલા બનેલી ઘટના પુન: આકાર લેશે.એક જમાનામાં ભારત પાસે ઈતિહાસ દ્રષ્ટિનો અભાવ હતો અને એને લીધે આજે ઈતિહાસમાં જે તર્ક વિતર્કની વિસંગતતા સર્જાઈ છે એનાથી કોઈપણ ઈતિહાસનો સુજ્ઞ વાચક પરિચિત જ હશે.
અંતે,યુવાનોના સળગતો પ્રશ્ન: શા માટે ઈતિહાસ ભણવો જોઈએ? એનો જવાબ એક ઉદાહરણ દ્વારા આપવો જોઈએ.
આઝાદી મળ્યા પહેલા એક છોકરો લાહોરની રાષ્ટ્રીય વિદ્યાલયમાં ભણતો હતો.અંગ્રેજી શિક્ષણનો તો બહિષ્કાર થયેલો.છોકરો આમ તો કવિહૃદયી હતો,ઋજુ હૃદયનો અને સંવેદનશીલ હતો.કવિતા પણ કરતો કોઈક વખત! એ સમયે વિશ્વના પટ પર એક મહાન ક્રાંતિ એવી રશિયાની બોલ્શેવિક ક્રાંતિ આકાર લઈ ચુકી હતી.એ ક્રાંતિનો નાયક લેનિન સમગ્ર રશિયામાં છવાય ગયો હતો.વાત જે છોકરાની હું કરું છું એને વિષય હતો ઈ તિહાસ ને અધ્યાપક હતા જ્યેન્દ્ર વિદ્યાલંકાર! ઈતિહાસના વિદ્યાર્થી હોવાને નાતે એ છોકરાએ જર્મનીના એકીકરણ,ઈટાલીના એકીકરણ,ફ્રેન્ચ ક્રાંતિ,રશિયન ક્રાંતિના ઈ તિહાસનું આચમન કર્યું અને દિશા બદલાઈ ગઈ.છોકરામાં કવિતા તો હતી પણ દેશભક્તનો સુર એમાં રેલાઈ ગયો.
ભલે આગળ જતાં એને કવિતા ન કરી હોય પણ ઈતિહાસ ભણતા ભણતા એને એવો રંગ લાગ્યો દેશની આઝાદી મેળવવાનો કે એને વિવિધ મંડળોમાં કામ કરવા માંડ્યું.’સમાજવાદનો વિજય હો અને સરમુખત્યારનો નાશ હો’ આ એનું જીવનધ્યેય બની ગયું.લેનિનને એ છોકરો ઈશ્વર માનવા લાગ્યો.બ્રિટિશ હુકુમત સામે એને પોતાનું માથું ઊંચક્યું અને એવી રીતે ઊંચક્યું કે ભારતના ક્રાંતિકારીઓની આખી આર્યસમાજી પરંપરાની દિશા પલટી નાખી.આ છોકરાને તમે બધા જાણો છો પણ ઓળખી શક્યા નથી કારણ કે તમે પુસ્તકોમાં નહિ,ફિલ્મોમાં અને સોશિયલ મીડિયા પર જ ઈ તિહાસ જોયો છે.આ છોકરો છે આજના અનેક યુવાનોના આદર્શ શહિદ ભગતસિંહ!
બસ,ઈતિહાસના અધ્યયનથી આટલો જ ફાયદો થાય.હવે આગળ કહેવાની કંઈ જરૂર ખરી?
– પ્રથમ પરમાર
તમે પણ કવિતા, સ્વરચિત ગીત, ગઝલ કે કથા, ટૂંકીવાર્તા લખવાના શોખીન હોવ તો તમારા દ્વારા રચિત કન્ટેન્ટ અમને અમારા ઈ-મેઈલ એડ્રેસ [email protected] પર મોકલી આપશો. જેને તમારા નામ સાથે અમે અમારા પ્લેટફોર્મ પર મૂકીશું. તમારી આવડત, કૌશલ્ય, કળા-કૃતિને અમે ઉજાગર કરીશું.