કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે તે જાતિવાદનું રાજકારણ ખેલે છે: મુખ્યમંત્રી રૂપાણીના કોંગ્રેસ પર પ્રહારો
જ્ઞાતિવાદને પોષતી કોંગ્રેસ શા માટે વડાપ્રધાન મોદીથી ડરે છે તેવો સવાલ મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં આપેલો ટેકો રાજકીય નહીં પણ ‘ડીલ’ના ભાગરૂપે હોવાનો આક્ષેપ પણ મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો છે. હાર્દિક પટેલને મીડિયાએ બનાવેલો નેતા તેમણે ગણાવ્યો છે.
મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને શાબ્દીક પ્રહારોમાં ‘ગપ્પીદાસ’ ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, હું સમજુ છું તે મુજબ કહી શકુ કે, બન્નેના ગઠબંધનથી ભાજપને કોઈ ફેર પડશે નહીં. પાટીદારોને કેવી રીતે અનામત અપાશે તે અંગે કોંગ્રેસ કોઈ ફોડ પાડી રહ્યું નથી. ત્યાં હાર્દિક કોંગ્રેસને ટેકો જાહેર કરી રહ્યો છે. જે બન્ને વચ્ચેની સોદાબાજીનું પ્રમાણ આપે છે. દેશમાં અનામત માટે ઘણા આંદોલનો થયા છે. ૮૦ના દસકામાં થયેલા આંદોલનો સમયે ૧૦૦ યુવાનો મૃત્યુ પામ્યા હતા. તે સમયે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. સુપ્રિમ કોર્ટની ખંડપીઠે ૫૦ ટકાથી વધુ અનામત શકય ન હોવાનું કહી દીધું છે. મેં તેમને ખુલ્લી ચેલેન્જ આપી છે કે, દેશના ટોચના વકીલોનો અભિપ્રાય લે. કપિલ સિબ્બલ સીવાય કોઈ વકીલ કોંગ્રેસની ફોર્મ્યુલાનું સમર્થન કરશે નહીં. કોંગ્રેસે આપેલી ફોર્મ્યુલા લોકો વચ્ચે વિભાજન કરવાનું કારણ બનશે.
તેમણે ઉમેર્યું હતું કે, વિરોધ પક્ષ પાસે કોઈ એજન્ડા નથી. જયારે ભાજપ પાસે વિકાસની વાત છે. કોઈ સાચા ઈસ્યુની જગ્યાએ વિરોધ પક્ષ જ્ઞાતિ આધારિત રાજકારણ રમી રહ્યો છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી જેવા આગેવાનોના માધ્યમથી કોંગ્રેસે જાતિવાદી રાજકારણ ખેલવાનું શ‚ કર્યું છે. તેઓ સત્તાભૂખ માટે જાતિવાદનો ઉપયોગ કરી રહ્યાં છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે સમાજ માટે કંઈ કર્યું નથી. તેઓ મીડિયાએ ઉભા કરેલા નેતાઓ છે, તેઓ ઉઘાડા પડયા છે. આ નેતાઓ કોંગ્રેસના એજન્ટ તરીકે કામ કરી રહ્યાં છે.
હાર્દિક પટેલ સાથેની મીલીભગતથી ભાજપને કોઇ ફર્ક નહી પડે:મુખ્યમંત્રી
કોંગ્રેસ અને હાર્દિક પટેલ વચ્ચેની મિલીભગતથી ભાજપને કોઈ ફર્ક નહીં પડે તેવું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે. કોંગ્રેસનું જ્ઞાતિવાદી રાજકારણ ભાજપ માટે ખતરો ન હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યું છે. જ્ઞાતિવાદી ષડયંત્રનો ઘટસ્ફોટ થઈ ગયો હોવાનું માનવામાં આવે છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અનામતનો મુદ્દો એક તરફ રહી ગયો અને કોંગ્રેસની ટિકિટ માટે આંદોલનની દિશા ફંટાઈ ગઈ છે. કોંગ્રેસ અને હાર્દિક પટેલ વચ્ચે થયેલી સોદાબાજીથી ભાજપને ચૂંટણીમાં કોઈ ફર્ક નહીં પડે તેવું મુખ્યમંત્રીએ કહ્યું હતું.