આપણે ટ્રમ્પભકિતમાં અને અમેરિકા-ભકિતમાં અતિરેક તો નથી કરતાને? એની પાછળ થનારા અઢળક ખર્ચ અને એની વાહવાહ કરવા પાછળ વેડફાતી ઉર્જા આખરે આપણા રાષ્ટ્રને લાભકર્તા બનશે કે ચૂંટણી લક્ષી અને રાજગાદીલક્ષી રાજકારણીઓ એમના રાજકીય લાભ અર્થે આવા અતિરેકનો ઉપયાગે કરશે? સવા અબજ જેટલા ભારતવાસીઓની સામે ઉપસતો સવાલ!
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણ કાંચીડાની જેમ રંગ બદલ્યા કરે છે અને વૈશ્ર્વિક આર્થિક પ્રવાહો ગોટે ચડયા છે. ત્યારે આપણા દેશની પ્રત્યેક વિદેશ નીતિ-વિષયક ચાલ વાસ્તવિકતા અને ભરોસા પાત્રતાના અનુભવોના ત્રાજવે તોળવામાં જ ડહાપણ !
આપણે ત્યાં બહૂજૂની એક કહેવત છે કે, ‘અતિને ગતિ નહિ’ ‘એકસેસ ઈઝ ઈન્જુરિયસ’
આપણે ત્યાં અકે બીજી કહેવત પણ છે: ‘ખુશામત ખુદા કો ભી પ્યારી હૈ’
આપણા દેશની વર્તમાન પરિસ્થિતિમાં એવી ટકોર કરીરહી છે કે ભ્રષ્ટાચારના અતિરેક વચ્ચે એક ભ્રષ્ટાચારનાં અજગરભરડા વચ્ચે આપણા પ્રમાણિકમાં પ્રમાણિક દેશવાસીઓએ તેમના કામ કરાવવા માટે પટાવાળાથી માંડીને છેક ઉચ્ચ પદાધિકારી સુધી ‘નિવેદ’ ધરાવવા પહે છે. કાંતો પ્રશંસાના ખોબે ખોબા વડે અથવાતો પૈસા (નાણા) ના ખોબા વડે જ કામ કરાવી શકાય છે. ‘તુષ્ટિકરણ’ની માત્રાએ હવે હદ વટાવી છે !
હમણા હમણા અખબારોમાં અને સમાચાર માધ્યમમાં અવનવાને સનસનીખેજ સમાચારો આવ્યા કરે છે. એમાં ટ્રમ્પની ભારતયાત્રા અંગે ઢગલાબંધ સમાચારો આવ્યા કર્યા છે.
આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો તેમના અમેરિકા પ્રવાસ વખતનો ‘શો’ક ભપકાદાર હતો. એમનું પ્રવચન પણ સારી પેઠે પ્રભાવક હતુ. અમેરિકન ભારતીયોમાં અને ભારતમાં પણ એણે જબરી રોમાંચકતા સર્જી હતી.
હવે ‘આવજો’ નામના પારસમણી સાથે ટ્રમ્પનો ભારત પ્રવાસ અભૂતપૂર્વ અને સુવર્ણભીનો બની રહે એવી તમામ નીતિ રીતિ અને કાર્યવાહીઓ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા થઈ છે.
એક બાજૂ શ્રી મોદી અને તેમની સરકાર ટ્રમ્પને તેમને અભૂતપૂર્વ આવકાર આપીને રાજીરાજી કરી દેવા માંગે છે, બીજી બાજુ ટ્રમ્પે ભારત નિરાશ થાય એવું નિવેદન કર્યું છે. ભારત વિકસિત દેશ છે. યુનાઈટેડ સ્ટ્રેટસ ટ્રેડ રિપ્રેજેટેટિવ્વ દ્વારા ભારતને વિકસીત દેશ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. આમ હવે અમેરિકા તરફથી વિકાસશીલ દેશોને મળતી રાહત ભારતને નહી મળે.
એક રીતે ભારત માટે આ બાબત પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી બની છે. ટ્રમ્પે આ રીતે ભારતને રાજી કરવાની યુકિત અજમાવી છે.
શ્રી નરેન્દ્ર મોદીએ અને ભારતે ટ્રમ્પ પાસેથી તેમના ભારત પ્રવાસના આધારે શું અપેક્ષા રાખી છે એતો હવે પછીનો સમય કહી શકે અને તે અપેક્ષા પૂરી થશે કે કેમ એ પણ હવે પછીની ઘટનાઓ જ કહી શકે !
તો પણ એવો પ્રશ્ર્ન જાગે જ છે કે આ બધામાં ટ્રમ્પ ભકિત અને અમેરિકા ભકિતમાં અતિરેક તો નથી થતો ને ? આવી ભકિતમાં આપણે અઢળક ખર્ચ પણ કરીએ છીએ અને એમની વાહવાહ કરવા મહત્વનો સમય પણ ખર્ચીએ છીએ. આ બંને વેડફાય નહિ અને આપણા દેશ માટે લાભકર્તા જ બને એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. જોકે અહી એવી આશંકા પણ રહે છે કે, આપણા રાજનેતાઓ, રાજકારણીઓ રાજકર્તાઓ પગથી માથા સુધી ચૂંટણીલક્ષી અને રાજગાદીલક્ષી રાજકારણ ખેલવામાં જ મશગુલ રહ્યા છે. અને એવી આદત પાડી ચૂકયા હોવાનું આપણે બધા જાણીએ છીએ.
વળી, અત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણ કાંચીડાની જેમ રંગ બદલ્યા કરે છે. અને વૈશ્ર્વિક આર્થિક પ્રવાહો મોટા ભાગે ગોટે ચડયા છે. ત્યારે આપણા દેશની પ્રત્યેક વિદેશ નીતિ-વિષયક ચાલ ચૂસ્ત વાસ્તવિકતાના અને હમણા સુધીનાં અનૂભવોનાં ત્રાજવે તોળાતી રહે એ ડહાપણ ભર્યું લેખાશે !
કોઈ પણ બાબતનો અતિરેક હાનિકર્તા ગણાયો છે, અને વિનાશકર્તા બનવાની લાલબત્તી ધરાવે છે. વ્યકિત લાગણીઓનો ઉભાર સફળતામાં સારી પેઠે અવરોધ રૂપ બન્યાના અસંખ્ય દાખલાઓ છે. ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’નો દાખલો એમાંનો એક છે !