બિન સાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ ચોકકસ ધર્મ માટે પૈસાની ફાળવણી અયોગ્ય હોવાની ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન
હાઈકોર્ટે રાજય સરકાર પાસે ખુલાસો માંગી ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના માધ્યમથી માત્ર હિન્દુ ધર્મના ધાર્મિક સ્થાનોનો જ શા માટે વિકાસ કરવામાં આવે છે તેવો પ્રશ્ન હાઈકોર્ટે રાજય સરકારને કર્યો છે.
રાજય સરકારે બનાવેલા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની કામગીરી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે. યાત્રાધામ બોર્ડ દ્વારા માત્ર હિન્દુ ધર્મના જ ધાર્મિક સ્થાનોનો વિકાસ થતો હોવાની દલીલ પીટીશનમાં કરાઈ છે.
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આર.એસ.રેડ્ડી તથા ન્યાયાધીશ વી.એમ.પંચોલીની ખંડપીઠે સરકાર પાસે આ મામલે જવાબ માગ્યો છે. અરજકર્તા મુઝહિદ નફીઝ દ્વારા પીટીશનમાં જણાવ્યાનુસાર પવિત્ર યાધાત્રામમાં સમાવિષ્ટ ૩૫૮ જેટલા ધાર્મિક સ્થાનો માત્ર હિન્દુ ધર્મને લગતા છે. બિન સાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પૈસાની ફાળવણી અયોગ્ય હોવાની રજૂઆત થઈ છે.
ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, શિખ અને બુદ્ધ ધર્મના ધાર્મિક સ્થાનોનો વિકાસ પુરતો ન થયો હોવાનું પણ દર્શાવાયું છે.અહીં ઉલ્લેખનીય છે કે, પવિત્ર યાત્રાધામ બોર્ડનું ગઠન વર્ષ ૧૯૯૫માં થયું હતું. જેના બે વર્ષ બાદ અંબાજી, ડાકોર, ગિરનાર, પાલીતાણા, સોમનાથ અને દ્વારકા સહિતના સ્થાનોને પવિત્ર યાત્રાધામ જાહેર કરવામાં આવ્યા હતા. બે દાયકા બાદ આ પવિત્ર યાત્રાધામની યાદી વધી ગઈ છે. જેમાં ૩૫૮ મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ અન્ય ધર્મના ધાર્મિક સ્થાનોને સમાવિષ્ટ કરવામાં આવ્યા ન હોવાની દલીલ થઈ છે.
પીટીશનમાં દલીલ કરવામાં આવી છે કે, સરકારે જો યાત્રાધામોનો વિકાસ કરવો હોય તો તમામ ધર્મના યાત્રાધામોનો વિકાસ કરવો જોઈએ. યાત્રાધામોનો વિકાસ કરવાની જવાબદારી સરકારની છે તેવો દાવો અરજદારે કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે રાજય સરકાર પાસે ખુલાસો માગ્યો છે અને ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા કહ્યું છે.