નવી ધારી ગુંદાણી અને પરબ વાવડીના પાંચ શખ્સોએ મહિલા કર્મચારીના કપડા ફાડી નાખ્યાનો નોંધાતો ગુનો
ભેસાણ ટી.ડી.ઓ ઓફીસ ખાતે સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા મહિલા ઉપર 5 ઈસમોએ હુમલો કરી, વસ્ત્રો ફાડી નાખી, હાથાપાઇ કરી, ધક્કે ચડાવી, બંન્ને હાથમાં ઇજા કરી, મહિલાની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, મર્યાદા ભંગ કર્યોની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતાં ભેસાણ પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે, પોલીસે આ બાબતે કાયદેસરની કાયેવાહી હાથ ધરી છે.
ભેસાણ ટી.ડી.ઓ ઓફીસ ખાતે સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા દેવલતાબેન હીમતલાલ દવે (ઉ.વ.48) એ ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, નવી ધારી ગુંદાળી ગામે રહેતા ભાવેશભાઇ જાદવ, ભીખાભાઇ મેધાભાઇ રાઠોડ, ખંભાળીયા ગામના રોહીતભાઇ સોલંકી, અરજણભાઇ ઉર્ફે ભગાભાઇ લખમણભાઇ સોલંકી તથા પરબ વાવડી ગામના વીનોદભાઇ ઉર્ફે વીકી નાનજીભાઇ સાસીયા ભેસાણ તાલુકા પંચાયત કચેરી ખાતે આવી, દેવલતાબેન દવેને કહેલ કે, તે અરજીઓ કેમ ના મંજુર કરી, તેનો જવાબ આપો, અમારે વકીલ દ્વારા તને નોટીસ અપાવવી છે. અને તને ખબર નથી અમે ક્યા સમાજના છીએ, તારી ઉપર એટ્રોસીટી કરવી છે
અને તારી સામે ઘરણા ઉપર બેસી અને એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવી છે, તેવી ધમકી આપી અને એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો દઇ, એક સંપ કરી, દેવલતાબેન દવે ઉપર હુમલો કરી રોહીતભાઇ સોલંકી તથા વીનોદભાઇ ઉર્ફે વીકી સાસીયાએ દેવલતાબેનની ચુંદડી ખેચી ફાડી નાખી અને ભાવેશભાઇ જાદવે ડ્રેસની કુર્તી ખેચી ફાડી નાખી, ભીખાભાઇ રાઠોડ તથા અરજણભાઇ ઉર્ફે ભગાભાઇએ ધકા મારી, બધાએ ગેરકાયદે મંડળી રચી, દેવલતાબેન સાથે હાથાપાઇ કરી અને ધક્કે ચડાવી, બંન્ને હાથમાં ઇજા કરી, દેવલતાબેનની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, અને મર્યાદા ભંગ કરેલ હોવાની ફરિયાદ કરેલ છે. ભેસાણ પોલીસે ભેસાણ ટી. ડી.ઓ. ઓફિસમાં ફરજ બજાવતા સર્કલ ઓફીસર દેવલતાબેન હીમતલાલ દવેની ફરિયાદ લઇ, 5 ઇશમો સામે ગુન્હો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.