હિતેશ રાવલ, સાબરકાંઠા:
કોરોનાની સાથે સાથે ગુજરાતને ન્યુમોનિયા મુક્ત કરવા હવે ન્યુમોનિયાની રસીનું મહાભિયાન રાજ્યમાં શરૂ થયુ છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં શહેરી આરોગ્ય કેંદ્ર હિંમતનગર ખાતેથી PCV રસીનો જિલ્લા સમાહર્તા હિતેષ કોયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જિલ્લાના ૫૧૧ ભુલકાઓને PCV રસી આપી બાળકો માટે ગંભીર ગણાતી અનેક બિમારીઓથી રક્ષિત કરાયા છે. સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ વિસ્તારમાં મમતા દિવસે, સરકારી દવાખાનામાં અન્ય રસીની જેમ કોંજુગેટેડ ન્યુમોકોકલ વેક્સિન PCV વિના મૂલ્યે મળી રહેશે.
PCV વેકસીન બાળકોમાં ન્યુમોનીયા જેવા ગંભીર રોગો સામેના સુરક્ષા કવચ પુરૂ પાડશે
આ તકે જિલ્લા સમાહર્તા હિતેષ કોયા દ્રારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત સરકારના નિયમિત રસીકરણ કાર્યક્રમમાં એક નવી વેક્સિન ન્યુમોકોકલ કોંજુગેટ PCVને સરકાર દ્વારા શામેલ કરવામાં આવી છે. બાળકોમાં ન્યુમોકોકસ બેક્ટેરિયા દ્વારા થનારી બીમારીઓ જેવી કે ન્યુમોનિયા તથા મગજના તાવ સામે સુરક્ષા પ્રદાન કરવામાં આ રસી મદદરૂપ સાબીત થશે. ન્યુમોકોકલ બીમારીના કારણે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે અને તેમનું મૃત્યુ પણ થઇ શકે છે તેમજ પરિવાર પર ભારે આર્થિક ભારણ આવી શકે છે.
બે થી અઢી હજારમાં મળતી PCV રસી આરોગ્ય કેન્દ્રોમાં મફતમાં મળશે
કલેકટરે આ રસી મુકાવવી જરૂરી કેમ તે અંગે માહિતી આપતા જણાવ્યુ કે ન્યુમોનિયા ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુનું એક મુખ્ય કારણ છે અને ન્યુમોકોકસ બેકટેરિયાએ ન્યુમોનિયાનું મુખ્ય કારણ છે. PCV વેકસીન ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમા ન્યુમોનિયાના મુખ્ય કારણ ન્યુમોકોકલ ન્યુમોનિયા સામે સુરક્ષા પ્રદાન કરવામાં અસરકારક માધ્યમ છે. ખાનગી ક્ષેત્રે ૨ થી ૨.૫ હજારમાં મળતી આ PCV રસી દેશભરમા નિયમિત રસીકરણ અંતર્ગત સરકાર દ્વારા વિનામુલ્યે આપવામાં આવશે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી, આરોગ્ય વિભાગના ડોક્ટરો અને કર્મિઓ તેમજ લાભાર્થી બાળકો અને તેમના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે PCV રસીનો ડોઝ તાલુકાવાર સંખ્યા હિંમતનગર- ૯૫, ઈડર-૭૭, વડાલી-૫૦, ખેડબ્રહ્મા-૭૦, પોશીના-૯૦, વિજયનગર-૪૦, તલોદ-૪૪, પ્રાંતિજ-૪૫ આમ કુલ ૫૧૧ બાળકોને રસી આપવામાં આવી હતી.