કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય કે કુદરતી આફત હોય હોમગાર્ડની સેવા મહત્વની

મામુલી વેતન અનિયમિત મળવાના કારણે હોમગાર્ડમાં જોડાવામાં યુવાનો બન્યા ઉદાસીન

જીવના જોખમે અને પરિવારની પરવા કર્યા વગર પોલીસ સાથે ખંભે ખંભા મિલાવીને કામગીરી કરતા હોમગાર્ડની લાચારીનો અંત કયારે ?

કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસમાં જેટલી ભૂમિકા મહત્વની છે એટલી જ હોમગાર્ડ જવાનોની મહત્વની રહે છે. કુદરતી આફતો હોય કે કફર્યું ગ્રસ્ત વિસ્તારમાં જીવના જોખમે મામુલી વેતન સાથે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને ત્રણ કે ચાર માસ લાબા સમય બાદ માનદ વેતન ચૂકવાતુ હોય હોમગાર્ડ પોતાના પરિવાર માટે ગૃહ રક્ષક બનવામાં ન છૂટકે નિષ્ફળ રહેવું પડે છે.

કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં પોલીસ સાથે ખંભેખંભો મિલાવી અને નાગરીકોને અને કાયદો અને વ્યવસ્થામાં મદદરૂપ થાય તેમ હોમગાર્ડ જવાનો ઘરના રક્ષક તરીકે ખારા અર્થમા ફરજ બજાવી રહ્યા છે.

જીવના જોખમે અને પરિવારજનોની પરવા કર્યા વગર તોફાન, યુધ્ધ જેવી સ્થિતિ હોય કે કુદરતી પ્રકોપ કે કોરોના જેવી વિપતી હોય હોમગાર્ડ જવનો માનદ વેતનથી દેશ ભાવના સાથે સેવા આપી રહ્યા છે. તેમ છતા સેવાના ભેખધારી સમાજ હોમગાર્ડ જવાનો સાથે ઓરમાર્યું વર્તન દાખવવામાં આવી રહ્યું છે.

મુંબઈ રાજય વેળાએ વર્ષ ૧૯૪૭માં ગૃહરક્ષક દળની સ્થાપના કરવામાં આવી હતી આ દળનો મુખ્ય ઉદેશ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં મદદરૂપ થવાનો આશ્રય હતો.મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજયની સ્થાપના સમયે ગૃહરક્ષક દળની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જવાનો સાથે ખંભે ખંભા મિલાવી હોમગાર્ડ કામ કરે છે.

બી.એસ.એફ. અને લશ્કરનાં જવાનો સાથે ફરજ બજાવતા હોમગાર્ડના જવાનો ૪૫ દિવસની બેઝીક તાલીમ, ૩૫ દિવસ રીફ્રેશર તાલીમ, ૪૫ દિવસ એડવાન્સ તાલીમ અને કલેકટીવ તાલીમ આપવામાં આવે છે.

હોમગાર્ડઝ જવાનો દ્વારા તંગદીલીના સમય સરહદના ગામડાઓને સ્થાનિક સુરક્ષામાં સંદેશા વ્યવહારની જાળવણીમાં અને સંવેદનશીલ એરિયામાં સુરક્ષા જવાનોક સાથે કામગીરી કરે છે.

પાકિસ્તાન સાથે યુધ્ધ અને પાકિસ્તાનની પોલીસીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની જમીનની સરહદ સુદ્દઢ કરવાના હેતુથી ૧૯૭૯માં કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં હોમગાર્ડની બે બટાલીયન ઉભી કરવા નિર્ણય લેવાયો હતો. ૧૯૯૭માં દરિયાઈ પટ્ટીની સુરક્ષાને અંતર્ગત વધુ બે બટાલીયન ઉભી કરવામાં આવી હતી આ બટાલીયન દ્વારા લશ્કરના નિ:સ્વાર્થભાવે કામ કરવામાં આવે છે.

માનદદળ દ્વારા રકતદાન, પ્રૌઢશિક્ષણ અને વૃક્ષારોપણ જેવી સામાજીક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે.

રાજકોટ શહેર કુદકેને ભુસકે વધી રહ્યું છે. ત્યારે પોલીસનું સંખ્યાબળ ઓછુ હોવાથી શહેર પોલીસની સાથે લોકોની જાનમાલનું રક્ષણ કરવા હોમગાર્ડની મદદ લેવામાં આવી રહી છે.

હોમગાર્ડમાં પુરૂષોની સાથે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

હોમગાર્ડ જવાનો મામુલી વેતનમાં પોલીસ જવાનો સાથે પોતાની ફરજ અદા કરે છે. છતા સરકાર દ્વારા હોમગાર્ડ જવાનો સાથે ઓરમાર્યું વર્તન દાખવવામાં આવે છે.

હોમગાર્ડ જવાનોને મહિનામાં ૨૭ દિવસ કામગીરી કરાવવામાં આવે છે. હોમગાર્ડ જવાનોને રૂા.૩૦૪ માનદ વેદન આપવામાં આવે છે.

હોમગાર્ડના જવાનોને હાલ નિવૃત વય મર્યાદા ૫૫ વર્ષ છે. જયારે પોલીસ કર્મચારીઓને નિવૃત ૫૮ વર્ષ છે. સસ્પેન્ડ પોલીસ કર્મચારીઓને પૂન: નોકરીમાં લેવામાં આવી રહ્યા છે ત્યારે હોમગાર્ડના જવાનોને સસ્પેન્ડ કરાયા બાદ પૂન:નોકરી પર લેવામાં આવતા ન હોવાથી અન્યાય થઈ રહ્યો છે.

રાજકોટ શહેર-જિલ્લામાં હોમગાર્ડના કમાન્ડરની છેલ્લા ૧૨ વર્ષથી ભરતી કરવામાં આવી નથી અને ઈન્ચાર્જથી ચાલે છે.

હાલ કોરોનાની મહામારીને ડામવા લોકડાઉનમાં આરોગ્યની ચિંતા કર્યા વગર અને પરિવારની પરવા કર્યા વગર પોલીસની સાથે ખંભેખંભા મિલાવી ૪૨૨ હોમગાર્ડ જવાનો મામુલી રકમમાં જાનની જોખમે ફરજ બજાવે છે.અન્ય રાજયની સરખામણીએ અને મોંઘવારીના સમયમાં ગુજરાતમાં હોમગાર્ડ જવાનોને માનદ વેતનનો દર ઘણો નીચો છે. દિલ્હી સરકાર દ્વારા માસીક રૂા.૧૫૦૦૦ના ફિકસ પગાર ચૂકવવામાં આવે છે.હોમગાર્ડ જવાનોની રાજયમાં જગ્યા ખાલી હોવા છતાં લાંબા સમયથી ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે. હોમગાર્ડ જવાનોની કાયમી અછત વચ્ચે ગમે તેવી કપરી પરિસ્થિતિ જેવી કે કફર્યું, કુદરતી આફત કે કોરોના જેવી મહામ રીમાં નિષ્ઠા પૂર્વક ફરજ બજાવે છે.

સરકાર દ્વારા હોમગાર્ડ જવાનોની ભરતી પ્રક્રિયા કરી અને મોંઘવારીના પ્રમાણમાં પગાર વધારો કરવો જોઈએ.

હોમગાર્ડની ટ્રાફીક વ્યવસ્થામાં મદદ લેવાત હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટ્રાફીક બ્રિગેડનો વિકલ્પ મળ્યો છે. અને અનિયમિત વેતન મળતું હોવાથી યુવાનો હોમગાર્ડમાં જોડાવામાં ઉદાશીન બન્યા છે. ટ્રાફીક બિગ્રેડને દરરોજનું વેતન ૩૦૦ અને હોમગાર્ડનું વેતન ૩૦૪ આપવામાં આવે છે. ટ્રાફીક બ્રિગ્રેડને વેતન સમયસર મળી જાય છે. ત્યારે હોમગાર્ડને પોતાનું મહેનતાણુ મેળવવામા લાંબો સમય સુધી રાહ જોવી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.