બધા સ્પા ખરાબ ધંધા કરે છે કે બધા સ્પા સારા છે?
સ્પામાં પારદર્શકતા ન હોવાના કારણે વાતાવરણ બગડયું
કયાંક પોલીસની મીલી ભગતની ચર્ચાથી ચકચાર
શહેરમાં બીલાડીની ટોપની જેમ ફુટી નીકળેલા સ્પા પર પોલીસે દરોડા પાડતા સ્પા સંચાલકો, તેમાં કામ કરતી વિદેશી યુવતી અને મસાજ કરાવવા આવેલા ગ્રાહકોમાં દોડધામ થઇ ગઇ છે. એક સાથે ૪૦ સ્થળે દરોડા પોલીસે દરોડા પાડી ૧૨ સંચાલકો સામે જ કાર્યવાહી કરતા સ્થાપના વ્યવસાયની સાથે પોલીસની કાર્યવાહી પણ શંકાસ્પદ બની છે.
નવનિયુકત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સ્પા પાર્લર પર દરોડા પાડી કડક કાર્યવાહી કરવા કરેલા આદેશના પગલે શહેરભરના પોલીસ સ્ટાફે ઠેર ઠેર દરોડા પાડી ૪૦ સ્થળે ચેકીંગ કાર્યવાહી કરી હતી તે પૈકી ૧૨ સ્પામાંથી ૪૫ વિદેશી યુવતીઓને વિઝા ભંગ કરતી મળી આવી હતી.
રાજકોટમાં જ નહી સમગ્ર રાજયમાં સ્પાનો વ્યવસાય થઇ રહ્યો છે. ત્યારે માત્ર રાજકોટમાં જ કેમ સ્પા પર દરોડા પડયા છે ત્યારે રાજકોટમાં ચાલતા સ્પામાં ખરાબ ધંધા થાય છે તેવો સવાલ થઇ રહ્યો છે. બધા સ્પામાં હ્યુમન ટ્રાફિકીંગનો પ્રશ્ન છે તો તેઓને સ્પા ચલાવવાનું લાયસન્સ કોણે આપ્યું તે અંગે પણ તપાસ થવી જરૂરી છે.
સ્પામાં પારદર્શકતા ન હોવાના કારણે બધા સ્પામાં ખરાબ ધંધા ચાલે છે કે બધા સ્પા પાર્લર નિયમ અનુસાર ચાલે છે અને સારા છે તે કહેવું મુશ્કેલ છે. તેમ પોલીસના દરોડાની કાર્યવાહી પણ અનેક શંકા સાથે ચર્ચાસ્પદ બની છે.
રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી ઠેર ઠેર સ્પા ધમધમી રહ્યા છે અને તેમાં વિદેશી યુવતીઓ થેરાપીડ તરીકે કામ કરતી હોવાનું જગજાહેર છે ત્યારે પોલીસના ધ્યાન પર હવે કેમ આવ્યું કે વિદેશી યુવતીઓ ટૂરિસ્ટ વિઝા પર આવી સ્પામાં નોકરી કરી રહી છે. પોલીસ કમિશનરના આદેશના પગલે પોલીસ સ્ટાફે દરોડાની કાર્યવાહી કરી પણ તે પારદર્શક ન હોવાની ચર્ચા થઇ રહી છે.
શહેરના ૪૦ સ્થળે દરોડા પાડવા માટે પોલીસની ૪૦ ટીમ બનાવી દરેક ટીમમાં એક પીએસઆઇ, બે કોન્સ્ટેબલ અને એક મહિલા કોન્સ્ટેબલની ગોઠવણ કરી તમામ ટીમ પર આઠ પીઆઇનું સુપર વિઝન કરવાની કામગીરી સોપવામાં આવી હતી.
૮ પીઆઇ, ૨૩ પીએસઆઇ, ૭૦ એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ, ૩૮ મહિલા પોલીસ સ્ટાફે ૪૦ સ્થળે દરોડા પાડતા સ્પા સંચાલકોમાં ફફડાટ મચી ગયો હતો. સ્પામાં કામ કરતી ૪૫ વિદેશી યુવતીઓની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓ ટૂરિસ્ટ વિઝા પર આવી હોવાનું બહાર આવ્યું છે. ટુરિસ્ટ વિઝા પર આવેલી યુવતીઓ વિઝાના નિયમનો ભંગ કરતી હોવાનું સ્પા સંચાલકો જાણતા હોવા છતાં તેઓને કામે રાખવા અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્પામાં વર્ષોથી કામ કરતી વિદેશી યુવતીઓ વિઝા નિયમનો ભંગ કર્યો તે પોલીસના ધ્યાને હવે છેક કેમ આવ્યું અને આજ સુધી કેમ કાર્યવાહી ન કરી તેવો સવાલ થઇ રહ્યો છે.
સ્પા માટે લાયસન્સ ઇસ્યુ કરવાના શું નિયમ છે તે અંગે પોલીસને પણ પુરી જાણકારી ન હોવાથી વિઝા નિયમના ભંગની કાર્યવાહી કરી સંતોષ માન્યો છે. સ્પામાં મસાજ કરના સ્થળ પારદર્શક હોય તો તેમાં ખરાબ ધંધા ચાલતા હોવાની કોઇ શંકા જ ન રહે અને સ્પા માટે જરૂરી નિયમ બનાવવામાં આવે તો હ્યુમન ટ્રાફિકીંગનો પ્રશ્ર્ન જ ન રહે તેવું જાણકારો કહી રહ્યા છે.