જયોતિષીઓ, બ્રહ્મજ્ઞાનીઓ, ઋષિચૂસ્તો-પ્રગતિશીલો અને શ્રધ્ધાળુઓ-અંધશ્રધ્ધાળુઓ વિદ્વાન કર્મકાંડીઓ સાથે રાષ્ટ્રીય ચર્ચા કરવાનું સૂચન: યુવા પેઢીનેપણ ચર્ચા-પરામર્શમાં જોડી શકાય. ધર્માચાર્યોને પણ સામેલ કરી શકાય: સંસ્કૃતિ અને સંસ્કારનું જતન થાય અને અંધશ્રધ્ધા, વહેમો, શંકાઆશંકાઓ તેમજ મતિભ્રષ્ટતા જેવા અનિષ્ટો અંગે લોકજાગૃતિના હેતુસર આવો પ્રયોગ કરવામા લાભ કે ગેરલાભ ? યુગલક્ષી પ્રશ્ર્ન !
‘વિવિધતામાં એકતા’ના મંત્ર સાથે આપણા દેશમાં વિકાસની અને પ્રગતિની કેડી કંડારવામાં આવી રહી છે !
કોઈપણ દેશનું બંધારણ આ મંત્રની ભૂમિકા સાથે જ ધડાય છે ને આકાર પામે છે. માનવજીવનને અને માનવ સમાજને સાંકળતી ગતિવિધિઓનો વિકાસ સાધવાનો ધર્મ તેના સુકાનીઓએ બજાવવાનો હોય છે. આ વિકાસ જો પૂર્વ આયોજિત ન હોય અને આડેધડ થતો હોય તો નિરર્થક અને હાનિકર્તા જ સાબિત થાય એ વાતની પ્રતીતિ આપણા દેશને અને આપણા મનાવ સમાજને થઈ ચૂકી છે. આપણા દેશના વિકાસની જે કાંઈ સૌરભ છે તે પૂર્વ આયોજિત વિકાસને કારણે છે. અને તેનાથી દશગણી જે બેહાલી અને બરબાદીની દુર્ગંધ છે. તે માત્ર સત્તાલાલસા અને રાજગાદીલક્ષી રાજકારણનાં મલમ પટ્ટા હેઠળ થયેલી કામગીરીને પ્રતાપે છે.
કોઈપણ વિકાસ માનવજાતના ભલા માટે હોવો જોઈએ અને તેની મુશ્કેલીઓ દૂર કરવા માટે હોવો જોઈએ.
વેદકાળથી આપણા ઋષિમૂનિઓએ અને પ્રજ્ઞાનીઓ બ્રહ્મ શાસ્ત્રીઓએ તેમના અનુભવોના આધારે માનવજાતનાં વિકાસના જે માર્ગદર્શક સિધ્ધાંતો અને માનવજીવનને સાંકળતા આર્થિક, સામાજિક અને ધર્મશાસ્ત્રના ધર્મકર્મો તેમજ જન્મથી માંડીને છેક મૃત્યુ અને મૃત્યુ પછીની શાસ્ત્રોકત ગતિવિધિઓ સુનિશ્ર્ચિત કર્યા તથા શાસ્ત્રો લખ્યા તે સૈકાઓથી અસ્તિત્વમાં છે.
મનુસ્મૃતિમાં ચાર વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્દ્રો સુનિશ્ર્ચિત કરવામાં આવ્યા હતા. એમાં બ્રાહ્મણોને બધી રીતે ચઢિયાતા, જ્ઞાની અને સંસ્કૃતિ તેમજ સામાજીક સુરક્ષાના રખેવાળ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. ક્ષત્રિયોને રક્ષક તરીકે, વૈશ્યને વ્યાપાર-રોજગારમાં પ્રવીણ લોકો તરીકે અને શુદ્રોને સફાઈ સ્વચ્છતાના પ્રતીકો તરીકે ઓળખાવાયા હતા.
વેદિક કાળથી, ઋષિમૂનીઓનાં કાળથી આપણે ત્યાં પ્રસ્થાપિત થયેલી સંસ્કૃતિને અને સંસ્કાર સભ્યતાને આપણા દેશે, હિન્દુધર્મીઓએ અને આર્યલોકોએ પ્રાચીન કાળનાં આદર્શો, સિધ્ધાંતો, મંત્રો અને શાસ્ત્રોકત વિધિવિધાનોને આપણો દેશ તથા આપણા ધર્મ-કર્મોને આપણા પૂર્વજોએ ઘણે ભાગે જેમના તેમ રાખ્યા છે, જેને હિન્દુ પ્રણાલી તરીકે આપણા ધર્મકર્મોમાં વણી લેવાયા છે.
જેમજેમ સમય વીતે, મનુષ્યો બદલાય અને સાધનો-સુવિધાઓ બદલાય તેમ તેમ અ પ્રણાલીમાં બદલાવ આવે એ સ્વાભાવિક છે. આજના જમાનામાં માનવ જન્મે ત્યારથી માંડીને મૃત્યુ પામે ત્યાં સુધીની અને તેથીયે આગળની પ્રણાલીઓ લગભગ જેમની તેમ રહી છે. અલબત એમાં સમયાનુસાર બદલાવ આવતા રહ્યા છે.
અત્યારે જીવનયાત્રા સમેટાય અને મૃત્યુ આવે તે પછી સ્મશાનયાત્રા, અંતિમયાત્રા મૃતદેહને અગ્નિદાહ, તે પછી પૂણ્યતિથિ, ભજનકિર્તન, બેસણું, ઉઠમણું, કારજ-ભોજન, પ્રાર્થનાસભા, સ્મૃતિભેટ, ધર્માદો વગેરે પ્રકારની ઘણીબધી ગતિવિધિઓ કરવામા આવે છે. એમાં ઋદન, વિલાપ, કલ્પાંત, ધૂન, ગુરુડ પૂરાણ, ગીતા પાઠ વગેરે ગતિવિધિઓ કરવામાં આવે છે. બ્રાહ્મણો આ વિધિઓ કરાવે છે.
લૌકિક ક્રિયાઓ અને મરણ પછીના રીતરિવાજોનાં પ્રસંગોએ જોવા મળતી દેખાદેખી અને મોટાઈ દર્શાવતાં આયોજનો સમાવિષ્ટ થાય છે. આ બધુ સારી પેઠે ખર્ચાળ બને છે અને અન્યોની સરખામણીમાં પોતે કમજોર અને પછાત ન લાગે એ માટે, કોચવાતાં કોચવાતાંય આર્થિક રીતે નબળા પરિવારો આવી ગતિવિધિઓ કરાવે છે. એમાં દેણું કરવાનો વખત પણ આવે છે, જે દેણું ભરવામાં ઘરના મોભીનો દમ નીકળી જાય છે.
આ બધું જોતા આ બધી પ્રથાઓમાં આવશ્યક ફેરફારો અને સરવાળા બાદબાકીઓ કરવાની સમીક્ષા કરી શકાય તથા રાષ્ટ્રીય સ્તરે ચર્ચા-પરામર્શ કરી શકાય…
આપણો સમાજ અને આપણો દેશ અત્યારે જે હાલતમાં છે તે દ્રષ્ટિએ ઘણા બધા સુધારા માગે છે, એવું જણાયા વગર રહેતું નથી.
જેમ લગ્ન અને વેવિશાળ અંગેની વર્તમાન પ્રથામાં નોંધપાત્ર સુધારા વધારાની આવશ્યકતા છે, તેમ કાળધર્મ પામ્યા પછીની પ્રથાઓ પણ મહત્વના ફેરફાર તથા સરવાળા-બાદબાકી માગે છે એમ માનતો થયેલો વર્ગ હવે નાનો સૂનો નથી… આવા સુધારા વધારા સામાન્ય વર્ગના લોકો કદાચ ન કરી શકે, પણ સુખી અને પ્રગતિશીલ વિચારવા મહાનુભાવો જઋર કરી શકે, આને લગતા ઠરાવ પણ થઈ શકે, આવા સુધારા આવકાર્ય પણ બની શકે.
જુદી જુદી જ્ઞાતિઓ જુદી જુદી રીતે અથવા તો સંયુકત રીતે અને એકસંપથી કરી શકે !
આવા ફેરફારોથી માનવસમાજની શોભા વધશે.
લૌકિક ક્રિયાઓ અને કારજ-દાળો જેવી પ્રથાઓમાં તો આવા સુધારાઓની શઋઆત થઈ ગઈ છે…
ભલે આમાં કુટુંબભાવના અને માનવ સંવેદનાનો પ્રશ્ર્ન જાગી શકે છે. પરંતુ બ્રાહ્મણો, બ્રહ્મ શાસ્ત્રીઓ, જયોતિર્ધરો, સમાજ સુધારકો, પ્રગતિશીલ આગેવાનો આને લગતી સમજ આપે, એને લગતો પ્રચાર કરે અને આવી શાસ્ત્રોકત પ્રવૃત્તિઓ એવી રીતે સાદાઈભરી અને કરકસર પૂર્વક કરાવે કે એ સમગ્ર સમાજનાં હિતમાં બની રહે !….