14 ફેબ્રુઆરી ને “વેલેન્ટાઈન ડે” અને તે પહેલા ’વેલેન્ટાઈન વીક’ની ઉજવણી 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ જાય છે. રોઝ ડે, પ્રપોઝ ડે આવા બધા દિવસો ઉજવવાની ઘેલછા પાછળ આપણું યુવા ધન આપણી સંસ્કૃતિને ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યું છે. આજથી ૨ વર્ષ પહેલા જયારે દેશ વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં વ્યસ્ત હતું ત્યારે પુલવામાં ૪૦થી વધુ જવાન શહીદ થઈ ગયા હતા.
જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાની કાલે ચોથી વરસી છે. 14 ફેબ્રુઆરી 2019 ના રોજ, લગભગ 2500 જવાનોને લઈને 78 બસોમાં સીઆરપીએફનો કાફલો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દિવસે પણ રોડ પર સામાન્ય ટ્રાફિક હતો. સીઆરપીએફનો કાફલો પુલવામા પહોંચ્યો હતો, જ્યારે રસ્તાની બીજી બાજુથી આવતી એક કારે સીઆરપીએફના કાફલા સાથે ચાલી રહેલા વાહનને ટક્કર મારી. સામેથી આવી રહેલી SUV જવાનોના કાફલા સાથે અથડાતાં જ તેમાં વિસ્ફોટ થયો હતો. આ ઘાતક હુમલામાં CRPFના 40 બહાદુર જવાનો શહીદ થયા હતા.
વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે થોડીવાર માટે બધું ધુમાડામાં ઉડી ગયું હતું. ધુમાડો સાફ થતાં જ ત્યાંનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે આખો દેશ તેને જોઈને રડી પડ્યો. તે દિવસે, પુલવામામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર સૈનિકોના મૃતદેહો અહીં-ત્યાં વિખરાયેલા પડ્યા હતા. ચારેબાજુ લોહી અને સૈનિકોના મૃતદેહોના ટુકડા દેખાતા હતા. સૈનિકો તેમના સાથીઓની શોધમાં વ્યસ્ત હતા. સેનાએ બચાવ કાર્ય શરૂ કર્યું અને ઘાયલ જવાનોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. આ દિવસે કેટલીયે માતાઓએ પોતાના પુત્રોને અને કેટલીયે બહેનોએ પોતાના ભાઈઓને ખોયા છે, કેટલીયે પત્નીઓ વિધવા થઈ છે અને કેટલાય બાળકો અનાથ થયા છે.
12 દિવસમાં જ ભારતે લીધો હતો બદલો
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે માત્ર 12 દિવસમાં જ તેનો બદલો લઈ લીધો હતો. 26 ફેબ્રુઆરી, 2019 ના રોજ, રાત્રે લગભગ ત્રણ વાગ્યે, ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકુ વિમાનોએ નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી અને બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં પાકિસ્તાન સમર્થિત 300 આતંકવાદીઓ માર્યા ગયા હતા. એરસ્ટ્રાઈકમાં આતંકીઓના અડ્ડા પર લગભગ 1000 કિલો બોમ્બનો વરસાદ કરવામાં આવ્યો હતો. પુલવામા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પાસેથી બદલો લેવાની યોજના બનાવવાની જવાબદારી NSA અજીત ડોભાલને આપી હતી. તેમના સિવાય તત્કાલીન એરફોર્સ ચીફ બીએસ ધનોઆએ પણ એર સ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.