માનવો પરાજિત થાય અને મ્હાત થાય, એ માનવજાતને નહિ પાલવે ! સમગ્ર વિશ્ર્વ જયારે ધરતીકંપ, વાવાઝોડા, દુષ્કાળ, અતિવૃષ્ટિ પૂર જેવી કુદરતી આપત્તીઓનો સામનો કરી રહેલ છે ત્યારે અને કોરોનાના કાળમુખા ફૂંફાડા શમવાનું નામ લેતા નથી ત્યારે પરમકૃપાળુ પરમાત્મા પાસે વિશ્વશાંતિ માટે પ્રાર્થના જ કર્યા કરવી ઘટે… પ્રાર્થના સ્વયં એક મહાશકિત છે સાચા માનવીથી મોટું કોઈ નથી…
હમણા હમણા આપણા દેશમાં અને વિશ્વભરમાં માનવો અને કુદરતની વચ્ચે જબરી લડાઈ ચાલી રહી છે. આમ તો કોઈ લડાઈ સારી નથી. કોઈ યુધ્ધ સારૂં નથી. સમાધાન અને સુલેહ, એજ શ્રેષ્ઠ છે એનાથી ચઢિયાતું અન્ય કશું જ ન હોઈ શકે?
પ્રજાપતિ બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે બ્રાહ્મણમાં ઈન્દ્રિય નિગ્રહનો ગુણ મૂકયો, ક્ષત્રિયમાં ઉત્તમ તેજ મૂકયું… વૈશ્યમાં વ્યાપાર-કૌશલ્ય મૂકયું. અને શુદ્રોમાં સર્વે વર્ણોને અનુકૂળઈ થવાની શકિત મૂકી.
અત્યારે કોઈ બ્રાહ્મણોનાં સન્માનિત વંશમાં જન્મેલા છે તો પણ ક્ષાત્રધર્મ પ્રમાણે જીવી રહ્યા છે. મહાભારતનાં મહાયુધ્ધ વખતે અશ્વત્થામા પાંચાલ પુત્રોને તેમની નિદ્રાધીન અવસ્થામાં પોતાની છાવણીમાં સૂતા હતા તે વખતે વિનાશ કરવાની રાહ જોતો હતો અને છાની છૂપી પેરવીમાં હતો એમ કથા કહે છે….
અત્યારે માનવો અને કૂદરત વચ્ચે જે કાળઝાળ લડાઈ ચાલી રહેલ છે. એમાં કોઈ એવા જ ઘાટનું ચિત્ર ઉપસે છે !
એક અવસરમાં કોઈના જન્મદિનનાં વધામણાં થાય અને એને શુભેચ્છાઓ અપાય, ને બીજી બાજુ એનાં ઉચ્છેદનનો ઘાટ ઘડાય ! અને તે પણ એવી રીતે કે એ એને શેષ જીવન સુધી યાદ રહે !
અંગ્રેજીમાં કોઈએ કહ્યું છે કે, ‘એ મેન ઈઝ એ મિક્ષ્ચર ઓફ ગૂડ એન્ડ ઈવિલ્સ, વ્હેર ગૂડ ઈઝ સ્ટ્રીકલી લીમીટેડ’ (મનુષ્ય સારાં અને નરસાં તત્વોનું મિશ્રણ છે જેમાં સારા તત્વો અત્યંત મર્યાદિત છે).
‘મહાભારત’ના કાળમાં કૌરવો એકસો અને પાંડવો પાંચ જ હતા એવું ઉદાહરણ પણ અપાય છે.
માનવજીવનમાં સુખદુ:ખનો ઘટનાક્રમ સતત ચાલ્યા કરે છે. આ ઘટનાક્રમમાં પણ સુખ ઘણુ ઓછું અને દુ:ખ ઘણું વધુ હોય છે. દુ:ખ અમીર ગરીબના ભેદભાવથી પર છે. દુ:ખ જાતી ધર્મ પ્રદેશના ભેદભાવથી પણ પર છે. દુ:ખના આવવાનો સમય નિર્ધારિત હોતો નથી. દુ:ખ કો પણ માનવીના જીવનમાં કોઈ પણ સમયે કોઈપણ દિવસે કોઈ પણ તિથિએ આવી શકે છે. દુ:ખ આવે ત્યારે સુખરૂપી સમયન સાથીઓ સાથ છોડી દે છે. અને કહેવાતા સ્નેહીજનો ઈચ્છે તો પણ મદદરૂપ થઈ શકતા નથી. આવા સમયે દુ:ખી માનવીભગવાનનો સહારો લે છે. તેમજ મદદરૂપ થવા ભગવાનને પ્રાર્થના કરે છે. આમ, પ્રાર્થના એટલે માનવીની પરિસ્થિતિની માહિતી ભગવાન સુધી પહોચાડનાર સબળ માધ્યમ.
સાચા હૃદયની આમ, પ્રાર્થના એ મહાશકિત છે.
ચાણકયે એ સિધ્ધિ કરી હતી. વિશ્વ વિખ્યાત ‘તક્ષશીલા’ વિદ્યાપીઠને તેમણે મહાવિદ્યાનું માધ્યમ બનાવ્યું હતુ.
દેશકાળ એનું કામ કરે છે.
સમય સમયનું કામ કરે છે.
એ બળવાન છે.
‘કાબે અર્જૂન લૂંટિયો વોહી ધનુષ, વોહી બાણ’ એ યૂગો જૂની કહેવત છે. માનવો અને કુદરત વચ્ચે જબરી લડાઈ ચાલી રહી છે. એની સાક્ષી અત્યારની ઘટનાઓ પૂરી છે. પણ માનવીથી મોટું કોઈ નથી એની પ્રતીતિ કરાવવાનો આ અવસર છે.
માનવો પરાજીત થાય અને મ્હાત થાય, એ માનવજાતને પોસાય તેમ નથી. સમગ્ર વિશ્ર્વ જયારે ધરતીકંપ, વાવાઝોડાં, દુષ્કાળ, અતિ વૃષ્ટિ, ઘોડાપૂર જેવી કુદરતી આપત્તિઓનો સામનો કરી રહેલ છે ત્યારે, અને કોરોનાના ફૂંફાડા શમવાનું નામ લેતા નથી ત્યારે પરમકૃપાળુ પરમાત્મા પાસે વિશ્વ શાંતિ માટે સાચા દિલથી પ્રાર્થના કર્યા જ કરવી ઘટે… પ્રાર્થના સ્વયંએ મહાશકિત છે, અને પ્રાર્થન કરનાર માનવી પણ મહાશકિત છે… ઈશ્ર્વરે સર્જેલા માનવીથી કોઈ મોટું નથી, જો માનવજાતને મતિભ્રષ્ટતા, દૂરાચાર, વિનાશક કર્મોના ડાઘ ન લાગવા દઈએ તો શ્રી કૃષ્ણ જેમના સારથી બન્યા એ અર્જૂન માનવજાતનું પ્રતીક બની શકે.