રાજયની 27 વિધાનસભા બેઠકો આદિવાસી અનામત, વર્ષોથી મોટાભાગની બેઠકો ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ: હવે ભાજપ આ બેઠકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને લોકસભામાં પણ ચિત્ર બદલવા માંગે છે
રાજ્યમાં આદિવાસી વોટબેંક ખૂબ મોટી હોય, કોંગ્રેસ પણ તેના સહારે જ રાજ્યમાં ટકી રહ્યું હોય હવે આ બેઠકો ઉપર ભાજપ વધારે ધ્યાન કેન્દ્રિત કરીને વિધાનસભાની સાથોસાથ લોકસભાનું પણ ચિત્ર બદલવા માંગે છે.
ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની સાથોસાથ હવે ભાજપ પણ આદિવાસી વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.અધૂરામાં પૂરું હવે આપ પણ અહી એડિચોટીનું જોર લગાવી રહ્યું છે. ગુજરાતની ચૂંટણીને તો હજુ વાર હતી ત્યાં જ રાજકીય પક્ષોએ સૌથી પહેલાં આદિવાસીઓ પર ફોકસ કર્યું. 20 એપ્રિલ-2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા કરી. એના દસ દિવસ પછી 1 મે, 2022ના દિવસે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ભરૂચના ચંદેરિયામાં સભા કરી જ્યાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના વડા છોટુ વસાવા સાથે ગઠબંધન કર્યું. એ જુદી વાત છે કે આ ગઠબંધનનું બાળમરણ થઈ ગયું. આ સભાના દસ દિવસ પછી 11મી મે-2022એ કોંગ્રેસની સભા થઈ. રાહુલ ગાંધી દાહોદ પહોંચ્યા અને આદિવાસી સત્યાગ્રહ રેલીની શરૂઆત કરાવી. ત્રણેય પક્ષના રાષ્ટ્રીય દિગ્ગજો એ વખતે જ ચૂંટણીનો શંખનાદ કરી ચૂક્યા હતા. ગુજરાતમાં આદિવાસી ધારાસભ્યો માટે 27 સીટ અનામત છે. આદિવાસીઓ વોટર્સની સંખ્યા બહુ વિશાળ છે. આદિવાસીઓ પહેલેથી કોંગ્રેસ કમિટેડ વોટર્સ રહ્યા છે. એટલે હવે ભાજપ આ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ જમાવવા સતત પ્રયત્નો કરી રહ્યું છે. જો આ વિસ્તારોમાં ભાજપ પગદંડો જમાવી લ્યે છે તો કોંગ્રેસના અસ્તિત્વ ઉપર પણ જોખમ આવી શકે છે.
ગત ચૂંટણીમાં આદિવાસી બેઠકોમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી અનામત 27 બેઠકોમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું છે. ભાજપને ત્યારે 9 જ બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસને 15 બેઠક, જેડીયુંને અને અપક્ષને એક-એક બેઠક મળી હતી. આ પહેલા વર્ષ 2012માં ભાજપને 10 બેઠક, કોંગ્રેસને 15 બેઠક અને જેડીયુંને 2 બેઠક મળી હતી.
ગુજરાતમાં 80 લાખથી વધુ જ્યારે દેશમાં 10 કરોડ જેટલા આદિવાસી મતદારો
દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના બેલ્ટમાં આદિવાસીઓની ખૂબ મોટી વસતિ છે. લગભગ એક કરોડ જેટલી. આ વસતિમાંથી 82થી 84 લાખ જેટલા મતદારો છે. આ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં અંદાજે 10 કરોડ જેટલા આદિવાસી મતદારો છે. જે લોકસભામાં પણ નિર્ણયક ભૂમિકા ભજવે છે.
છ રાજ્યોની 189 આદિવાસી વિધાનસભા બેઠકમાંથી 49 ઉપર જ ભાજપ જીત્યું
ભારતના છ રાજ્યોમાં આદિવાસીઓની વસ્તી વધુ છે. જેમાં છતીસગઢમાં 30 ટકા, ઝારખંડમાં 26 ટકા, ઓડિશામાં 21 ટકા, મધ્યપ્રદેશમાં 22 ટકા, ગુજરાતમાં 15 ટકા અને રાજસ્થાનમાં 15 ટકા વસ્તી છે. આ રાજ્યોમાં કુલ 189 બેઠકો આદિવાસી અનામત છે. જેમાંથી ભાજપ માત્ર 49 બેઠક જ જીતી શક્યું છે.