14 ફેબ્રુઆરી ને “વેલેન્ટાઈન ડે” નજીક આવતો જાય છે, તે પહેલાંનું અઠવાડિયું એટલે ’વેલેન્ટાઈન વીક’. આ અઠવાડિયું 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂક્યું છે. રોઝ ડે, પ્રપોઝ ડે આવા બધા દિવસો ઉજવવાની ઘેલછા પાછળ આપણું યુવા ધન આપણી સંસ્કૃતિને ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યું છે.
રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ તેમજ સંતો મહાત્માઓના આ દેશમાં ઈસાઈ ધર્મના પાદરી ’વેલેન્ટાઇન’, કે જે રોમ દેશમાં લગભગ 1750 વર્ષ પહેલા શહીદ થયા હતા, તેને યાદ કરીને અત્યારના આપણા જુવાનીયાઓ, જેનો ઈતિહાસ પણ જાણતા નથી તેનો દિવસ ઉજવી રહ્યા છે.
જ્યારે 3 વર્ષ પહેલા 14ફેબ્રુઆરી 2019 ના દિવસે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ભારતીય સુરક્ષા કર્મીઓને લઈ જતા સીઆરપીએફના વાહનોના કાફલા પર આતંકવાદીઓના આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આપણે શાંતિથી જીવી શકીએ તે માટે દેશના જવાનો રાત દિવસ જોયા વિના આપણી સુરક્ષા કરે છે.માં ભારતી કાજે પોતાનું જીવન હોમે છે, તેની શહાદત યાદ કરીને તે શહીદોને નમન કરવાના બદલે આપણે વેલેન્ટાઈન ડે ઉજવીએ તે શું યોગ્ય કહેવાય?
આ દિવસે કેટલીયે માતાઓએ પોતાના પુત્રોને અને કેટલીયે બહેનોએ પોતાના ભાઈઓને ખોયા છે, કેટલીયે પત્નીઓ વિધવા થઈ છે અને કેટલાય બાળકો અનાથ થયા છે. એક બાજુ રાષ્ટ્ર માટે મરી મિટવાની ભાવનાવાળા જવાનો ઘર પરિવાર છોડીને પોતાના જીવનનું બલિદાન આપે છે, અને બીજી બાજુ પ્રેમમાં પાગલ થનારા વેવલાઓ રોઝ ડે, પ્રપોઝ ડે અને વેલેન્ટાઈન ડે ઉજવે છે.
અરે, આજના યુવાનો તમને થયું છે શું? શ્રીરામ અને શ્રીકૃષ્ણના ભારતમાં ઇસાઈના પાદરીના દિવસો ઉજવાય? સંત સુરાની આ ભારત ભૂમિમાં પ્રેમ અને ભાઈચારો તો લોકોની નસનસમાં વહે છે. તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપથી બહુ મોટા પાયે જાનમાલ ની હાની થઈ છે, ત્યારે ભારત સરકાર કંઈ પણ વિચાર્યા વિના મદદે દોડી છે. આ એ જ તુર્કી છે, જે કાશ્મીર મામલે પાકિસ્તાન સાઈડ હતું, તેમ છતાં ભાઈચારા અને પ્રેમની આપણી સંસ્કૃતિ એ સરકાર ને મદદ કરવા પ્રેર્યા. પ્રેમ માટે કઈ રીતે કોઈ એક દિવસ વિશેષ હોય?
જીવ માત્ર પર પ્રેમ અને કરુણા ભગવાન મહાવીરે અપનાવ્યા, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી એ શબરીના એઠા બોર પ્રેમથી ખાધા, શ્રી કૃષ્ણએ વાંસળીના સૂર રેલાવીને ગોપીઓને પ્રેમ ઘેલી કરી, મહાદેવે આ સૃષ્ટિ ને બચાવવા ઝેર પીધા ને નીલકંઠ કહેવાયા. આવા આપણા ભારત દેશમાં મરઘા, માછલા ખાનાર ઈસાઈ ધર્મના પાદરીનો મરણ દિવસ કેમ ઉજવાય? શું આ આપણી સંસ્કૃતિ છે?
ઇતિહાસના પાના ઉથલાવી જુઓ યુવાનો ! સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ કે અન્ય મહાન વ્યક્તિઓએ ક્યારેય વેલેન્ટાઈન ડે ઉજવ્યા હતા ખરા? 140 કરોડની વસ્તીવાળા આપણા ભારત દેશમાં ઈસાઈ ધર્મના લોકો માત્ર બે ટકા એટલે કે 2.8 કરોડ છે. આજુબાજુમાં નજર નાખજો અને કોઈ ઈસાઈ મળે તો તેમને આપણા દેવ દેવીને ધરેલી પ્રસાદી આપજો, સ્વીકારે છે ખરા? એ અડશે પણ નહીં અને આપણે તેમના તહેવારો ઉજવવા પાછળ ઘેલા થઈ રહ્યા છીએ.
યુવાઓને શું કહેવું? અત્યારે 50 વર્ષની ઉંમરે પ્રોઢાવસ્થામાં પ્રવેશનારા પણ “વેલેન્ટાઈન વીક” ઉજવી રહ્યા છે. મોબાઇલમાં મિત્રો અને પરિવારોને રોઝ ડે અને પ્રપોઝ ડે ની ઈમેજ મોકલી રહ્યા છે. જરા વિચારો તમે જ્યારે નાના હતા ત્યારે આવા દિવસો ઉજવતા હતા? અત્યારના સમયમાં પારંપરિક અને ધાર્મિક દિવસો ઉજવવામાં આપણને શરમ આવે છે. મોર્ડન થવાની ઘેલછામાં માતા પિતા જો સંતાનો સાથે આ બધા દિવસોની ઉજવણી કરવા લાગશે તો તેમના બાળકોને કોણ રોકશે?
આ જમાનાના યુવાનો બહુ સ્પષ્ટ છે, તે દરેક તહેવાર કે પ્રસંગોને લગતા પ્રશ્નો પૂછે છે, પરંતુ તેના પ્રશ્નોના સંતોષકારક જવાબ ન મળવાથી તે આપણી પરંપરા કે ધર્મને છોડીને આવા દિવસો ઉજવવા દોડે છે. પરિણામે આપણી સંસ્કૃતિનું પતન થાય છે. આ પાછળ અત્યારના 50 વર્ષની આસપાસે પહોંચેલા પ્રોઢ માતા-પિતાઓનો જ વાંક છે. કારણકે તેમણે શાસ્ત્રોનું વાંચન ન કર્યું હોવાથી તેઓ તેમના યુવા બાળકોના પ્રશ્નો સુલજાવી શકતા નથી. આપણા વેદો અને ગ્રંથોમાં દરેક તહેવાર અને પર્વનું રહસ્ય લખેલું જ છે. આપણી સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા અને યુવાનોને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતું અટકાવવા માતા પિતાએ રાષ્ટ્રની ફરજ સમજીને, શાસ્ત્રોનાં વાંચન દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવું જોઇએ.
વાંચકો, હવેથી આપણે 14 ફેબ્રુઆરીના દિવસને સુફી સંત વેલેન્ટાઈન ની યાદ માં પ્રેમ કરીને નહીં, પરંતુ પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનો ની શહીદીને યાદ કરીને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાનો સંકલ્પ લેશું, તો જ ખરા અર્થમાં શહીદોને શ્રદ્ધાંજલિ મળી કહેવાશે.
જય હિન્દ , જય જવાન..