એક સમયે ધમધમતું શિપ બ્રેકિંગ યાર્ડ આજે મંદીના ભરડામાં, સરકારની પોલિસીમાં ફેરફાર કરી ઉદ્યોગો ઉપરનું ભારણ ઘટાડવું જરૂરી
બ્રેકિંગ ઉદ્યોગને હવે સરકાર તરફથી તાત્કાલિક મદદની જરૂર, વ્હીકલ સ્ક્રેપયાર્ડથી પણ શિપ બ્રેકિંગ ઉદ્યોગને ટેકો મળે તેવી આશા
વિશ્વના સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડ ગણાતા અલંગમાં શિપબ્રેકિંગનો ઉદ્યોગ મરણપથારીએ છે અને ધીમે ધીમે ખતમ થવા જઈ રહ્યો છે. અલંગ-સોસિયામાં શિપ બ્રેકિંગની કેપેસિટી ડબલ થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે, પરંતુ અહીં બ્રેકિંગ માટે આવતા શિપની સંખ્યા એક દાયકાના તળિયે પહોંચી ગઈ છે. શિપ રિસાઈક્લિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમાણે અલંગમાં 2013થી 2014 દરમિયાન 298 શિપને તોડવામાં આવ્યા હતા. 2020-21માં આ સંખ્યા ઘટીને 187 થઈ ગઈ હતી. ચાલુ વર્ષમાં અલંગના ક્લસ્ટમાં માત્ર 107 જહાજ કાટમાળમાં રૂપાંતરિત થવા માટે આવ્યા છે.
શિપ બ્રેકિંગની ડિમાન્ડમાં ભારે ઘટાડો થયો છે અને સરકારની પોલિસી પણ ફાયદાકારક નથી. તેના કારણે શિપ રિસાઈક્લર્સ માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. એસઆરઆઈએઆઈના સેક્રેટરી હરેશ પરમાર કહે છે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ પ્લોટ પર શિપ આવ્યા ન હોય તો પણ જંગી ચાર્જ વસુલે છે. હાલમાં જીએમબી દર ચોરસ મીટર દીઠ 700 રૂપિયાનો ચાર્જ વસુલ કરે છે. ત્રણ વર્ષની અંદર આ ચાર્જ બમણો થઈ ગયો છે.
શિપ બ્રેકિંગના બિઝનેસમાં ફિક્સ્ડ કોસ્ટ ઉંચો હોવાના કારણે બિઝનેસ ટકાવવો મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને જ્યારે શિપની સંખ્યા ઘટી રહી છે ત્યારે સમસ્યા વધી ગઈ છે. શિપબ્રેકિંગ ઉદ્યોગને હવે સરકાર તરફથી તાત્કાલિક મદદની જરૂર છે. ભાવનગરમાં હવે વ્હીકલ સ્ક્રેપયાર્ડ બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે જેના કારણે શિપ બ્રેકિંગ ઉદ્યોગને ટેકો મળી શકે છે.
ભાવનગરની નજીક મઢિયા જીઆઈડીસી ખાતે વાહનોનું સ્ક્રેપયાર્ડ બનાવવા માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે લગભગ છ કંપનીઓએ ભાવનગર ખાતે વ્હીકલ રિસાઈક્લિંગ યુનિટ સ્થાપવા માટે રસ દેખાડ્યો છે. તેમાંથી ત્રણ કંપની તો ભાવનગરની જ છે. કેન્દ્ર સરકારે વ્હીકલ રિસાઈક્લિંગ પોલિસીની જાહેરાત કરી ત્યાર પછી ઓગસ્ટ 2021માં જ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા
શિપ રિસાઈક્લિંગ બિઝનેસ માટે વ્હીકલ સ્ક્રેપિંગ એ સહજ કામગીરી છે. ભાવનગર સ્થિત ઉદ્યોગો સ્ટીલ, પ્લાસ્ટિક અને રબર બાય પ્રોડક્ટ્સની સાથે કામ પાર પાડવા માટે સારી રીતે સજ્જ છે. તેઓ જોખમી કચરાને પણ સારી રીતે હેન્ડલ કરી શકે છે. આ પ્રક્રિયામાં સ્ટીલ અને પ્લાસ્ટિકના સ્વરૂપમાં સૌથી વધારે સ્ટીલ નીકળે છે. અમે શિહોર ખાતે સ્ટીલ સ્ક્રેપિંગની ફેસિલિટી સ્થાપી છે જે જોખમી કચરાને હેન્ડલ કરવા માટે સજ્જ છે.
એક્સપર્ટ કહે છે કે આ બિઝનેસમાં બહુ ઝડપથી વેગ આવશે કારણ કે આગામી 15 વર્ષમાં ઓછામાં ઓછા 20 લાખ હેવી કોમર્શિયલ વ્હીકલની ફરજિયાત ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. જે કોમર્શિયલ વાહનો ટેસ્ટમાં ફેઈલ થશે તેને સ્ક્રેપમાં મોકલી દેવામાં આવશે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ નવી ડેવલપ થયેલી જીઆઈડીસીમાં સ્પેશિયલ ક્લસ્ટરની માંગણી કરી છે
યુરોપિયન યુનિયનની માન્યતા મળે તો જ અલંગમાં નવા પ્રાણ ફૂંકાઈ
અલંગને ફરી ધમધમતું કરવા માટે એક વિકલ્પ હજુ પણ સરકાર પાસે છે. જો અલંગ યાર્ડને યુરોપિયન યુનિયનની માન્યતા મળે તો અહીંના ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકાઈ જાય તેમ છે. આ અંગે શ્રી રામ શિપ બ્રેકીંગના ચેતનભાઈ પટેલે જણાવ્યું છે કે યુરોપિયન દેશો વિશ્વના 35 ટકા જેટલા શિપ ધરાવે છે. અલંગનું શિપ બ્રેકીંગ યાર્ડ જો યુરોપિયન યુનિયન એપૃવડ બની જાય તો અહીં મોટા પ્રમાણમાં શિપ બ્રેકીંગ માટે આવી શકે છે. આ માટે એસોસિએશન તરફથી જરૂરી કાર્યવાહી કરી દેવાય છે. પરંતુ આ માન્યતા મેળવવા માટે ઇમરજન્સી કેર સહિત અનેક વિધ સુવિધાઓ યાર્ડમાં શરૂ કરવી પડે તેમ છે. જો સરકાર આ અંગે કાર્યવાહી કરે તો યુરોપિયન યુનિયનની માન્યતા મળવાનો રસ્તો ખુલ્લો થઈ જાય.
શિપબિલ્ડીંગ ઉદ્યોગ પણ સંકટમાં, ત્રણ મુખ્ય મેન્યુફેક્ચર્સ તો શટ ડાઉન થઇ ગયા
ભારતની શિપ બનાવવાની કોસ્ટ ચીન કરતા 15થી 20 ટકા ઊંચી, એક દાયકા પૂર્વે તેજી ધરાવતો આ ઉદ્યોગ પણ હાલ મરણપથારીએ
ગુજરાતનો શિપબિલ્ડિંગ ઉદ્યોગ, જે લગભગ એક દાયકા પહેલા ઉંચો નફો જોતો હતો, તે આ દિવસોમાં મુશ્કેલીમાં છે. રાજ્યના સાત શિપબિલ્ડિંગ યાર્ડમાંથી, ત્રણ મુખ્ય – દહેજ અને હજીરા ખાતેનું એબીજી શિપયાર્ડ અને પીપાવાવ ખાતેનું રિલાયન્સ નેવલ શિપયાર્ડ હાલ બંધ થઈ ગયા છે.
ભાવનગર સ્થિત મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ડિરેક્ટર મેહુલ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત પાસે શિપબિલ્ડીંગ માટે સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાઓ છે, પરંતુ છેલ્લા દાયકામાં ઉદ્યોગે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. અમારો જહાજ સમારકામનો વ્યવસાય હવે વધુ સારો છે, અને સમારકામની સુવિધા તેની ક્ષમતાના લગભગ 70% પર ચાલી રહી છે. ”
તેમણે કહ્યું કે ‘મેક ઈન ઈન્ડિયા’ ઝુંબેશએ શિપબિલ્ડિંગ ઉદ્યોગ માટે પછાત મૂલ્ય શૃંખલાઓ બનાવી છે. “ભારતમાં એક દાયકા પહેલા શિપ ગ્રેડ સ્ટીલનું ઉત્પાદન નહોતું પરંતુ હવે દેશમાં તેની ઉત્પાદન સુવિધાઓ છે.
વધુમાં એક સૂત્રે જણાવ્યું કે અમારા જહાજો હજુ પણ ચીન કરતાં લગભગ 15-20% મોંઘા છે પરંતુ વધતી માંગ અમને નજીકના ભવિષ્યમાં સ્પર્ધાત્મક બનાવશે,” તેમણે કહ્યું. “પૅનલ-લાઇન એસેમ્બલી અને ઉચ્ચ લિફ્ટિંગ ક્ષમતા સાથે ગોલિયાથ ક્રેન્સ સહિત શિપબિલ્ડિંગ માટે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં, પીપાવાવનું શિપબિલ્ડિંગ યાર્ડ ઉત્પાદનમાં સફળ થયું ન હતું. બીજી તરફ, એબીજી શિપયાર્ડની હજીરા અને દહેજ સુવિધાઓ મંદીના કારણે મુશ્કેલીમાં આવી હતી.