રિક્ષા ચાલકને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો : બંને ભાઈઓ સામે હત્યાની કોશિશનો નોંધાતો ગુનો
શહેરમાં વાહન ચાલકો વચ્ચે નજીવા પ્રશ્ને મારા મારી થયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. માધાપર ચોકડી પાસે બે દિવસ પૂર્વે જ પેસેન્જર ભરવા મુદ્દે બે વાહન ચાલક વચ્ચે બઘડાતી બોલી હતી ઘટનાની તપાસ હજુ પૂરી થઈ નથી ત્યાં ગઈકાલે પેસેન્જર ભરવા મુદ્દે રીક્ષા ચાલક ઉપર હરિફ બંધુએ છરી પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે પોલીસે બંને ભાઈઓ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે પેસેન્જર ફરવા બાબતે રીક્ષાચાલક ઝાલાભાઈ ઉર્ફે બાબુ નવઘણ ભોરખીયા (ઉ.વ.27, રહે. રૈયાધાર પાણીના ટાંકા પાસે) ઉપર અન્ય બે રીક્ષાચાલક ગોપાલ ઉર્ફે ગેલો જહાભાઈ જોગરાણા અને તેના ભાઈ રામાએ છરી અને પાઇપ વડે ખૂની હુમલો કર્યો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ઝાલાભાઈએ જણાવ્યું છે કે માધાપર ચોકડી પાસેના સ્ટેન્ડે પેસેન્જરના વારામાં ઉભો હતો. સાથે અન્ય રીક્ષાચાલકો પણ હતા.
તેનો વારો આવતા પેસેન્જર ભરતો હતો તે વખતે બંને આરોપીઓ રીક્ષા લઇને ધસી આવ્યા હતા. આવીને કહ્યું કે તારાથી પેસેન્જર કેમ ભરાય. બાદમાં તેની રીક્ષા આડી નાખી બેફામ ગાળો ભાંડી હતી. તેણે ગાળો ભાંડવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ રામાએ તેને પકડી રાખ્યા બાદ ગોપાલે પેટના ભાગે છરીનો ઘા મારતા લોહીલુહાણ થઇ ગયો હતો.
આ પછી જમણા કાન અને ડાબી સાઇડના થાપાના ભાગે છરીના ઘા ઝીંકતા પડી ગયો હતો. તે સાથે રામાએ વાંસાના ભાગે પાઇપના ઘા ઝીંકી દીધા હતા. બૂમાબૂમ કરતાં અન્ય રીક્ષાચાલકોએ વચ્ચે પડી છોડાવ્યો હતો. જતા-જતા બંને આરોપીઓ આ જ તો જીવતો રહી ગયો છો, બીજી વખત મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ તેને સગરામભાઈ તેની રીક્ષામાં સિવિલે લઇ આવ્યા હતા. જ્યાં જઈ ગાંધીગ્રામ પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.