ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરીને પ્રવર્તમાન કોરોના મહામારી પર નિયંત્રણ લેવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ હોય તેવો આક્ષેપ કર્યો હતો. અર્જુન મોઢવાડીયાએ આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વભરના નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર શરૂ થતા આરોગ્યની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી ખોટ પડશે, ઓક્સિજન સહિતના સંસાધનોની ખૂબ મોટી માત્રામાં જરૂરીયાત પડશે અને અછત પણ સર્જાશે પરંતુ વડાપ્રધાને હાલમાં જ એક દેશવ્યાપી સંબોધનમાં કહ્યું હતું કે, અમે વિશ્વભરના નિષ્ણાંતોને ખોટા પાડી દીધા છે પરંતુ જે રીતે દેશમાં કોરોનાની પરિસ્થિતિ દિન-પ્રતિદિન ખુબ જ નાજુક બની રહી છે ત્યારે વડાપ્રધાનનું આ વિધાન બિલકુલ ખોટું પડ્યું છે. દેશની ડ્રગ ક્ધટ્રોલ ઓથોરીટી, સ્ટેન્ડિંગ પાર્લામેન્ટ્રી કમિટી ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ હેલ્થ સહિતની સંસ્થાઓએ ચેતવણી આપી હતી કે, કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ જશે, દવાઓ-ઓક્સિજનની ભારે અછત વર્તાશે, દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા ન મળે તેવી પરિસ્થિતિ આવી બનશે, લોકોના મોત ખૂબ ઝડપે થશે અને વર્ષ 1920 પછીની સૌથી મોટી મહામારી કોરોનાની બીજી લહેર સાબિત થશે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારે આ તમામ ચેતવણીઓની અવગણના કરી જેનું પરિણામ આજે દેશની પ્રજા ભોગવી રહી છે.
ગુજરાતમાં રાજ્ય સરકારને તોડી પડવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને મોટા નેતાઓએ કર્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પોતાની ફેકટરી હોય તેમ 5 હજાર રેમડેસીવીર ઈંજેક્સન લઈ જાય, અહમદનગરના ભાજપના સાંસદ ડો. વિખે પાટીલ અમદાવાદથી 10 હજાર ઇન્જેક્શન લઈ જાય બીજી બાજુ લોકો એક-એક ઇન્જેક્શન માટે વલખા મારવા પડે અને હાઇકોર્ટ સવાલ કરે કે આ કંઈ રીતે લઇ ગયા તેની તપાસ કરો. આ ભાજપની સરકારે રાજ્યમાં હોસ્પિટલમાં તો જગ્યા નથી જ રહેવા દીધી સાથોસાથ સ્મશાનમાં પણ જગ્યાઓ રહેવા નથી દીધી તેવી પરિસ્થિતિનું નિર્માણ રાજ્યમાં થયું છે.
સૌરાષ્ટ્ર પરિસ્થિતિ તો વધુ ખરાબ છે. હોસ્પિટલોમાં ક્યાંય જગ્યા જ નથી. ગઈકાલે પોરબંદર ખાતે વહીવટીતંત્રએ એવું બોર્ડ લગાવી દીધું કે, નવા દર્દીઓને દાખલ કરવામાં આવશે નહીં ત્યારે સવાલ ઉદ્ભવે છે કે, જરૂર પડ્યે સેવાભાવી સંસ્થાઓનો સહયોગ લઈને વ્યવસ્થા કરો પણ વહીવટી તંત્ર નો એન્ટ્રીનું બોર્ડ કેમ લગાવી શકે ? આવું ફક્ત ભાજપ સરકાર જ કરી શકે છે.
અમે રાજ્ય સરકારને સૂચન કરીએ છીએ કે, સર્વ પક્ષીય બેઠક બોલાવવામાં આવે. જેમાં સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગ સાહસિકો, મહાજનો, રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં બેઠક બોલાવીને સૌના સાથ-સહકારથી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવે તેવું સુચન અમે રાજ્ય સરકારને સૂચન કરીએ છીએ. અહંકાર છોડીને સરકાર સૌનો સહયોગ લઈને કોરોનાને હરાવીએ.
ચૂંટણી યોજવાનો નિર્ણય બિલકુલ ખોટો: અર્જુન મોઢવાડીયા
પ્રશ્ન: ચૂંટણીમાં ટોળાશાહી થઈ ત્યારે કોરોના સંક્રમણ ન થયું પણ ચૂંટણીઓ જતાની સાથે જ કોરોના સંક્રમણ વધ્યું તો શું ચૂંટણીઓ સતત ચાલુ રાખવાની જરૂરિયાત હતી?
જવાબ: બિલકુલ સાચી વાત છે. ચુંટણીઓ જ્યારે નહોતી યોજવાની ત્યારે દબાણ કરીને ચૂંટણીઓ યોજવામાં આવી. ફક્ત રાજ્યમાં જ નહીં પરંતુ અનેક રાજયોમાં ચૂંટણી યોજવામાં આવી. આઇપીએલમાં 80 હજાર લોકોને એકત્રિત કરવામાં આવ્યા ત્યારે કોરોના ન થયો પણ હવે સંક્રમણ વધ્યું છે. ત્યારે શાસકોએ ખોટા સમયે ખોટો નિર્ણય લીધો અને લેવડાવ્યો તે બાબત સામે આવે છે.
અમે દેખાવમાં નહીં સહયોગમાં માનીએ છીએ!!
પ્રશ્ન:સંક્રમણની પરિસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનો લોકોની મદદ માટે બહાર કેમ ન આવ્યા?
જવાબ:કોરોના સંક્રમણની આ પરિસ્થિતિમાં ભાજપના આગેવાનો 3 ઓક્સિજનના બાટલા રાખીને 30 લોકો ફોટો પડાવે છે તેવી ઘટનાઓ આપણે સૌએ જોઈ છે. હાલની પરિસ્થિતિમાં અમારા આગેવાનો બનતી કોશિશ લરી રહ્યા છે લોકોની મદદ કરવાની. ઓક્સિજનની અછત વચ્ચે બહારગામથી ઓક્સિજન મંગાવીને લોકોને વિનામૂલ્યે આપી રહ્યા છે. અમારાથી બનતું અમે કરી રહ્યા છીએ પરંતુ અમે વિપક્ષ છીએ સરકાર નથી તેમ છતાં અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. હાલ અમે સરકારને પણ સૂચન કરી રહ્યા છીએ કે તમે બેઠક બોલાવો અને જવાબદારી સોંપો અમે પ્રજાના મદદ કરવા તત્પર છીએ. અમારા તમામ આગેવાનો તેમની રીતે મદદ કરવા પ્રયત્નો કરી જ રહ્યા છે.
પ્રશ્નના જવાબ દેવાનો નનૈયો ભણતા મોઢવાડીયા
પ્રશ્ન: રાજકારણીઓ પોતાને સમાજ સેવક ગણાવતા હોય છે તો હાલના સમયમાં સમાજ સેવકની ભૂમિકા શું? આગેવાનો આ ભૂમિકા ભજવે છે?
જવાબ: આ પત્રકાર પરિષદ છે, કોઈ ભાષણ નથી. અહીં આની વ્યાખ્યા ન આપવાની હોય કહીને સવાલનો જવાબ આપ્યો ન હતો. આ સિવાયના અનેક પ્રશ્નોના જવાબમાં મોઢવાડીયાએ ફક્ત ઉડાઉ જવાબ જ આપ્યા હતા.
સર્વપક્ષીય બેઠક બોલાવીને સૌનો સહયોગ લઈને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાનું સૂચન
પ્રશ્ન: આ સમયે રાજકીય પક્ષોએ સાથે મળીને પ્રજાની ખેવના કરવાની જરૂરિયાત નથી?
જવાબ: મેં તો કહ્યું ને, સર્વપક્ષીય બેઠક બોલાવીને રાજકીય-સામાજિકઆગેવાનો,ઉદ્યોગ સાહસિકો, મહાજનો, લોક પ્રતિનિધિઓ પાસે સહકાર માંગીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયત્ન કરવો જોઈએ.
એક પક્ષ પ્રચાર-પ્રસાર કરે તો બીજો પક્ષ ઘરે ન બેસે!!
પ્રશ્ન: ચૂંટણીમાં ભૂંગળા લઈને નીકળી પડેલા રાજકીય આગેવાનો છેલ્લા દોઢ મહિનાથી તડફી રહેલી પ્રજાની વ્હારે કેમ નથી આવતા ?
જવાબ: આ સવાલ તંત્રનો છે, કોઈ રાજકીય પક્ષનો નથી. એક પક્ષ પ્રચાર કરે તો બીજો પક્ષ ઘરે ન બેસે. એકબાજુ પ્રસંગમાં 50 લોકોની મર્યાદા અને બીજી બાજુ મેળવડાનું આયોજન એ તંત્રનો વાંક છે. ચૂંટણી પંચ પણ હાલ સ્ટેધાતી પક્ષ સામે લાચાર છે. ચૂંટણી પંચના અધિકારીઓ પર માનવ વદનો ગુન્હો લગાવવાની જે વાત છે તે બિલકુલ સાચી છે. ચુંટણીને કારણે લોકોના મેળાવડા થયા તેના કારણે સંક્રમણ ફેલાયું હશે. અમે વિપક્ષ તરીકે સરકાર અને તંત્રનું ધ્યાન દોરીએ છીએ.
સિવિલ હોસ્પિટલમાં સુવિધા વધારવા કોંગ્રેસ આગેવાનોની માંગ
સિવિલ હોસ્પિટલમાં વધતી જતી દર્દીઓની સંખ્યાની સામે સુવિધાઓ વધારવા માટે કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડો.આર.એસ. ત્રિવેદીને રજુઆત કરવામાં આવી છે. હોસ્પિટલમાં દર્દીઓને થતી મુશ્કેલીઓ તથા ઓક્સિજનના અભાવ સહિતના મુદ્દાઓ પર તબીબી અધિક્ષકને સૂચનો કર્યા હતા. આ સાથે સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં પણ સુવિધા વધારવા તાકીદ કરવામાં આવી છે. આ સાથે કોંગ્રેસ આગેવાનોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ વહેલી તકે કોવિડ કેર સારવાર શરૂ કરવા મંગ કરી છે. જરૂર પડે સ્ટાફમાં કોંગ્રેસના આગેવાનો પણ ફરજ બજાવવા તૈયાર હોવાનું પણ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.