કોરોના સામેની સારવારમાં અસ્ત્ર સમાન ગણાતા રેમડેસીવીર ઈન્જેક્શન, ઓક્સિજનને લઈ મોટી હાડમારીઓ ઉભી થઇ છે. રેમડેસીવીરની રામાયણ તો પ્રાણવાયુની પડાપડી માટે લોકો આમતેમ ભટકી રહ્યા છે. આવા સમયે અમુક “ગીધડાઓ” કાળાબજારી કરતા પણ ઝડપાયા છે. એક તરફ તંત્ર પાસે પણ પૂરતો જથ્થો નથી તો બીજી તરફ એવા ઘણા બનાવો સામે આવ્યા છે જ્યાં રાજકારણીઓ, ફિલ્મ અભિનેતાઓ અથવા અન્ય મોટી હસ્તીઓ પાસે મોટા પ્રમાણમાં આ એન્ટી વાયરલ ડ્રગ ઉપલબ્ધ હોય. આ મુદ્દે ધ્યાન દોરી બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર
સરકાર અને મહારાષ્ટ્ર સરકારને સવાલ કરી ઉધડો લીધો છે. તેમણે કહ્યું કે તંત્ર ખાલીખમ તો રેમડેસીવીર રાજકારણીઓ, ફિલ્મી તારલાઓ પાસે આખરે કેમ પહોંચી જાય છે ??
કોરોનાવાયરસ પરિસ્થિતિ અંગેની પીઆઈએલની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ અને અનેક ઉચ્ચ અદાલતોના અગાઉના આદેશો મુજબ, રેમડેસિવીરને કેન્દ્ર સરકાર દ્વારા ફક્ત રાજ્યોમાં ફાળવવાનું હતું. તો પછી જે લોકોને જરૂર છે એવા પાસે હસતીઓ દ્વારા કેમ રેમડેસીવીર ઈન્જેક્શનો પહોંચી જાય છે. અરજદારો પૈકીના એક વકીલ એડવોકેટ રાજેશ ઇનામદારે જણાવ્યું કે જ્યારે હોસ્પિટલો રેમ્ડેસિવીર અને તોસિલીઝુમાબ જેવી મુખ્ય દવાઓ સામે ખેંચતાણ ચલાવી રહી છે, ત્યારે કેટલાક સેલિબ્રિટીઓ અને રાજકારણીઓ, સરળતાથી ટ્વિટર પરની અરજીઓના જવાબમાં તેમને ખરીદી અને વહેંચી રહ્યા છે. કોર્ટે કહ્યું કે તે કોવિડ -19 દર્દીઓની મદદ કરનારા લોકોની આડે આવવા માંગતી નથી, પરંતુ રાજ્ય સરકાર કેમ પહોંચી શકતી નથી.