મેં ધારક કો રૂપયે અદા કરને કા વચન દેતા હું

સુદ્રઢ અને મજબૂત અર્થવ્યવસ્થા માટે એક મોટા વિનિમયના માધ્યમ તરીકે કામ કરતી બેંકોએ પારદર્શક રીતે કામ કરવું જરૂરી

ચાલુ, બચત અને એફડી ખાતા પરના યોગ્ય સ્તરના વ્યાજદર જાળવી ગ્રાહકોને તેમના રોકાણ સુરક્ષીત હોવાનો ભરોસો અપાવવો માત્ર બેંક માટે નહીં સંપૂર્ણ અર્થવ્યવસ્થા માટે આવશ્યક

આજનો યુગ ભલે ડિજિટલ અને આધુનિકતાથી ભરેલો યુગ ગણાય, ભલે મસમોટી સેવાઓ આંગળીના ટેરવે મળતી થઈ પણ જેમ પ્રત્યક્ષ બેન્કિંગ વ્યવસ્થા છે તેના જેવુ થાય ખરા..?? નહીં, કારણકે ડિજિટલાઈઝેશન, ઓનલાઈન પેમેન્ટ જેવી બાબતો આવતા જ પ્રથમ પ્રશ્ન લોકોને વિશ્વાસ અને પારદર્શકતાનો થાય છે. આમ, હાલ જેમ બેન્કિંગ વ્યવસ્થામાં લોકોને ભરોસો છે. તેમ ડીજીટલાઇઝેશન વ્યવસ્થા પર ભરોસો આવતા હજુ ઘણી વાર લાગશે..!! જો કે હાલના કોરોનાકાળના સમયે લોકોએ જાણે બેંકો તરફ પણ નકારાત્મક અભિગમ દાખવ્યો હોય તેમ લાગી રહ્યું છે. જે પર સરકાર તેમજ ભારતની મુખ્ય અને મધ્યસ્થ બેંક ગણાતી એવી રિઝર્વ બેંકે ધ્યાન દેવું અતિ આવશ્યક બન્યું છે..!!

બેંકો એક વિનિમયના માધ્યમ તરીકે કામ કરે છે. જે લોકો પાસેથી પૈસા લઈ જે લોકોને જરૂર છે એવા લોકોને લોન અથવા અન્ય ધિરાણ સ્વરૂપે પહોંચાડે છે. એક મોટા વિનિમયના માધ્યમ તરીકે કામ કરતી આ બેંકોમાં પારદર્શકતા ખૂબ જરૂરી છે. ગ્રાહકોનો વિશ્વાસ કેળવાય એ માટે પારદર્શકતાની સાથે સાથે ગ્રાહકોને યોગ્ય સ્તરે ચાલુ ખાતું, બચત ખાતું અથવા બાંધી મુદતના ખાતા પર તેમની થાપણો પર તેમને યોગ્ય વળતર મળી રહે તે પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે.

દરેક રૂપિયાની નોટ પર લખેલું હોય છે… મેં ધારક કો રૂપિયા અદા કરને કા વચન દેતા હું… આનો મતલબ એ કે જે તે નોટના મૂલ્ય સુધી તમે ખરીદશક્તિનો ઉપયોગ કરી શકો છો. અને આ માટે રિઝર્વ બેન્ક તમને વચન આપે છે. બેંકો પણ પ્રત્યક્ષ કે પરોક્ષપણે ગ્રાહકોને તેમની થાપણો તેમની જરૂરિયાતના સમયે વાપરવા દેવાનું વચન આપતી જ હોય છે. હાલ કોરોનાકાળમાં બાંધી મુદતની થાપણ પરનો વ્યાજ દર મહદંશે કેટલીક બેન્કો દ્વારા ઘટાડવામાં આવતા ગ્રાહકોમાં નારાજગી પણ પ્રવર્તી છે. જેને દૂર કરવી સરકાર તેમજ બેંકોની પ્રાથમિક જવાબદારી છે. કારણ કે જો ગ્રાહક દુર્લક્ષ સેવસે તો બેન્કિંગ વ્યવસ્થાના હિસ્સામાંથી ધીમે ધીમે બાકાત થશે. અને જો આવુ સતત ચાલતું રહે તો બેંકોએ “શટર” પાડવાનો વારો આવે..!! આમ, બેંકોમાં, બેન્કિંગ વ્યવસ્થામાં ગ્રાહકોનો વિશ્વાસ જળવાઇ રહે તે ખુબ જરૂરી છે. બેંકો નાણાકીય લેવડ દેવડની સાથે ગ્રાહકોની જરૂરિયાત સંતોષી અર્થતંત્રના ગ્રોથ અને સતત વિકાસ માટે પણ મહત્વનો ભાગ ભજવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.