સો મણનો સવાલ: વૈવાહિક દુષ્કર્મને અપરાધ તરીકે વ્યાખ્યાયિત કરાશે?
મેરિટલ રેપ એટલે કે વૈવાહિક દુષ્કર્મના કેસમાં બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. આ વિશે સુનાવણીમાં બંને જજે તેમના મત જાહેર કર્યા હતા. હાઈકોર્ટના જસ્ટિસ શકધરે કહ્યું હતુ કે આઇપીસીની કલમ 375, બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે.
જ્યારે જસ્ટિસ સી. હરિશંકરનું કહેવું છે કે મેરિટલ રેપને કોઈ કાયદાનું ઉલ્લંઘન ના માની શકાય. બેન્ચે અરજી કરનારને કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરે. હવે જ્યારે હાઇકોર્ટના જ બે જજો વચ્ચે આ મુદ્દે મતભેદ જોવા મળ્યો છે ત્યારે ખરેખર વૈવાહિક દુષકર્મને અપરાધ ગણવો કે નહીં ? તેવો સવાલ ઉઠ્યો છે. બીજી બાજુ 5માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર દેશમાં દર ત્રીજી મહિલા વૈવાહિક દુષ્કર્મથી પીડાય છે. હવે વૈવાહિક દુષ્કર્મ અપરાધ છે કે કેમ?
તે મૂંઝવણ વચ્ચે સામાજિક બદનામી, પુરુષ પ્રધાન સમાજની રૂઢી ચુસ્તતા સહિતના કારણોને લીધે મહિલાઓ આ અંગે બહાર પણ આવી શકતી નથી અને વૈવાહિક દુષ્કર્મથી પીડાતી મહિલાઓના ડુસકા ચાર દીવાલમાં દબાઈ જાય છે.
હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો વૈવાહિક દુષ્કર્મના અનેક કિસ્સાઓ રેકોર્ડમાં છે , અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે તેમ છતાં કાયદામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ નહીં હોવાના લીધે વૈવાહિક દુષ્કર્મના કેસમાં કોઈ સચોટ તારણ મેળવીને યોગ્ય પગલા લઇ શકાતા નથી જેનો ભોગ મહિલાઓને બનવું પડે છે.આઈપીસીની કલમ 375 હેઠળ કોઇપણ મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધવામાં આવે તો તેને દુષ્કર્મની વ્યાખ્યામાં ગણવામાં આવે છે પરંતુ જો આ કૃત્ય પતિ દ્વારા કરવામાં આવે તો તેને દુષ્કર્મ ગણવું કે નહીં?
તે અંગે અનેક મતભેદો છે. ખાસ કાયદામાં પણ આ અંગે કોઈ પણ જાતની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના લીધે પોલીસ તંત્રથી માંડી ન્યાયતંત્ર સુધી તમામમાં મૂંઝવણ અને વિસંગતતા જોવા મળે છે. બીજી બાજુ સમાજની રૂઢિચુસ્તતા, સમાજમાં બદનામીના ડરથી વૈવાહિક દુષ્કર્મનો ભોગ બનતી મહિલાઓ પણ ક્યાંક બહાર આવવામાં ખચકાટ અનુભવતી હોય છે. પરિણામે તેમના મનમાં ઉભી થયેલી કરુણ ચીસો દબાઈ જતી હોય છે ત્યારે વૈવાહિક દુષ્કર્મ અને અપરાધ ગણવો કે કેમ? તે સવાલ પર ખૂબ મોટો પ્રશ્નાર્થ છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં 18 થી માંડી 49 વર્ષ સુધીની મહિલાઓ પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું છે કે, દર ત્રીજી મહિલા વૈવાહિક દુષ્કર્મનો ભોગ બની રહી છે સાથોસાથ છ ટકા જેટલી મહિલાઓ જાતીય હુમલાનો શિકાર થઇ રહી છે.દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશના કુલ 707 જિલ્લાઓના 6.37 લાખ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 7.24 લાખ મહિલાઓ અને 1.1 લાખ પુરુષોને સાથે રાખી અનેક વિવિધ મુદ્દાઓ પર સરવે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં સામે આવ્યું છે કે 32 ટકા પરિણીત મહિલાઓ પતિ દ્વારા શારીરિક, માનસિક અને જાતીય હિંસાનો ભોગ બની રહી છે.
સાથોસાથ 27 ટકા મહિલાઓ 12 માસમાં એકાદ વાર તો ચોક્કસ ત્રણમાંથી એક પ્રકારે હિંસાનો ભોગ બને છે. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે 29 ટકા મહિલાઓ શારીરિક હિંસાનો સામનો કરતી હોય છે જ્યારે 14 ટકા મહિલાઓ માનસિક હિંસાનો શિકાર બનતી હોય છે.સર્વે મુજબ 5% મહિલાઓનું કહેવું છે કે, તેમની ઇચ્છા વિરુદ્ધ પતિ દ્વારા શારીરિક દબાણ કરીને શરીર સબંધ બાંધવાનો આગ્રહ કરવામાં આવે છે.
જ્યારે 4% મહિલાઓ અનુસાર પતિ દ્વારા ધાકધમકી આપીને કે અન્ય કોઈ રીતે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવે છે. 3% મહિલાઓ એવી પણ છે કે, જેમની ઉપર પતિ દ્વારા યેનકેન પ્રકારે દબાણ કરીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવે છે. મહિલાઓની ઇચ્છા ન હોય તેમ છતાં પણ પતિ દ્વારા બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવે છે જેને ચોક્કસ વૈવાહિક દુષ્કર્મની વ્યાખ્યાનમાં લઈ શકાય છે.
વૈવાહિક દુષ્કર્મને અપરાધ ગણવા કાયદામાં મોટા ફેરફારની જરૂરિયાત !!
જાન્યુઆરી 2022 માં જ્યારે ફરી સુનાવણી શરૂ થઈ ત્યારે સરકારે કોર્ટને કહ્યું હતું કે મેરિટલ રેપને ત્યાં સુધી ક્રાઈમ ના ગણી શકાય જ્યારે દરેક પક્ષ સાથે ચર્ચા પૂરી ના થઈ જાય. એ માટે ક્રિમિનલ લોમાં ઘણા મોટા ફેરફાર કરવા પડશે. 7 ફેબ્રુઆરીએ કોર્ટે કેન્દ્ર સરકારને બે સપ્તાહ સુધીનો સમય આપ્યો હતો. ત્યારે કેન્દ્ર પાસેથી જવાબ ના મળવાને કારણે બેન્ચે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
મેરિટલ રેપ ગુનો ના માનવો જોઈએ: કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકારે મેરિટલ રેપને ગુનો ના માનવાની ભલામણ કરી છે. 2017માં કેન્દ્રએ કોર્ટને કહ્યું હતું કે ભારત આંખ બંધ કરીને પશ્ચિમનું અનુસરણ ના કરી શકે અને તેથી જ આપણે મેરિટલ રેપને ગુનો ના કહી શકીએ. આ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે 2017 માં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ભલામણ વિશે વિચાર કરાશે.
32% મહિલાઓ સાથે શારીરિક, માનસિક રીતે દબાણ કરી ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બંધાયાનો ધડાકો !!
સર્વેમાં સામે આવ્યું છે કે 32 ટકા પરિણીત મહિલાઓ પતિ દ્વારા શારીરિક, માનસિક અને જાતીય હિંસાનો ભોગ બની રહી છે. સાથોસાથ 27 ટકા મહિલાઓ 12 માસમાં એકાદ વાર તો ચોક્કસ ત્રણમાંથી એક પ્રકારે હિંસાનો ભોગ બને છે. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે 29 ટકા મહિલાઓ શારીરિક હિંસાનો સામનો કરતી હોય છે જ્યારે 14 ટકા મહિલાઓ માનસિક હિંસાનો શિકાર બનતી હોય છે.
શું પુરુષ પણ વૈવાહિક દુષ્કર્મના કેસ કરી શકશે ?
જે રીતે હાલ વૈવાહિક દુષ્કર્મનો મુદ્દો ચર્ચાય રહ્યો છે ત્યારે એક પાસાના ભાગરૂપે મહિલાઓ સાથે વૈવાહિક દૂષ્કર્મ આચરવામાં આવતું હોય તે મુદ્દે ચર્ચા થઈ રહી છે પરંતુ બીજું પાસું એ પણ છે કે જ્યારે મહિલાઓ સાથેની આવી વર્તણુક અંગે કોઇ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવે અને વૈવાહિક દુષ્કર્મને અપરાધ ગણવામાં આવે ત્યારે શું પુરુષ સાથે આ પ્રકારનું કૃત્ય મહિલા અથવા પત્ની દ્વારા કરવામાં આવે તો શું પુરુષ વૈવાહિક દુષ્કર્મ હેઠળ રક્ષણની માંગ સાથે કેસ કરી શકશે કે કેમ? તેવો પણ સવાલ છે.