- પોલીસકર્મીએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની નરેન્દ્ર સોલંકીએ સામે ફરિયાદ દાખલ કરાવી
રાજકોટના જૂના કુવાડવા પોલીસ મથક પાસે રવિવારે સાંજે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિત ત્રણ જણાની કાર પોલીસે રોક્યા બાદ બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને મારામારી થઇ હતી. જે અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદો નોંધાઈ છે.
એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, મહામંત્રી રાહુલ ગમારા, મિત્ર રાહુલ સોલંકી સાથે ગઇકાલે સાંજે ક્રેટા કારમાં જઇ રહ્યા હતા ત્યારે જૂના કુવાડવા રોડ પોલીસ મથક પાસે પોલીસે કાર રોકી ચેકીંગ કરતાં બંને પક્ષો વચ્ચે માથાકૂટ થઇ હતી. જે અંગે રાહુલ સોલંકીએ પોલીસમેન કનુભાઈ ભમ્મર અને અભીજીતિસિંહ ઝાલા સામે મારકૂટ કર્યાની અને જ્ઞાાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ નોંધાયા બાદ કોન્સ્ટેબલ કનુભાઈ ભમ્મરે વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે હાલ તેની એસએસટી ટીમમાં નોકરી છે. સાંજે જૂના કુવાડવા રોડ પોલીસ મથક પાસેથી પસાર થયેલી ક્રેટા કાર અટકાવી ચેકીંગ કર્યું હતું. જોકે તેમાંથી કાંઇ ગેરકાયદેસર મળી આવ્યું ન હતું. પરંતુ કારના કાચ કાળા હોવાથી ત્યાં હાજર ટ્રાફિક પોલીસે હાજર દંડ વસૂલ કર્યો હતો.
જેને કારણે કારમાં સવાર ત્રણેય આરોપીઓ તેની પાસે આવ્યા હતા જેમાંથી એકે કહ્યું કે મારું નામ નરેન્દ્ર સોલંકી છે, હું એનએસયુઆઇનો પ્રમુખ છું, તારાથી ગાડી ચેક કેમ કરાય. ત્યારબાદ તેને અને સાથી હેડ કોન્સ્ટેબલ અભીજીતસિંહ નરેન્દ્રસિંહ ઝાલાને ગાળો ભાંડી હતી. જેથી ગાળો બોલવાની ના પાડતા નરેન્દ્ર સોલંકી તેની સાથેનો રાહુલ સોલંકી અને રાહુલ ગમારા ઉશ્કેરાઇ ગયા હતા અને કહ્યું કે તમારા પોલીસવાળાને બહુ હવા છે, હવે તમારા પટ્ટા-ટોપી ઉતરાવી ન લઉં તો કહેજો.
તે સાથે જ નરેન્દ્ર સોલંકીએ તેનો કાંઠલો પકડી લીધો હતો. સાથે રહેલા હેડ કોન્સ્ટેબલ અભીજીતસિંહે વચ્ચે પડી છોડાવ્યા બાદ ત્રણેય આરોપીઓએ તેને અને અભીજીતસિંહને ગડદાપાટુનો માર મારવાનું શરૃ કર્યું હતું. નજીકમાં ફરજ બજાવતા પોલીસમેનોએ વચ્ચે પડી છોડાવ્યા હતા. આ પછી રાહુલ સોલંકીએ કહ્યું કે આ લોકો વિરૃધ્ધ હવે એટ્રોસિટીની ફરિયાદ કરવી છે, હવે કેમ નોકરી કરો છો તે જોઇ લઇશું. આ ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરૃધ્ધ ગાળો ભાંડવી અને સરકારી કર્મચારી પર ફરજ દરમિયાન હુમલા કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ શરૂ કરી છે.