- જમીનમાં ભેગી થતી શક્તિ નાના આંચકા મારફતે બહાર નીકળી જાય છે
- નાના આંચકામાં ઊર્જા વિખેરાઈ જતી હોવાથી મોટા ભૂકંપની શક્યતા ઘટી જાય છે
- 2001ના વિનાશકારી ભૂકંપ બાદ કચ્છમાં લગાતાર આવી રહ્યાં છે ભૂકંપના આંચકા
- જાણો કચ્છમાં અવારનવાર આવતા આંચકાઓ વિશે
- વાગડ વિસ્તારમાં જ બે ફોલ્ટલાઈન મર્જ થતી હોવાથી નવા આંચકાઓ નોંધાય છે
કચ્છ જિલ્લામાં અવારનવાર ભૂકંપ(Earthquake)ના આંચકા આવતા હોય છે. વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં કંપનો હવે સામાન્ય બની ગયા છે, તો મહિનામાં 3 થી 4ની તીવ્રતાના આંચકા અનુભવતા હોય છે. કેટલાક સમયે તો વાગડમાં આવતા આંચકા છેક ભુજ સુધી અનુભવાય છે. ધરતીના પેટાળમાં બે પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે ભૂકંપના આંચકા આવતા હોય છે.
ફોલ્ટ લાઈન્સમાં 8 જુદા-જુદા સંશોધન પ્રોજેક્ટ્સ હાથ ધરાયા
કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારો અને વાગડ ફોલ્ટ લાઈનમાં સૌથી વધુ ભૂકંપીય પ્રવૃત્તિ નોંધાય છે. યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. ગૌરવ ચૌહાણના જણાવ્યા મુજબ, ફોલ્ટ લાઈન્સમાં 8 જુદા-જુદા સંશોધન પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા હતા. આ અભ્યાસોએ પુષ્ટિ કરી કે, વાગડ ફોલ્ટ લાઈનમાં સૌથી વધુ ભૂકંપીય ગતિવિધિ થાય છે.
વાગડ વિસ્તાર કચ્છનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જ્યાં સાઉથ વાગડ ફોલ્ટ લાઈન અને કચ્છ મેઈન ફોલ્ટ લાઈનનો સંગમ થાય છે. આ બે ફોલ્ટ લાઈનોના મિલન સ્થળે આવેલા રાપર અને ભચાઉ જેવા વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાય છે.
કચ્છમાં આવતા આ આંચકાઓ ચિંતાનો વિષય છે કે નથી
કચ્છ જિલ્લામાં વાગડ ફોલ્ટ લાઈન ઉપરાંત અન્ય કેટલીક મહત્વપૂર્ણ ફોલ્ટ લાઈન્સ પણ આવેલી છે. આમાં નોર્થ કાઠિયાવાડ ફોલ્ટ લાઈન, સાઉથ વાગડ ફોલ્ટ લાઈન, કચ્છ મેઈન લાઈન ફોલ્ટ, હિલ ફોલ્ટ લાઈન અને આઈલેન્ડ મેન ફોલ્ટનો સમાવેશ થાય છે. આ તમામ ફોલ્ટ લાઈન્સની સક્રિયતાને કારણે વિસ્તારમાં નિયમિતપણે ભૂકંપના આંચકાઓ અનુભવાય છે. વૈજ્ઞાનિકોના મતે, કચ્છમાં આવતા આ આંચકાઓ ચિંતાનો વિષય નથી. પરંતુ, સાવચેતીના ભાગરૂપે સતત નિરીક્ષણ જરૂરી છે. નિયમિત મોનિટરિંગ અને વૈજ્ઞાનિક અભ્યાસોથી આ પ્રાકૃતિક ઘટનાને વધુ સારી રીતે સમજી શકાય છે અને જરૂરી સુરક્ષા પગલાં લઈ શકાય છે.
શું છે ભૂકંપ આવવાનું કારણ
જ્યારે ટેક્ટોનિક પ્લેટ્સની સ્થિતિમાં પરિવર્તન થાય છે. ધરતીના પેટાળમાં 12 ટેક્ટોનિક પ્લેટ્સ હોય છે. આ પ્લેટ્સ પરસ્પર ટકરાતા જે ઉર્જા નીકળે છે તેને જ ભૂકંપ કહેવાય છે. આ પ્લેટ્સ ખુબ ધીમી ગતિથી ફરતી રહે છે અને દર વર્ષે પોતાની જગ્યાએથી 4થી 5 મિમી સુધી સરકતી હોય છે. આવામાં કોઈ પ્લેટ કોઈથી દૂર થઈ જાય અથવા તો કોઈ કોઈની નીચે સરકી જાય. આ પ્રક્રિયા દરમિયાન પ્લેટ્સ અથડાવવાથી ભૂકંપ આવે છે.
શું 2001 જેવો ભવિષ્યમાં આવી શકે છે ભૂકંપ
આ સવાલ વારંવાર કચ્છના લોકોને ડરાવી રહ્યો છે.કારણ કે, દર મહિને કચ્છની ધરતી ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠે છે.અને લોકોને 2001ની યાદ આવી જાય છે. કારણ કે, 2001માં આવેલા ભૂકંપે મોટી સંખ્યામાં લોકોનો ભોગ લીધો હતો.. હજારો પરિવારોના માળા વિખેરાઈ ગયા હતા.. તેવામાં કેદ્ર સરકારના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ વિભાગ મારફતે સંશોધનો હાથ ધરાયા છે. જેમાં સામે આવ્યું છે કે, દર મહિને કચ્છમાં 3 થી 4 તીવ્રતાના આંચકા અનુભવાઈ રહ્યા છે.
કયા સ્કેલનો ભૂકંપ ખતરનાક
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.