દેશના સાર્વભૌમત્વ, અખંડિતતા અને હિત વિરૂધ્ધના આચરણો પર રોક લગાવવા રાજદ્રોહના કાયદાની જરૂર પરંતુ તેનો દુરૂપયોગ થતો પણ અટકાવવો અનિવાર્ય!!

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શોરીએ રાજદ્રોહના કાયદાને સુપ્રીમમાં પડકારતા IPC ધારા 124(A) રદ તો નહીં થાય પણ તેમાં સુધારાની પ્રબળ સંભાવના

કોઈ પણ દેશ અને તેના સંચાલન માટે નિર્ધારિત આધાર સ્તંભો હોય છે. અને આ આધાર સ્તંભ એટલે કે દેશનું બંધારણ. ભારતીય બંધારણ મુખ્યત્વે દેશની અખંડીતતા, સાર્વભૌમત્વ અને દેશવાસીઓના હિતોનું રક્ષણ કરતો એક સર્વોપરી કાયદો છે. જેની વિરુદ્ધ ખુદ સરકાર કે સુપ્રીમ કોર્ટ પણ જઈ શકે નહીં. અને જો કોઈ આ બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ જાય તો તેને દેશદ્રોહી ગણવામાં આવે છે. બંધારણનું પાલન ના કરવું મતલબ કે દેશના હિતો, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ જઈ કોઈ લેખિત, મૌખિક આચરણ કે કાર્ય કરવું. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો રાજધર્મ નિભાવવામાં ઉણું ઉતરવું.

કોઈ પણ દેશની સરકાર કે સામાન્ય વ્યક્તિથી માંડી કોઈ ઉચ્ચ હોદાનો વ્યક્તિ દેશના હિત, રક્ષણ અને મોભા વિરુદ્ધ કોઈ કાર્ય કરી શકે નહીં. ખુદ સંસદ કે સુપ્રીમ પણ બાંધછોડ કરી શકે નહીં. કારણ કે દેશની સાર્વભૌમત્વ, અખંડિતતા અને હિતથી ઉપર કોઈ ચીજ નથી. જે કોઈ વ્યક્તિ પર આ દેશદ્રોહનો ગુનો લાગુ પડે છે તેના માટે ભારતીય દંડ સહિતામાં ધારા 124(A) હેઠળ આકરી સજાની જોગવાઈ છે.

પરંતુ હાલ આ દેશદ્રોહના કાયદાને સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર પડકારવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ સોરીએ સુપ્રીમમાં “ઘા” કરી જણાવ્યું છે કે વર્ષો જુના દેશદ્રોહના આ કાયદાથી બંધારણીય હક્કોનું હનન થઈ રહ્યું છે. લોકોની વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિ છીનવાઈ રહી છે.

નોંધનીય છે કે રાજદ્રોહનો આ કાયદો અંગ્રેજો દ્વારા વર્ષ 1891માં લાગુ કરાયો હતો. ભારતીય બંધારણ અને ભારતીય દંડ સહિતામાં ઘણી બધી જોગવાઈઓ બ્રિટિશ લો અંતર્ગત લેવામાં આવી છે. અને એમાની એક એટલે આ રાજદ્રોહની જોગવાઈ. આ કાયદાને રદ કરવા માટે અગાઉ પણ અનેકવાર સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ ચૂકી છે. પરંતુ શું 75 વર્ષ જુના આ કાયદાને રદ કરી શકાય ? આમ કરવું સંસદ માટે પણ કપરું છે.

કારણકે દેશના હિત, રક્ષણ સાર્વભૌમત્વ અને અખંડિતતાથી ઉપર કોઈ ચીજ નથી તો પછી દેશની પ્રતિષ્ઠા, મોભાને હાનિ પહોંચાડનારાઓને સાંખી કઈ રીતે લેવાય..?  જો કે વર્તમાન સમય અનુસાર હવે સુધારણાની જરૂરિયાત હોય, સુપ્રીમ કોર્ટ દ્વારા હવે અર્થઘટન કરી આઈપીસી-124(એ)માં સુધારા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

રાજદ્રોહનો મુદ્દો ત્યારે જ ઉછળે અથવા ત્યારે જ રાજદ્રોહી તરીકે ગણના થાય જ્યારે કોઈ વ્યક્તિ કે મોભી રાજધર્મ નિભાવવામાં ચૂક કરે. રાજધર્મ મતલબ દેશ પ્રત્યેની પોતાની ફરજ, કર્તવ્ય અને નિષ્ઠા. ભારતીય બંધારણમાં ઉલ્લેખિત હોદ્દાઓ પર જ્યારે કોઈ વ્યક્તિ પદ ધારણ કરે તે પહેલાં શપથ તે લે છે અંને આ શપથમાં પણ રાજધર્મનો ઉલ્લેખ હોય છે. ઈશ્વરના સોગંદ ખાઈ રાજધર્મ નિભાવવાનું વચન આપવામાં આવે છે.

આ વસ્તુ માત્ર બંધારણીય અથવા અન્ય ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન કોઈ વ્યક્તિને જ નહીં પરંતુ અન્ય સામાન્ય લોકોને પણ લાગુ પડે છે.  બૉમ્બ બ્લાસ્ટ કરવો, આંતકી પ્રવૃત્તિ કરવી, કે દેશના શત્રુ સાથે સંબંધ રાખવો વગેરે પણ રાજદ્રોહ જ ગણાય છે.

રાજદ્રોહ છે શું? ક્યારે લાગે IPC 124(A)??

રાજદ્રોહની વ્યાખ્યા ભારતીય દંડ સંહિતાની કલમ 124-અમાં કરવામાં આવી છે. આ મુજબ જો કોઈ વ્યક્તિ દેશના સાર્વભૌમત્વ, અખંડિતતા કે હિત રક્ષણ વિરોધી આચરણ કરે અથવા લખે અથવા બોલે અથવા આવી સામગ્રીને ટેકો આપે છે. તો તે રાજદ્રોહ ગણાય છે. રાજદ્રોહ અથવા દેશદ્રોહ  એ બિનજામીનપાત્ર ગુનો છે. જો આ કેસમાં દોષી સાબિત થાય તો આરોપીને ત્રણ વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે. આ સિવાય તેમાં દંડની જોગવાઈ પણ છે.

રાજધર્મ નિભાવવામાં ચૂક મતલબ રાજદ્રોહ

રાજધર્મ એટલે દેશ પ્રત્યેની ફરજ, કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન. જો આ ફરજોમાં ચૂક એટલે રાજધર્મ નિભાવવામાં ચૂક. અને રાજધર્મ નિભાવવામાં ઉણું ઉતરવું એટલે રાજદ્રોહી કે દેશદ્રોહી બની જવું. કોઈ પણ સરકાર કે બંધારણીય હોદ્દો ધરાવનાર કે અન્ય કોઈ સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ રાજધર્મ નિભાવવા બંધાયેલો છે. કોઈપણ વ્યક્તિ, સંગઠન કે સંસ્થા કે સરકાર દેશની અખંડીતતા, સાર્વભૌમત્વ અને હિતો વિરુદ્ધ જઈ કોઈ કાર્ય કે આચરણ કરી શકે નહીં. રાજધર્મ જ સર્વોપરી છે એમ મહાન અર્થશાસ્ત્રી ચાણક્યનું પણ કહેવું છે. તેમણે રાજધર્મના પાઠ ચંદ્રગુપ્ત-2ને ભણાવેલા.

રાજદ્રોહ અને દેશદ્રોહમાં શું ફર્ક??

બંધારણીય નિયમો હેઠળ રાજદ્રોહ-દેશદ્રોહ કેસમાં સમાન કાયદા જ લાગુ પડે છે. આવા તમામ કેસ કલમ 124-એ હેઠળ નોંધાય છે. સામાન્ય અર્થમાં, રાજદ્રોહ, કાયદા દ્વારા સ્થાપિત સરકાર, નીતિ અને વહીવટી અધિકારીઓ સામે અસંતોષની લાગણી વ્યક્ત કરેલી હોય. ટૂંકમાં સરકાર વિરુદ્ધ ગેરકાયદે ટિપ્પણી કરેલી હોય જ્યારે દેશદ્રોહ રાષ્ટ્ર પ્રત્યેનો અનાદર છે, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સામે કરવામાં આવેલ કાર્ય અને રાષ્ટ્રીય સંસ્કૃતિ અને વારસોનું ઉલ્લંઘન છે. તેથી રાજદ્રોહ એ શાસન સામેનું ગેરકાયદે વર્તન છે, જ્યારે દેશદ્રોહ રાષ્ટ્રની વિરુદ્ધ છે.

સ્વાતંત્ર્ય સેનાનીઓના અવાજને દબાવવા અંગ્રેજોએ 1891માં લાદ્યો હતો કાયદો

પ્રથમ વખત રાજદ્રોહનો કેસ જોગેન્દ્ર ચંદ્ર બોસ પર થયો હતો

આ કાયદો બ્રિટિશ યુગનો છે. તે 1870માં રજૂ કરવામાં આવ્યું હતો. બ્રિટનમાં આ કાયદાની વ્યાપક ટીકા થઈ હતી. ત્યારબાદ તે ભારતમાં લાગુ થઈ હતો. જો કે, ભારે વિરોધને કારણે 1977માં બ્રિટનના લો કમિશન દ્વારા એક એક્ટિંગ પેપર પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જેમાં એક્ટને રદ કરવા સૂચવવામાં આવ્યું હતું. યુ.એસ. અને યુ.કે. બંનેમાં, આ કાયદો નાબૂદ કરવા પાછળનો મુખ્ય તર્ક અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સંરક્ષણ છે. ભારતમાં પ્રથમ વખત આ કાયદાનો ઉપયોગ વર્ષ 1891માં કરવામાં આવ્યો હતો.

એક અખબારના સંપાદક જોગેન્દ્રચંદ્ર બોઝ વિરુદ્ધ પ્રથમ વખત અંગ્રેજો દ્વારા રાજદ્રોહનો કેસ  કરવામાં આવ્યો હતો. તેમના પર બ્રિટિશ સરકાર વિરુદ્ધ લેખો લખવાનો આરોપ હતો. આ ઉપરાંત કાયદા હેઠળ, વર્ષ 1922માં, મહાત્મા ગાંધી પર યંગ ઇન્ડિયામાં તેમના લેખો હોવાને કારણે રાજદ્રોહનો કેસ દાખલ કરાયો હતો. આ કેસ દાખલ થયા પછી તેમણે કહ્યું કે, “હું જાણું છું કે આ કાયદા હેઠળ ઘણા લોકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ હું આને અપમાન નહીં પણ હું તેને મારા માટે સન્માન તરીકે જોઉં છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.