સ્વચ્છતા સર્વેક્ષણ-2022માં કોઇપણ ભોગે 1 થી 3 નંબરમાં સ્થાન મેળવવા કડક તાકીદ દેશનું છઠ્ઠા નંબરનું સ્વચ્છ શહેર રાજકોટ 11માં ક્રમે ધકેલાતા પ્રથમ નાગરિકનો પિત્તો છટક્યો
કેન્દ્ર સરકાર દ્વારા શનિવારે સ્વચ્છતા સર્વેક્ષણ-2021 પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં દેશના છઠ્ઠા નંબરનું શહેર એવું રાજકોટ 11માં ક્રમે ધકેલાતા મેયર ડો.પ્રદિપ ડવે પર્યાવરણ ઇજનેર નિલેશ પરમારની જોરદાર ઝાટકણી કાઢી નાખી હતી. આવતા વર્ષે સર્વેક્ષણમાં કોઇપણ ભોગે 1 થી 3 નંબરમાં સ્થાન મેળવવા કડક તાકીદ કરવામાં આવી હતી.કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2021 અંતર્ગત ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી સુધીમાં સર્વેશ્રણ હાથ ધરવામાં આવ્યું હતું.
જેના આધારે માર્ક્સ મુકવામાં આવ્યા હતા અને શનિવારે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાયેલી સ્વચ્છ અમૃત મહોત્સવમાં અલગ-અલગ શહેરોને સ્વચ્છતાના રેકિંગ આપવામાં આવ્યા હતા. અગાઉ દેશનું છઠ્ઠા નંબરનું શહેર રાજકોટ આ વખતે 11માં ક્રમે ધકેલાઇ ગયું છે. જેના કારણે નવી બોડીની કાર્યપ્રણાલી સામે થોડા પ્રશ્ર્નો પણ ઉભા થયાં છે.
દરમ્યાન આજે મેયર ડો.પ્રદિપ ડવે પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં જ પર્યાવરણ ઇજનેર નિલેશ પરમારનો ઉધડો લીધો હતો. કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં સ્વચ્છતા રેન્કિગમાં પાછળ ધકેલાઇ જવાનું કારણ પૂછ્યુ હતું ક્યાં ક્ષતિ રહી ગઇ અને શું ભૂલ થઇ તથા કંઇ કેટેગરીમાં માર્ક્સ અપાયા તેની પણ માહિતી આપવા જણાવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ-2022માં કોઇપણ ભોગે રાજકોટ દેશના સ્વચ્છ શહેરોમાં 1 થી 3 નંબરમાં આવે તે પ્રકારની કામગીરી કરવા માટે કડક તાકીદ કરવામાં આવી છે.
આ માટે જે પણ કંઇ કરવાનું થાય તે કરવાનું તેઓએ તૈયારી દર્શાવી હતી. જે કેટેગરીમાં ઓછા માર્ક્સ પ્રાપ્ત થયા છે ત્યાં વધુ ધ્યાન આપવા તાકીદ કરવામાં આવી છે. હવે જો સ્વચ્છતા રેકિંગમાં પાછળ ધકેલાશું તો આ કોઇ કાળે ચલાવી લેવામાં નહીં આવે તેવી પણ સ્પષ્ટ ચીમકી આપી દીધી છે.
બીજી તરફ મ્યુનિ. કમિશનર અમિત અરોરા પણ સ્વચ્છતા રેકિંગમાં રાજકોટનો ક્રમ 6માંથી 11એ પહોંચી જતાં થોડા ગંભીર બની ગયાં છે. કંઇ કેટેગરીમાં કેટલા માર્ક્સ આવ્યા અને આ માર્ક્સ ઓછા આવવાનું કારણ શું તેની વિગતવાર સમરી તૈયાર કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.