બાર જયોતિર્લિંગ પૈકીનું એક પ્રસિધ્ધ ઉજજૈનનું મહાકાલેશ્વર મંદિર
શ્રાવણ માસમાં સમગ્ર ઉજજૈનમાં મનાવાય છે શિવોત્સવ: પ્રસિધ્ધ મહાકાલેશ્વર જયોતિર્લિંગને અવંતિકા, અવંતિકાપુરી, કનકશ્રન્ગા, ઉજજૈની વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે: ભષ્મ આરતીનું અનેરૂ મહત્વ
દેશના મુખ્ય 12 જયોર્તિલિંગ પૈકીનું એક છે ઉજજૈન સ્થિત મહાકાલેશ્વર મંદિર, આ જગપ્રસિધ્ધ શિવાલયનો ઈતિહાસ અત્યંત રોચક છે. શિવપુરાણ અનુસાર ઉજજૈનમાં બાબા મહાકાલનું મંદિર અતિ પ્રાચીન છે. મંદિરની સ્થાપના દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના પાલકપિતા નંદજીની આઠ પેઢી પૂર્વે થઈ હતી.બાર જયોર્તિલિંગ પૈકીનું એક આ મંદિરમાં બાબા મહાકાલ દક્ષિણમુખે વિરાજમાન છે. મંદિરના શિખરની બરાબર ઉપરથી કર્ક રેખા પસાય થાય છે. તેથી તેને પૃથ્વીનું નાભિસ્થળ પણ માનવામાં આવે છે.
ઈસ્વીસન પુર્વે છઠ્ઠી શતાબ્દીથી ધર્મગ્રંથોમાં ઉજજૈન મહાકાલેશ્વર મંદિરના ઈતિહાસનો ઉલ્લેખ મળતો આવે છે. ઉજજૈનના રાજા પ્રદ્યોતના સમયથી લઈને ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દી સુધી મહાકાલ મંદિરના અવશેષ મળી આવે છે.
મહાકાલેશ્વર મંદિરમાંથી મળી આવેલા સંદર્ભો અનુસાર ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ઉજજૈનના રાજા ચંદ્રપ્રદ્યોને મહાકાલ પરિસરની વ્યવસ્થા માટે પોતાના પુત્ર કુમાર સંભવની નિમણુંક કરી હતી. દશમી સદીના અંતિમ દશકોમાં સંપૂર્ણ માળવા પર પરમાર રાજાઓએ પોતાનું આધિપત્ય જમાવી દીધું હતુ. ત્યારબાદ 11મી સદીના ઉતરાર્ધ તથા 12મી સદીના પૂર્વાધમાં ઉદયાદિત્ય તથા નરવર્માના શાસનકાળમાં મંદિરનું પૂન: નિર્માણ કરવામાં આવ્યું હતુ. 1234-35માં સુલતાન ઈસ્તુતમિશે પૂન: આક્રમણ કરીને મહાકાલેશ્વર મંદિરને ખંડિત કર્યું, તો પણ મંદિરનું ધાર્મિક મહત્વ યથાવત રહ્યું.
18મી સદીના ચોથા દશકમાં મરાઠા રાજાઓએ માળવા પર આધિપત્ય જમાવ્યું પેશવા બાજીરાવ પ્રથમે ઉજજૈનનું પ્રશાસન પોતાના વિશ્ર્વાસુ સરદાર રાણૌજીશિંદેને સોંપ્યો, રાણૌજીના દિવાન સુખટંકર રામચંદ્ર બાબા શૈણવી હતા. તેમણે જ 18મી સદીના ચોથા-પાંચમાં દશકમાં મંદિરનું પૂન: નિર્માણ કરાવ્યું હતુ. વર્તમાન સમયમાં જે મહાકાળ મંદિર સ્થિત છે, તેનું નિર્માણ રાણૌજીશિંદેએ જ કરાવ્યું છે. વર્તમાનમાં મહાકાળ જયોતિલિર્ંગ મંદિરના સૌથી નીચલા ભાગમાં પ્રતિષ્ઠિત છે. મધ્યભાગમાં ઓમકારેશ્વરનું શિવલિંગ છે. તથા સૌથી ઉપરના ભાગ પર વર્ષમાં માત્ર એકવાર નાગપંચમીના દિવસે ખુલનાર નાગચંદ્રેશ્વર મંદિર છે. મહાકાલેશ્વર મંદિર ભૂમિ જ, ચાલુકય, અને મરાઠા શૈલીઓનો અદ્ભૂત સમન્વય છે. મંદિરના 118 શિખર સ્વર્ણજડિત છે, તેનાથી મંદિરનો વૈભવ અને શોભા અત્યંત વધી ગઈ છે.
વર્ષમાં એક જ વખત થતી ભષ્મ આરતી
વિશ્વ પ્રસિધ્ધ મહાકાલેશ્વર જયોતિર્લિંગને અવંતિકા, અવંતિકાપુરી, કનકશ્રન્ગા, ઉજજૈની વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે અહીં વર્ષમાં એકવાર મહાશિવરાત્રીના બીજા દિવસે ભષ્મની આરતી થાય છે. આ આરતીને મંગલા આરતી નામ પણ આપવામાં આવ્યું છે. સવારે ચાર વાગ્યે આ આરતી કરવામાં આવે છે. એક પ્રસિધ્ધ માન્યતાનુસાર આ આરતી સ્મશાનમાં લાવવામાં આવેલી તાજી ચિતાની રાખ દ્વારા આ ‘ભષ્મઆરતી’ કરવામાં આવે છે.
ઉજજૈનમાં આવનાર મુખ્યમંત્રી રાત્રી રોકાણ શહેરથી 15 કિ.મી.દૂર શા માટે કરે છે?
ઉજજૈન મહાકાલેશ્વર પ્રસિધ્ધ મંદિર વિશે એક માન્યતા છે કે અહી કોઈ મુખ્યમંત્રી રાત્રીરોકાણ નથી કરતા, અને જો સંજોગાવસાત કરવું પણ પડે તો શહેરથી 15 કિ.મી. દૂર રાત્રિરોકાણ કરે છે, કારણ કે અહી રાજાઓનાં પણ રાજા મહાકાલ વિરાજમાન છે, જયારે તે ઉપસ્થિત હોય ત્યારે અન્ય રાજા એટલેકે સામાન્ય માણસની શું વિસાત ? તેમ છતાં જો કોઈ મુખ્યમંત્રી અથવા સતાધીશ અહીં રાત્રિરોકાણ કરે તો તેનું મોત થાય છે, અથવા તે સતાવિહીન થઈ જાય છે, તેવી પણ એક માન્યતા પ્રચલિત છે.
મંદિરનાં 118 શિખરો પર ચડાવાયેલું 16 કિલોનું સોનાનું પડ
મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહ સુધી પહોચવા માટે એક પગથિયાથી સજજ માર્ગ બનાવવામાં આવ્યો છે. તેની બરાબર ઉપર એક અન્ય કક્ષ છે. જેમાં ઓમકારેશ્વર શિવલિંગ પ્રસ્થાપિત છે. મંદિરનું ક્ષેત્રફળ 10.77ડ 10.77 વર્ગ મીટર અને ઉંચાઈ 28.71 મીટર છે. શ્રાવણમાસના પ્રત્યેક સોમવારે તથા મહાશિવરાત્રીએ આ મંદિરમાં શ્રધ્ધાળુઓની ખૂબજ ભીડ જામે છે. મંદિરની લગોલગ એક નાનકડો જલસ્ત્રોત છે. જેને કોટિતીર્થ કહેવામાંવે છે.
એક માન્યતાનુસાર ઈલ્તુતમિશે જયારે મંદિરને તોડાવ્યું હતુ ત્યારે શિવલિંગને આ કોટિતીર્થમાં ફેંકાવી દીધું હતુ. બાદમાં તેની પૂર્નપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઈ.સ.1968ના સિંહસ્થ મહાપર્વ પહેલા મુખ્ય દ્વારનો વિસ્તાર કરીને સુસજજીત કરવામાં આવ્યું હતુ. એ સિવાય બહાર નીકળવા માટે એક અન્ય દ્વારનું નિર્માણ પણ કરાવવામાં આવ્યું હતુ. પરંતુ દર્શનાર્થીઓની અત્યંત ભીડને ધ્યાનમાં રાખીને બિરલા ઉદ્યોગ સમૂહ દ્વારા 1980નાં સિંહસ્થ પહેલા એક વિશાળ સભામંડપનું નિર્માણ કરાવવામાં આવ્યું હતુ.
મંદિરની વ્યવસ્થા માટે એક પ્રશાસનિક સમિતિની રચના કરવામાં આવી છે. તેના નિર્દેશન હેઠળ અહીંની વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી રહી છે. તાજેતરમાં જ તેના 18 શિખરો પર 16 કિલોનું સોનાનું પડ ચડાવવામાં આવ્યું છે. તથા હાલમાં મંદિરમાં દાન માટે ઈન્ટરનેટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.