લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસ મામલે ઈક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો દ્વિધામાં: ટેકસી બચવા અવનવા પેંતરા સરકારની નજરે ચડયાનું સામે આવ્યું
વર્ષ ૨૦૧૮માં લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસ સાથે સેસનું ભારણ રોકાણકારો ઉપર મુકવામાં આવતા શેરબજારમાં બે દિવસ સુધી કડાકા બોલી ગયા હતા. બજારમાં ત્તેજીના ફૂગામાંથી હવા નીકળી ગઈ હતી. આ મામલે રોકાણકારોએ મોટો વિરોધ કર્યો હતો પરંતુ સમયાંતરે રોકાણકારોએ ૧ લાખથી વધુના નફા પર લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસની બાબત સ્વીકારી લીધી હતી. જો કે હવે આ ટેકસ હટાવવાની ચર્ચા છાને ખુણે ચાલી રહી છે. શોર્ટ ટમ ગેઈન પર ૧૫ ટકા અને લોંગ ટર્મ ગેઈન પર ૧૦ ટકાનો રેઈટ હટાવવામાં આવે તેવી પણ ધારણા છે. અલબત આ બાબતે બજેટમાં મામલો ખુલ્લો પડશે.
ઈકવીટી શેર અને મ્યુચ્યુઅલ ફંડ બન્નેમાં લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસની ગણતરી અને વ્યક્તિગત કરવેરાની ગણતરી મુદ્દે અસમંજસતા લોકોમાં જોવા મળે છે. લાંબાગાળે કેપીટલ ગેઈન ટેકસમાં ચોરીના આક્ષેપો પણ થયા છે. રૂા.૯૯૦૦૦ કરોડ જેટલી તોતીંગ રકમના ઈકવીટી શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓએ હજુ સુધી કેપીટલ ગેઈન ભર્યો ન હોવાની બાબત સામે આવી રહી છે. કેપીટલ ગેઈન ટેકસ ભરવામાં રહેલી છટકબારીનો ઉપયોગ કેટલાક રોકાણકારો કરી રહ્યાં હોવાની દલીલો થઈ છે.
લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસ મુદ્દે મળેલા ડેટા અનુસાર ૨૦૧૮-૧૯માં ૯૧૦૦૦ રોકાણકારોએ ઈકવીટી શેર અને મ્યુચ્યુઅલ ફંડની આવક મુદ્દે રિટર્ન ફાઈલમાં ચોખવટ કરી નહોતી. અઢી લાખ જેટલા રોકાણકારોએ એક વર્ષથી વધુ સમય સુધી કરેલા રોકાણ મુદ્દે કેપીટલ ગેઈન ટેકસ ભર્યો જ નહોતો અથવા પોતાની આવકમાં વેલ્યુ ઓછી દર્શાવી હતી. આ તમામ સામે કેન્દ્ર સરકાર પગલા લેવાની તૈયારીમાં છે. લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસ અને સિક્યુરીટી ટ્રાન્જેકશન ટેકસની સામે ઘણા સમયથી રોકાણકારો વિરોધ કરી રહ્યાં છે. આ બન્ને ટેકસને ઉઘરાવી તેને આવકવેરા તરીકે ગણવામાં આવતા નથી. પરિણામે બે ગણું ભારણ રોકાણકારો ઉપર આવતું હોય છે. જો કે સરકારે આ ટેકસની અમલવારી જ આવકવેરાની ચોરી કરતા રોકાણકારોને પકડવા કરી હોવાની વાત પણ સામે આવી છે. પેન્ની સ્ટોકસમાં થતાં રોકાણમાં અનેક વખત બ્લેકમનીનું રોકાણ થતી હોવાનું વાત સરકારની નજરે આવ્યા બાદ કેપીટલ ગેઈન ટેકસ થકી આ રોકાણને ટ્રેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે એકંદરે સફળ રહ્યો છે.
અહીં નોંધનીય છે કે, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા, ચીન અને યુરોપના કેટલાક દેશોમાં પણ લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસ અથવા તો તેના જેવો અન્ય કરવેરો વસુલવામાં આવતો હોય છે. જો કે, આ દેશોમાં કરવેરા વચ્ચેનો તફાવત ૧૦ થી ૩૫ ટકા નફા ઉપર રહે છે. મ્યુચ્યુઅલ ફંડ કે ઈકવીટી સ્ટોક વેંચયા બાદ તેનાથી થતી આવક મુદ્દે કેપીટલ ગેઈન ટેકસ ઉઘરાવવામાં આ દેશોમાં સ્થિતિ સ્થાપકતા જોવા મળે છે. જો કે, છેલ્લા બે વર્ષથી ભારતમાં કેપીટલ ગેઈન ટેકસ મુદ્દે કેન્દ્ર સરકારે લીધેલો નિર્ણય રોકાણકારોને પચ્યો નથી. પરિણામે ૩.૪ લાખ જેટલા રોકાણકારોએ લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસની ચોરી કરી હોવાનું સરકારને ધ્યાને આવ્યું છે.
અહીં નોંધનીય છે કે, આર્થિક મંદી વચ્ચે સરકારે કેપીટલ ગેઈન ટેકસમાં કરેલા ફેરફારને લઈ રોકાણકારોમાં ભારે અસમંજસતા જોવા મળી હતી. સરકારે ગત વખતે એકાએક લીધેલા નિર્ણયથી નારાજગી જોવા મળ્યા બાદ આગામી સમયમાં કેપીટલ ગેઈન ટેકસ શા માટે હટાવવો જરૂરી બન્યો છે તે મુદ્દે વિગતવાર રજૂઆત કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી. આર્થિક મંદીની સ્થિતિમાં રોકાણકારો ઉપર કરનું ભારણ નાખવાની ભુલ આગામી બજેટમાં કેન્દ્ર સરકાર નહીં કરે તેવું જણાય રહયું છે. ગત વખતે કેપીટલ ગેઈન ટેકસમાં કરેલા ફેરફારના કારણે શેરબજારમાં એકાએક મંદી જોવા મળ્યા બાદ હવે આ બજેટમાં સરકાર ફૂંકી ફૂંકી પગલા ભરશે.
રીયલ એસ્ટેટમાં કેપીટલ ગેઈન ટેકસની અસમંજસતા
જમીનને રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ ગણાવી કે નહીં તે અંગે મત મતાંતરના કારણે જમીનના વેંચાણ પર કેપીટલ ગેઈન ટેકસ ભરવો કે નહીં તે અંગેનો વિવાદ થોડા સમય પહેલા વધ્યો હતો. સ્પષ્ટતાના અભાવે કેપીટલ ગેઈન ટેકસ ન ભરવામાં આવતા સરકારને કરોડો રૂપિયાની આવક ગુમાવી પડી હતી. દરમિયાન ૨૦૧૭-૧૮માં કેપીટલ ગેઈન ટેકસમાં ઘણા ફેરફાર થયા હતા. કેપીટલ ગેઈન એટલે કોઈપણ સવર થતા જંગમ મિલકત જો ત્રણ વર્ષથી ઉપર રોકાણ કર્યા વગર વેંચાણ કરવામાં આવે તેને લાંબાગાળાનો નફો એટલે કે કેપિટલ ટેકસ તરીકે આવકવેરામાં ગણવામાં આવે છે. અત્યાર સુધી ફકત ૨૦ ટકા ટેકસ ઈન્ડેક્ષ કોસ્ટ થતા વેંચાણ કિંમતના નફા ઉપર આવતો હતો.
સોનાની ડિપોઝીટમાં કેપીટલ ગેઈન ટેકસ મર્યાદા
સોનાની ડિપોઝીટ પર મળનારૂ વ્યાજ કેપીટલ ગેઈન ટેકસ મુકત ગણવામાં આવે તે માટે સરકારને રજૂઆતો થઈ હતી. જો કે, વારસાગત સોનાના ઘરેણા ઉપર કોઈપણ પ્રકારનો ટેકસ વસુલ કરવામાં આવતો નથી પરંતુ વારસાગત સોનાનું વેંચાણ અનુગામી કરે તો કરપાત્ર માનવામાં આવે છે.
પોતે ખરીદેલી અથવા પ્રાપ્ત કરેલી ફિઝીકલ ગોલ્ડ અને ગોલ્ડ ઝવલરી કેપીટલ કરપાત્ર હોય છે. જો સોનુ ૩૬ મહિનાથી વધુ સમય સુધી રાખવામાં આવે તો લાંબાગાળાનો નફો ગણવામાં આવે છે. જેથી લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસની મર્યાદા સોનાના રોકાણમાં નડે છે.
અંદાજપત્રિકા શું છે ? તેનું મહત્વ શું ?
આગામી કેન્દ્રીય બજેટને લઈને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બજેટમાં લોકોની સુખાકારી માટે ક્યાં પ્રકારની જાહેરાતો થશે તે માટે ચર્ચા થઈ રહી છે. આવા સંજોગોમાં અંદાજપત્રકમાં ફિસ્કલ ડિફીસીટનું મહત્વ શું ? આવક જાવકના હિસાબમાં સંતુલન રાખવા સરકારે ક્યાં પગલા લીધા તે સહિતના મુદ્દે લોકોમાં મતમતાંતર જોવા મળે છે.
સરકારને થતી વિવિધ કરવેરાથી આવક અને સુખાકારી યોજનાઓ, પગાર ચૂકવવા સહિતની જાવકને અંદાજ પત્રિકામાં દર્શાવવામાં આવે છે. આ અંદાજ પત્રિકા વાસ્તવિક અને અનુમાનીત આંકડા દર્શાવતી હોય છે. બન્ને વચ્ચે મસમોટો ફર્ક જોવા મળતો હોય છે.
ચાલુ વર્ષે મોદી સરકાર માટે ખર્ચ ઘટાડી આવક વધારવા એટલે કે ફિસ્કલ ડિફીસીટ ઓછી કરવાની બાબત કેન્દ્ર સ્થાને રહેશે તેવું મનાઈ રહ્યું છે.
શેરબજારના રોકાણકારો માટે કેપીટલ ગેઈન ટેકસ માથાનો દુ:ખાવો ?
ઈકવીટી અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનાર રોકાણકારો માટે વર્ષ ૨૦૧૮ના એપ્રિલ મહિનાથી કેપીટલ ગેઈન ટેકસ માથાનો દુ:ખાવો બની ચૂકયો છે. ઈકવીટી કે મ્યુચ્યુઅલ ફંડમાં એક વર્ષનું રોકાણ કર્યું હોય અને આવક ૧ લાખને પાર થઈ ગઈ હોય તો ૧૦ ટકા લોંગટર્મ કેપીટલ ગેઈન ટેકસની સાથે સેસ પણ ભરવાની થાય છે. એક લાખની આવક અને એક વર્ષનું રોકાણ સામાન્ય રીતે રોકાણકારો માટે કોમન વાત છે ત્યારે આવા સંજોગોમાં લોંગટર્મ કેપીટલ ટેકસમાં માત્ર ૧ વર્ષનો જ સમયગાળો કેમ તે મુદ્દે અગાઉ દલીલ થઈ ચૂકી છે. આ ટેકસની મર્યાદા હટાવવા માટે રજૂઆત પણ કરાઈ છે.