લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો બીજો ટેસ્ટ મેચ રમાઈ રહ્યો છે. આ મેચ દરમિયાન મેદાનમાં કંઈક અલગ જ વાતાવરણ જોવા મળ્યું હતું. સમગ્ર લોર્ડ્સ મેદાનમાં લાલ રંગ નજરે પડી રહ્યો હતો . ખેલાડીઓની ટોપીથી લઈને સ્ટાફ અને કોમેન્ટેટરોના પોશાકો સુધી, બધું લાલ રંગ પહેરેલો હતો.
13 ઓગસ્ટ શુક્રવારે લોર્ડ્સમાં ‘રેડ ફોર રૂથ’ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન અને કેપ્ટન એન્ડ્રુ સ્ટ્રોસે તમામ ફેન્સને લાલ ડ્રેસમાં મેચ જોવા આવાવની વિનંતી કરી હતી. જેથી તેની પત્નીના નામ પરથી રુથ ફાઉન્ડેશનનો પ્રચાર થઈ શકે અને તે પોતાના ફાઉન્ડેશન માટે મહત્તમ મદદ એકત્રિત કરી શકે.
‘રૂથ ફાઉન્ડેશન’ એવા બાળકોને મદદ કરે છે જેમના માતા-પિતા નોન-સ્મોકીંગ ફેફસાના કેન્સરને કારણે મૃત્યુ પામ્યા છે.એન્ડ્રુ સ્ટ્રોસની પત્ની રૂથનું પણ આવા જ કેન્સરથી મૃત્યુ થયું હતું.
ઇંગ્લેન્ડમાં, દર વર્ષે 18 વર્ષથી ઓછી વયના આશરે 41,000 બાળકો તેમના માતાપિતાની છત્રછાંયા ગુમાવે છે. એન્ડ્રુ સ્ટ્રોસ કહે છે કે આ ફાઉન્ડેશન તે બાળકો અને પરિવારોને મદદ કરશે. સાથે જ તેમનું માનવું છે કે ટેસ્ટ મેચમાં આ રીતે ફાઉન્ડેશનનો પ્રચાર કરવાથી તેના ફાઉન્ડેશનને ઘણી મદદ મળી રહેશે. મેચ દરમિયાન કરવામાં આવેલા આ પ્રમોશનથી વધુને વધુ લોકો આ ફાઉન્ડેશન વિશે જાણશે. આ સાથે, નોન સ્મોકીંગ લંગ કેન્સર વિશે પણ જાગૃતતા વધશે. અગાઉ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રાએ પણ આવું પગલું ભર્યું હતું. સ્તન કેન્સરથી પત્નીના મૃત્યુ બાદ તેણે જેન મેકગ્રા ફાઉન્ડેશન પણ શરૂ કર્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ટેસ્ટ સિરીઝ દરમિયાન તે ફાઉન્ડેશનનો પણ એ જ રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો. તે દરમિયાન, ખેલાડીઓ તેમના હાથ પર ગુલાબી બેન્ડ પહેરેલા અને મેચ જોવા આવનાર લોકો ગુલાબી પોશાકમાં જોવા મળે છે.