નાના સ્ટાર્ટઅપ માટે પુરતુ ભંડોળ, મોટુ પ્લેટફોર્મ અને સ્વીકૃતિ મળે તો મગરમચ્છો સામે લડી શકે!
કોઈપણ ક્ષેત્રમાં મોનોપોલી જે તે ક્ષેત્રના નાના વ્યવસાયીકો માટે આપત્તિ સર્જે છે. આવી જ બાબત ડિજીટલ ક્ષેત્રને પણ લાગુ પડે છે. ડિજીટલ ક્ષેત્રના મોટા મગરમચ્છોથી નાના-નાના ડિજીટલ સ્ટાર્ટઅપને બચાવવા ખૂબજ જરૂરી છે.
વર્તમાન સમયે ડિજીટલ મોનોપોલી શબ્દ દેશ-વિદેશમાં બહુ ગાજ્યો છે. જેની પાછલ અમેરિકામાં ગુગલ ઉપર ચાલી રહેલા ખરડાનો છે. ગુગલ ઉપર ગેરવ્યાજબી ઈજારાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઈન્ટરનેટ સર્ચ અને એડવર્ટાઈઝીંગમાં ગુગલ પોતે વધુ વ્યાપ ધરાવતી હોવાનો ગેરવ્યાજબી ફાયદો ઉઠાવતી
હોવાના આરોપ મુકાયા છે. આ મામલો ગંભીર હોવાથી સમગ્ર વિશ્ર્વનું ધ્યાન ખેંચાયું છે.
ડિજીટલ મગરમચ્છોએ અનેક નાની કંપનીઓને શામ, દામ, દંડ, ભેદના જોરે ઉગતા જ ડામી દેવાનો પ્રયાસ કર્યો છે. કોઈ નાની ઈનોવેટીવ કંપનીની સ્થાપના થાય ત્યારથી જ તે કંપનીઓ ઉપર ડિજીટલ મગરમચ્છોની નજર રહે છે. ત્યારબાદ આવી કંપનીના ઈનોવેશનને કોપી કરવું અને પોતાના પ્લેટફોર્મ ઉપર પ્રસારીત કરવાનો કિમીયો અજમાવાય છે. મગરમચ્છોનો વ્યાપ વધુ હોવાથી નાની કંપનીઓની પ્રોડકટ વધુ ફેલાતી નથી. જો કોઈ કંપનીની પ્રોડકટની કોપી ન થઈ શકે તો તે કંપની જ ખરીદવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.
માત્ર ગુગલ જ નહીં પરંતુ એપલ, માઈક્રોસોફટ અને એમેઝોન છેલ્લા ૨૦ વર્ષથી આવું જ કરી રહી હોવાનો આક્ષેપ થયો છે. વર્ષો પહેલા માઈક્રોસોફટ અને એપલ સામે આઈબીએમ આવા કારણોસર જ ટકી શક્યું નહોતું. ગુગલ સામે યાહુનો સૂર્યાસ્ત આ બાબતે થયો હતો. આજે પણ નાના સ્ટાર્ટઅપને શામ, દામના જોરે પોતાના પક્ષમાં લેવા અથવા પ્રોડકટ મેળવવા પ્રયાસ થતા જોવા મળે છે.
ભારતમાં પણ ધીમીગતિએ આવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. જેથી નાના ડિજીટલ સ્ટાર્ટઅપને ‘મગરમચ્છો’થી બચાવવા જરૂરી છે. ઈનોવેશનના ક્ષેત્રમાં ભારતીય યુવાધન દાયકાઓથી વિશ્ર્વમાં અવ્વલ રહ્યું છે. પરંતુ પેટન્ટ મેળવવામાં થાપ ખાઈ જતી હોવાનું ફલીત થયું છે. અમેરિકા જેવા મોટા દેશની મસમોટી કંપનીઓ આવી બાબતોનો ફાયદો ઉઠાવે છે. ભારતીય સ્ટાર્ટઅપને નાણાકીય આધાર મળે, ઈનોવેશનનું રક્ષણ થાય, મોટુ પ્લેટફોર્મ મળે અને અંતે સ્વીકૃતિ મળે તે જરૂરી છે.