- પોલીસ બદનામ હુઈ ‘ડાર્લિંગ’ તેરે લિયે….
- રાજકીય દબાણ, લાગવગ અને મનીભાઇ પોલીસને કોર્ટ પહેલા ન્યાય તોળવા ’મજારૂપી મજબૂર’ બનાવી દયે છે!!!
- ન્યાય મેળવવામાં અતિ સમય લાગતો હોય લોકોની પોલીસ પાસે ન્યાય તોળાવવાની અપેક્ષા કારણભૂત
છેલ્લા છ માસના સમયગાળામાં રાજકોટમાં પાંચથી વધુ એવા બનાવો સામે આવ્યા છે જેમાં પોલીસની ઘોર બેદરકારી, લાપરવાહી તેમજ મલાઈ મેળવવા જતાં કુંડાળામાં પગ મુકાઈ ગયાના બનાવો છતાં થયાં છે. મનીભાઇ મેળવવાનો સરળ રસ્તો પોલીસ માટે જમીનના હવાલા હોય આ હવાલો લઇ માછલીની આંખ વીંધી મલાઈ મેળવવા જતાં પોલીસ પોતે જ બદનામી વહોરી લેતા હોય તેવા બનાવો એક બાદ એક સામે આવી રહ્યા છે.
હલ જોરોશોરોથી ગાજી રહેલા મેંગો માર્કેટ પાછળની જમીનના પ્રકરણમાં પણ કંઈક આવું જ બન્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. મામલામાં ગઈકાલે હાઇકોર્ટએ તાત્કાલિક પીએસઆઈ મારુંને સસ્પેન્ડ કરો અથવા પોલીસ કમિશ્નર લેખિતમ્સ માફી માંગે તેવો આદેશ કરતા ગઈકાલે પીએસઆઈ કે ડી મારૂની જૂનાગઢ ખાતે બદલી કરી દેવામાં આવી હતી.
આ ઉપરાંત છેલ્લા છ માસમાં પાંચ જેટલાં બનાવો સામે આવ્યા છે જે પૈકી ત્રણ બનાવો તો ફક્ત કુવાડવા પોલીસ મથકના છે જયારે અન્ય બે બનાવ બી ડિવિઝન પોલીસના છે. રતનપર ગામે સપ્તાહના સિક્યુરિટી ગાર્ડ તરીકે ગયેલા અમરશીભાઈ સીતાપરાનું કથિત રીતે કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પણ હાઇકોર્ટની ફીટકાર બાદ કુવાડવા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જયારે નવાગામના ઘનશ્યામ મેર નામના યુવકની લાશ મળી આવતા આકસ્મિક મોતની નોંધ કરનારી કુવાડવા પોલીસે યુવકે પોતે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધાનું રટણ કર્યું હતું. જો કે, પરિજનોએ હત્યાની આશંકા સાથે હાઇકોર્ટના દ્વાર ખખડાવતા અદાલતના આદેશ બાદ હત્યાનો ગુનો નોંધવો પડ્યો હતો. જયારે નવાગામમાં 17 વર્ષીય કિશોરના મોતને હાર્ટએટેકમાં ખપાવી દેવામાં આવ્યા બાદ સીસીટીવી ફૂટેજ સામે આવતા અંતે હત્યાનો ગુનો નોંધાયો હતો.
તેવી જ રીતે બી ડિવિઝન પોલીસે રણછોડનગરના યુવકના આપઘાત કેસમાં સુસાઇડ નોટમાં મરવા મજબુર કરનાર શખ્સોના નામ હોવા છતાં તે બાબતની કોઈ નોંધ નહિ લઇ ફક્ત ઠગાઈનો ગુનો નોંધ્યો હતો પણ પરિજનોએ સણસણતા આક્ષેપ કરતા સમગ્ર મામલા પરથી પડદો ઉંચકાયો હતો.
ઘનશ્યામ મેરની હત્યાને આપઘાત ગણાવ્યો : હાઇકોર્ટએ ઝાટકણી કાઢતા ખુનનો ગુનો નોંધ્યો
નવાગામની રંગીલા સોસાયટી નજીક રહેતા અને ઘર નજીક પાનની દુકાન ધરાવતો ઘનશ્યામ છગનભાઈ મેર (ઉં.વ.32) ગત તા.7 ડિસેમ્બરના પોતાના ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઈ ગયો હતો. તેનો મોબાઇલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. મેર પરિવારે ઘનશ્યામના ગુમ થવા અંગે તત્કાલીન સમયે પોલીસમાં જાણ કરી હતી. તા.8ના ધનશ્યામના મોબાઇલનું લોકેશન મુંબઈનું મળ્યું હતું અને તા. 9ના માલિયાસણ નજીક ખેરડી તરફ જતાં રસ્તા નજીક તેની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં મેર પરિવાર અને કુવાડવા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘનશ્યામના શરીર પર ઈજાના નિશાનો હતા. તેના મોંમાંથી આગળના ત્રણ દાંત તૂટેલા હતા. ઘનશ્યામ પાસે બે મોબાઈલ ફોન રહેતા હતા તેમાંથી એક જ ફોન મળ્યો હતો અને તેમાંથી પણ સિમકાર્ડ ગાયબ હતું. ઘનશ્યામના બૂટ લાશ મળી તેનાથી દૂર આવેલી એક વાડીની ઝાડીઓમાંથી મળી આવ્યા હતા અને ધનશ્યામના શર્ટના તમામ બટન ખુલ્લા હતા. ઘનશ્યામની હત્યા કરાયાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હત્યાનો ગુનો નોંધવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો મેર પરિવારે ઈનકાર કરી દેતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા મેર પરિવારે અંતે લાશ સ્વીકારી લીધી હતી. બીજીબાજુ ઘનશ્યામનું ઝેરી દવા પીવાથી મૃત્યુ થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થતાં પોલીસે ઘનશ્યામે આપઘાત કરી લીધાનું નોંધ્યું હતું. જોકે મેર પરિવારે ઘનશ્યામની હત્યા થયા અંગેની દ્રઢ શંકા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં કેટલાક શંકાસ્પદના નામ પણ આપ્યા હતા. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. અંતે મેર પરિવારે હાઈકોર્ટનું નું શરણું લીધું હતું અને હાઈકોર્ટના આદેશ બાદ આઠ મહિના પછી પોલીસે ઘનશ્યામની હત્યા થયાનો અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
મેંગો માર્કેટ પાછળની જમીનમાં અદાલતનો સ્ટે હોવા છતાં પોલીસની ‘વરવી’ ભૂમિકા
મેંગો માર્કેટ પાછળ આવેલી સર્વે નંબર 37 પૈકી 1/2ની 4.35 એકર જમીનના મામલામાં કબ્જા અંગે નીચલી અદાલતનો સ્ટે હોવા છતાં બી ડિવિઝન પોલીસ સીસીટીવી કેમેરાની લૂંટની ફરિયાદ દાખલ કરી તપાસને જમીન કૌભાંડ તરફ વાળી દેતા પોલીસે ’હવાલો’ લીધાનું ચિત્ર ઉપસી આવ્યું હતું. મામલામાં ખેડૂતે હાઇકોર્ટનો સંપર્ક કરતા વડી અદાલતે પોલીસની ઝાટકણી કાઢી હતી. ન્યાયાધીશે તાત્કાલિક પીએસઆઈ મારૂને સસ્પેન્ડ કરો અથવા પોલીસ કમિશ્નરને સોગંદનામા પર માફી માંગવા આદેશ કર્યો હતો નહીંતર અદાલત તપાસ સીબીઆઈને સોંપી દેવા ભલામણ કરશે તેવું સ્પષ્ટ કરી દેતા રાજકોટ પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે બાદ તાત્કાલિક પીએસઆઈ કે ડી મારૂની જૂનાગઢ પીટીસી ખાતે બદલી કરી દેવામાં આવી હતી. આ મામલે આગામી દિવસોમાં મોટા કડાકા ભડાકા થવાના એંધાણ છે. હાઇકોર્ટએ મામલામાં ગુનો નોંધવા ચાર સપ્તાહનો સમય આપ્યો છે.
સુસાઇડ નોટમાં પીએસઆઈનું નામ હોવાથી બી ડિવિઝન પોલીસે આપઘાતના દુષ્પ્રેરણની જગ્યાએ ફક્ત ઠગાઈનો ગુનો દાખલ કર્યો : મૃતકના પિતાનો આક્ષેપ
બી-ડિવિઝન પોલીસ મથકના એક તપાસનીશ પોલીસ અધિકારીએ એક પીએસઆઈને બચાવવા માટે આપઘાત માટે દુષ્પ્રરણના કેસને છેતરપિંડીનો બનાવી દીધો હોવાનો આપઘાત કરી લેનાર યુવાનના પરિવારજને આક્ષેપ કરી સત્ય બહાર લાવવા માગ કરી છે. રણછોડનગરમાં રહેતા અને અટિકા ફાટક પાસે પાર્ટનરશિપમાં લેસર કટિંગનું કામ કરતા મૌલિક યોગેશભાઇ બાબિયાએ 15 જૂનના પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો, ઘટનાની જાણ થતાં બી.ડિવિઝન પોલીસની ટીમ પહોંચી હતી અને સ્થળ પરથી પોલીસને મૌલિકે લખેલી સ્યુસાઇડનોટ મળી આવી હતી. પોલીસે તે સ્યુસાઇડનોટ કબજે કરી હતી. સ્યુસાઇડનોટમાં મૌલિકે પોતાના આપઘાત માટે રાહુલ સોની, હુશેન મલિક, અજય રાઠોડ, પંકજ રાજા, આશિષ પરમાર, હર્ષિત શેઠ, વૈભવ બ્રોકર, પીએસઆઇ પ્રદ્યુમનસિંહ, સંતોષ સેન્ડકર અને મોરબીના ગોડાઉનવાળાના નામ આપ્યા હતા. મૌલિકે ઉપરોક્ત દસ પૈકીના તમામ લોકોનો શું રોલ હતો, પોતે તે શખ્સો પાસે કેટલા પૈસા માગતો હતો તે સહિતની વિગતો સ્યુસાઇડનોટમાં લખી હતી પરંતુ આ કિસ્સામાં પીએસઆઇ પ્રદ્યુમનસિંહનું નામ હોવાથી પોલીસે કાયદાનો ઉલાળિયો કર્યો હતો અને રાહુલ સોની, હુશેન મલિક, અજય રાઠોડ, પંકજ રાજા, આશિષ પરમાર, હર્ષિત શેઠ અને સંતોષ સેન્ડર સામે રૂ.2,47,50,000ની છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો તેવું મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે. સ્યુસાઇડનોટમાં પીએસઆઇ ગઢવી સહિત દર્શાવેલા અન્ય 3 શખ્સના નામનો પોલીસે ફરિયાદમાં ઉલ્લેખ ન કરી બચાવી લીધા હતા તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
14 વર્ષની બાળકીના દુષ્કર્મના ગુનામાં ફરિયાદ દાખલ કરવામાં પોલીસે ઘોર બેદરકારી દાખવ્યાનું કોર્ટનું તારણ
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વર્ષ 2022માં દુષ્કર્મના બનાવમાં એડિશનલ સેશન્સ કોર્ટે પોલીસની ઘોર બેદરકારી દર્શાવી છે. ભોગ બનનારી સગીરા ગુમ થયાં બાદ સગીરાના પિતાએ લગભગ 12 દિવસ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ પણ પોલીસે ફરિયાદ લીધી ન હતી. પોલીસે ઘટના બન્યાના 22 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે અદાલતે પોલીસને ફટકાર લગાવી હતી. કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતી પોલીસે કાયદાના રક્ષણબી જગ્યાએ કાયદાનું ખોટું અર્થઘટન કરી કાયદો હાથમાં લઈ પોતે જ અદાલતનું કામ કરી નિર્ણય લેવા લાગતા હોય તેવા અનેક બનાવો તાજેતરમાં જ સામે આવ્યા છે. ત્યારે વધુ એક મામલામાં પોલીસે આવી જ વરવી ભૂમિકા ભજવી હતી તેવું કોર્ટે નોંધ્યું છે.
યુવાનની હત્યાને હાર્ટએટેકમાં ખપાવી દેવાનો કુવાડવા પોલીસનો હીન પ્રયાસ
સંત કબીર રોડ પરના ગોકુલનગરમાં રહેતો અને નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નોકરી કરતાં હર્ષિલ કમલેશભાઈ ગોરી (ઉં.વ.17)ને 1 મેના બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હર્ષિલ ટ્રાન્સપોર્ટની ઓફિસે હતો ત્યારે હાર્ટએટેક આવતા તેનું મૃત્યુ થયાનું કવાડવા પોલીસે નોંધ્યું હતું. જોકે આ મામલે ભાંડાફોડ થયો હતો અને હર્ષિલને ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તેના સાથી કર્મચારીએ મોબાઈલનો ઘા ઝીંકત મૃત્યુ થયાનું સામે આવ્યું હતું અને અંતે પોલીસે આ મામલે ગુનો નોંધવો પડયો હતો.
કથિત કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં કોર્ટના આદેશ બાદ ગુનો નોંધાયો
શહેરના વેલનાથપરામાં રહેતા અમરશીભાઈ સીતાપરા નામના 70 વર્ષના વૃદ્ધ ગત તા.12 એપ્રિલના ગવરીદળમાં કથા સ્થળે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ પર ગયા હતા ત્યારે ત્યાં કોઈ સાથે માથાકૂટ થતાં કુવાડવા પોલીસ અમરશી ભાઈને પોલીસવેનમાં લઈ ગઈ હતી અને બાદમાં અમદાવાદ હાઇવે પર પેટ્રોલપંપ નજીકથી અમરશીભાઇ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. છ દિવસની સારવાર બાદ અમરશીભાઈનું મૃત્યુ થયું હતું. આ મામલામાં કુવાડવા પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતા સીતાપરા પરિવારે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને કોર્ટના આદેશ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધવો પડયો હતો.