જમીન ક્યારેય ગેરકાયદેસર હોતી નથી, હા તેને ગેરકાયદેસર ઠેરવીને તેનો દૂરઉપયોગ થાય… જમીન મહેસુલ ક્ષેત્રે પ્રવર્તતી જમીનના અધિગ્રહણ અને અતિક્રમણની પરિસ્થિતિમાં જમીનના આસામીઓ માટે અત્યાર સુધી પૂર્ણ સુરક્ષા કવચ માટે કંઈક ખુટતુ આવ્યું છે. જમીનના વિવાદોના ઉકેલ માટે બાપે દાખલ કરેલા મુકદમા દિકરાઓના દિકરા સુધી લડવાની ધીરજ જોઈએ. એક વખત જમીનમાં વિવાદ ઉભો થાય તો તેનો ઉકેલ ક્યારે આવે તે નિશ્ર્ચિત હોતુ નથી.

જમીનને ગેરકાયદેસર ઠેરવવામાં કાયદેસરની કાર્યવાહીમાં વર્ષો વીતાવી દેવાય, જમીન ગૌરવપૂર્ણ સંપતીનું પ્રતિક માનવામાં આવે છે અને  લોકતાંત્રીક રાજ વ્યવસ્થા પૂર્વે સેંકડો વર્ષથી ભારતમાં એક આદર્શ મહેસુલ સંહિતા અને જમીનના હક્ક, કબજા, ભોગવટાના અધિકારો અને વિનીમય માટેની એક આદર્શ વ્યવસ્થા ‘લેન્ડ રેવન્યુ’નું માળખુ અસ્તિત્વમાં છે. વર્તમાન સમયમાં લેન્ડ રેવન્યુ એકટમાં જમીન અને જમીન ધારકના હિતોને સંપૂર્ણપણે ન્યાયીક રીતે જાળવવાની જોગવાઈ છે પરંતુ વધતા જતાં જમીનોના ભાવ અને જમીનની મર્યાદા સામે વધતી જતી વસ્તીને લઈને જમીન અત્યારે સૌથી વધુ કિંમતી મિલકત બની રહી છે ત્યારે લેન્ડ ગ્રેબિંગના બનાવો પણ એટલા જ વધ્યા છે.

કબજો બળવાના અને લાઠી તેની ભેંસ જેવી ઉક્તિ જમીનના વિવાદોને વધુ પેચીદા બનાવે છે ત્યારે ગુજરાતમાં જમીન પચાવી પાડવાની પ્રવૃતિને કાબુમાં લેવા માટે ગુજરાત સરકારે ડિસેમ્બર 2020થી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અમલ શરૂ કરાવ્યો છે અને તેની અમલવારીની ફલશ્રુતીરૂપે મક્કમ રીતે જમીન પચાવી પાડવાના બનાવોમાં જમીન માલીકને તાત્કાલીક અસરથી ન્યાય મળે તે માટેના ઉચારૂ પ્રયાસો હાથ ધર્યા છે. જમીનનો વિવાદ થાય એટલે જમીન તેમજ જમીન ધારકના ભાવી અનિશ્ર્ચિત મુદત સુધી અંધકાર બની જાય છે. મહેસુલ અને કાયદાની આ પ્રક્રિયાને હવે સંપૂર્ણપણે બદલી નાખતા લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં ફરિયાદની તાત્કાલીક નોંધણીથી લઈ તેની તપાસ નિશ્ર્ચિત સમયમાં પૂરી કરીને સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલીંગ અને ફરિયાદીને સંપૂર્ણપણે ન્યાય આપવાની જોગવાઈ ધરાવતો લેન્ડ ગ્રેબિંગ એક્ટના અમલથી ખરેખર જમીન માલીકોના વિવાદો અને જમીન પચાવી પાડવાના બનાવને અટકાવી શકાશે.

નવા અધિનિયમની અમલવારી જેટલી ઝડપથી થશે તેટલો ઝડપથી જમીન સંબંધી માહોલ સુચારૂ બનશે. મિલકતના માલિકોને સંપૂર્ણપણે સુરક્ષાના અધિકારો આપતા લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈની જેમ જ તેની સરળતાથી અમલવારી થવી જોઈએ. અત્યારે સૌથી વધુ ઝડપથી જમીનોના ભાવ વધી રહ્યાં છે. અસામાજિક તત્ત્વો અને શોર્ટકટ મની અર્નિંગ માટે જમીન પચાવી પાડવાનો ધંધો સૌથી વધુ આદર્શ ગુંડાગીરી બની રહી છે. વળી કાયદાની જોગવાઈની મર્યાદા અને ન્યાયીક કાર્યવાહીની મંથર ગતિના કારણે જમીન પચાવવાના આ કાળા ધંધામાં માલેતુજારોથી લઈને વગદાર લોકોની પણ મીલીભગતનું દુષણ ઉભુ થયું છે. તાત્કાલીક પૈસાવાળા થઈ જવા માટે લેન્ડ ગ્રેબિંગનું ચલણ વ્યાપક પ્રમાણમાં વધ્યું છે ત્યારે ખરા સમયે લેન્ડ ગ્રેબિંગ એકટની અમલવારીની શરૂ થયેલી પ્રક્રિયા જમીન માલીકોની મુશ્કેલીઓનો પૂર્ણવિરામ બની રહે તેવી આશા ઉભી થઈ છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ ફસાયેલી જમીનો છુટી કરાવવા અને ભુમાફીયાઓના લેન્ડ ગ્રેબિંગને બ્રેક મારવામાં અસરકારક સાબીત થશે. હવે આ કાયદાની જોગવાઈઓનો અમલ અસરકારક રીતે થવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.