- ઘોડા છૂટ્યા બાદ જ તબેલામાં તાળા લાગશે ?
- ગેમઝોનમાં દુર્ઘટના બાદ માત્ર ગેમઝોન અને મેળાઓમાં જ ચેકીંગ એટલે બીજે કોઈ દુર્ઘટના ભલે સર્જાઈ, બસ સ્થળની કેટેગરી રિપીટ ન થવી જોઈએ એવો જ ઉદ્દેશ?
ભૂલ નાની કે મોટી નથી હોતી, ભૂલ બસ ભૂલ જ હોઈ છે જેના પરિણામનું સ્વરૂપ ક્યારેય નિશ્ચિત હોતું નથી. એક તો તંત્ર દ્વારા આવી ભૂલોને અવગણવામાં આવે છે બાદમાં જ્યારે મોટું પરિણામ આવે છે ત્યારે પણ ભૂલ સુધારવામાં માત્ર દેખાડો જ કરવામાં આવે છે.
રાજકોટના ગેમઝોનમાં તેના માલિકો અને નફ્ટ તંત્રની લાપરવાહીને કારણે અનેક લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે. હજુ પણ કમનસીબી એ જ છે કે તંત્ર માત્ર દેખાડો જ કરી રહ્યું છે. તંત્ર દ્વારા ગેમઝોન અને મેળાઓમાં જ ચેકીંગ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં આ ચેકીંગનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. જો કે તંત્રને એટલી પણ બુદ્ધિ નથી કે દુર્ઘટના કોઈ પણ સ્વરૂપે સર્જાઈ શકે છે. ઓવરલોડ વાહનો, બાળકોને ઠાંસી ઠાંસીને ભરીને ચાલતા વાન, જર્જરિત બાંધકામો, સેફટી વગર ચાલતી ફેરી બોટ, રોડ ઉપરના ખાડા આ એવા ઘણા કારણો છે કે માનવસર્જિત દુર્ઘટના સર્જી શકે છે. આના ઉપર ત્વરિત એક્શન કેમ નહિ ?
હાલ તંત્રની કાર્યવાહી એવું જ દર્શાવે છે કે માત્ર દુર્ઘટનામાં સ્થળ અને પ્રકારનું રિપીટેશન ન થવું જોઈએ. બાકી બીજી રીતે કોઈ દુર્ઘટના થાય તો વાંધો નહિ. વધુમાં સુરતની તક્ષશિલા અગ્નિકાંડ, મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના, અને વડોદરા હરણી બોટકાંડ આ તાજેતરની જ દુર્ઘટના છે. હવે રાજકોટમાં ગેમઝોનનો આગકાંડ સર્જાયો છે. તમામ ઘટનાઓમાં તંત્રની મોડેસ ઓપરેન્ડી એક જ રહી છે. માત્રને માત્ર દુર્ઘટના સર્જાયા બાદ એક્શનમાં આવ્યું છે.
સરકાર બાબુઓને મસમોટા પગાર આપે છે. તેની પાછળનું એક કારણ છે કે તેની ઉપર જવાબદારી વધુ હોય છે. પણ તેઓ જવાબદારી નિભાવવાના બદલે સતા વધુ ભોગવી રહ્યા છે. બાબુઓની નિષ્ક્રિયતાને લઈને પ્રજામાં પણ રોષ ફેલાયો છે.
ગુજરાત રાજ્યમાં હજુ પણ ઘણી જગ્યાએ એટલી બેદરકારીઓ નરી આંખે દેખાઈ રહી છે. જ્યાં કોઈ દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ રહી છે. પણ આ આગમચેતી રૂપે પગલાં ન લેવાના જાણે સમ ખાઈ લેવામાં આવ્યા હોય, તેવો ઘાટ સર્જાયો છે.
દરેક દુર્ઘટના સર્જાયા બાદ તંત્રએ માત્ર હાજરી પુરાવા માટે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ માત્ર એક કે બે મહિના પૂરતી સીમિત રહી છે. ભૂતકાળ આ વાતનો સાક્ષી છે. છતાં હજુ પણ તંત્ર એટલી સમજણ કેળવી શક્યું નથી કે તેની આ એક લાપરવાહી કે આળસ કોઈના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વધુમાં એ પણ તથ્ય છે કે જે દુર્ઘટનામાં મોતના આંકડો વધુ હોય તેના પછી જ તંત્ર હરકતમાં આવે છે. બાકી બે-ત્રણ મોતમાં કોની લાપરવાહીથી આ જીવ ગયા તે જાણી હવે આવું ન થાય તે માટેના તો કોઈ પગલાં પણ લેવાતા નથી.