અંગ્રેજોએ રાજકોટમાં કોઠી સ્થાપી: ગાંધીજીએ આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો
આઝાદી ચળવળ સાથે સંલગ્ન ઐતિહાસિક સ્થળો અને ઘટનાઓનો ચિતાર
સૌરાષ્ટ્રમાં એ સમય અંધાધૂંધીનો હતો, સૌરાષ્ટ્રમાં જ 222 રજવાડા હતા, જે જુનાગઢ, ભાવનગર, જામનગર, ધ્રાંગધ્રા જેવા મોટા રજવાડાઓ ઘણા નાના રજવાડાઓ, ઠકરાતો, તાલુકદારો કે ગામધણીમાં વહેચાયેલા હતા. રાજવીઓ અને બ્રિટિશ સરકાર વચ્ચે તત્કાલીન મોરબીનાં ઘૂટું ગામે વોકર કરાર થતાં, સૌરાષ્ટ્રમાં શાંતિ પ્રવર્તી, શાંતિતીના સમયમાં શાળાઓ સ્થપાઈ, જ્ઞાનવર્ધક મંડળીઓ, સામાજિક સંસ્થાઓ સ્થપાઈ, આથી લોક જાગૃતિ આવી અને લોકો સત્યાગ્રહ, આંદોલનો તરફ આગળ વધ્યા. આમ સૌરાષ્ટ્રની રાજધાની ગણાતું રાજકોટ અને રાજકોટમાં આઝાદિની લડતને લગતો ઘટનાક્રમ વિલીનીકરણ પર્યંત આગળ વધ્યો.
સૌરાષ્ટ્રમાં સત્યાગ્રહથી પ્રજાનો પ્રથમ વિજય
મુંબઈના ગવર્નર સર જ્યોર્જ લોઈડ કાઠિયાવાડની મુલાકાતે ઇ.સ. 1922માં આવવાના હતા ત્યારે રાજાઓએ તેમની આગતા સ્વાગત માટે રાજકોટ રાજ્યના સરધારના તળાવમાં બતકોના શિકાર માટેનું આયોજન કર્યું પણ રાજ્કોટ રાજ્યમાં જૈનો અને વૈષ્ણવો જેવા બિન માંસાહારી લોકોએ આ શિકાર પાર્ટીનો ખૂબ જ વિરોધ નોધાવ્યો કે રાજ્યમાં શિકાર પ્રતિબંધક ધારો અમલમાં છે. છતાં બ્રિટીશરોને ખુશ કરવા આ પાર્ટીનું શા માટે આયોજન થાય છે? તે ન થાય માટે મનસુખલાલ મહેતાએ ગવર્નરને બે તાર કર્યા, પણ કઈ જવાબ ન આવ્યો. આથી લોકોએ નક્કી કર્યું કે તો આપડે શિકારના દિવસે હજારો લોકો તેની વિરુદ્ધ દેખાવો કરવો આટલું થતા, પોલીટીકલ એજન્ટ ઉકળી ઉઠયોને કેટલાક ચળવળકારો ને જેલમાં પૂર્યા હદપાર કર્યા. જેના ખૂબ ઘેર પ્રત્યાઘાત પડ્યાને સત્યાગ્રહ ઉગ્ર બન્યો, રતિલાલ મયાશંકર રાવલની નેતાગીરી હેઠળ સત્યાગ્રહ વધુ આગળ વધ્યો આ બધું અખબારોમાં બહુ ચર્ચાતા શાણા ગવર્નરે જ પરિસ્થિતિ પારખીને કાઠિયાવાડની મુલાકાત જ રદ કરી નાંખી. આ રીતે પ્રજાનો બ્રિટીશ સતા સામે પ્રથમ વિજય થયો અને તેની બહુ મોટી અસર થઇ કે આપડે પણ બ્રિટીશરોને હરાવી શકીએ ને આપણું મન ધાર્યું કરાવી શકીએ છીએ.
વોકર કરાર અને સૌરાષ્ટ્રમાં શાંતિ
સૌરાષ્ટ્રના રાજવીઓએ અંગ્રેજોને દરમિયાનગીરી કરવા વિનંતી કરી. આમ સૌરાષ્ટ્રમાં ઇ.સ. 1807-08માં દેશી રજવાડા અને બ્રિટિશ સરકાર વચ્ચે મોરબી પાસેના ઘૂટું ગામે કર્નલ વોકરની અધ્યક્ષતામાં જે કરાર થયો એ વોકર કરારના નામે ઓળખાય છે. અને કરારના પરિણામે સૌરાષ્ટ્રમાં વોકર સેટલમેન્ટ એક્ટ અમલમાં આવ્યો. સૌરાષ્ટ્રના દેશી રાજ્યોની સીમાઓનું નિર્ધારણ થયું, અને સીમાડે બાણ ખોડયા(બાઉંટ્રી માર્કિંગ થયું). આથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં શાંતિ અને સલામતી સ્થપાઈ હતી. અને હવે ઝઘડાઓ ધિંગાણાં બંધ થઇ ગયા. જેની તલવાર એનું રાજની જગ્યાએ કાયદાનું શાસન આવી ગયું. અત્યાર સુધી વારંવાર મુલકગીરી ઉઘરાવવા ધાડેધાડા ઉતરી આવતા અને આ પ્રદેશને નુકશાન કરી ચાલ્યા જતા હતા, હવે એ બંધ થયું, અને શાંતિનો કાળ આવતા લોકોએ રાહતનો દમ લીધો અને શિક્ષણ લઇ જાગૃત થયા.
રાજકોટમાં સૌરાષ્ટ્ર પોલિટિકલ જનરલની કોઠી
સૌરાષ્ટ્રમાં વોકર કરાર થતા ઇ.સ. 1820-22માં રાજકોટ મુકામે બ્રિટીશ કોઠીની સ્થાપના કરવામાં આવી અને પોલીટીકલ એજન્સી કાર્યરત થઇ ગઈ. અને તેણે સૌરાષ્ટ્રમાં શાંતિ અને સલામતી માટે કેટલાક પગલાઓ ભર્યા અને ઇ.સ. 1863માં કર્નલ કિટીગ્જે દેશી રજવાડાના 1 થી 7 વર્ગો નક્કી કરી આપી.
તેમની દીવાની અને ફોજદારી સતાઓ પણ નક્કી કરી આપી. રાજાઓના ઝઘડા માટે સ્થાનિક કોર્ટની સ્થાપના કરી દેતા હવે નાના મોટા રજવાડાના ઝઘડા પર અંકુશ મુકાયા, સારું વાતાવરણ સર્જાતા લોકોએ આથી વધુ આગળનું વિચારી શાળાઓ સ્થાપી, શિક્ષિત થયા પોતાના અધિકારો બાબતે જાગૃત થઈ સ્વાતંત્ર્ય ચળવળ શરુ કરી. પોલિટિકલ જનરલનું થાણું હાલનાં કોઠી કંપાઉન્ડમાં હતું.
આલ્ફ્રેડ હાઈસ્કૂલ: મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ
આ હાઇસ્કૂલના અત્યારે હેરિટેજ મકાનનું બાંધકામ જૂનાગઢનાં નવાબ મોહોમ્મદ બહાદુર ખાનજી દ્વારા અને એ સમયના પોલોટિકલ એજન્ટ કર્નલ સિંઘના માર્ગદર્શનમાં રાજકોટને ભેટ સ્વરૂપે કરવામાં આવ્યું હતું. કોલોનીયલ શૈલીના આ બિલ્ડિંગમાં ઇ.સ.1868માં સૌરાષ્ટ્રની પહેલી અંગ્રેજી સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. અને તેનું પ્રથમ નામ રાજકોટ ઇંગ્લિશ સ્કૂલ રાખ્યું હતું. ત્યારબાદ ઇ.સ.1907માં એક સ્મારક તરીકે તેને પ્રિન્સ આલ્ફ્રેડ, ડ્યુક ઑ એડિનબર્ગ. નામ આપવામાં આવ્યું, ત્યારથી તેની અલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકેની ઓળખ હતી. મોહનદાસ ગાંધી એક વિધ્યાર્થી તરીકે ઇ.સ.1880 થી 1887 દરમિયાન અહી ભણ્યા અને મેટ્રિક થયાં હતા. અહીથી જ તેઓ ભાવનગરની શામળદાસ કોલેજમાં ઉચ્ચઆભાસ અર્થે ગયા હતાં.
આ શાળાને ઇ.સ. 2018થી મહાત્મા ગાંધી મ્યુઝિયમ ફેરવેલી છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં પ્રજા પ્રતિનિધિત્વ રાજકીય જાગૃતિ હેતુ, ઇ.સ. 1917માં રાજકોટની અલ્ફ્રેડ હાઇસ્કૂલના મકાન ખાતે કલ્યાણરાય બક્ષીનાં વડપણ હેઠળ મળેલી એક સભામાં કાઠીયાવાડ રાજકીય પરિષદની સ્થાપના કરવામાં આવી. રાજકોટના કોઠી કમ્પાઉન્ડ ખાતે બ્રિટિશ એજન્સી બિરાજેલી હોવા છતાં અંગ્રેજોનો વિરોધ હોવા છતાં, બ્રિટિશરોની ફરવા કર્યા વગર રાજકોટના નીડર, બાહોશ અને પ્રજાવત્સલ રાજવી નામદાર ઠાકોર સાહેબ લાખાજીરાજે ઇ.સ. 1921ની સાલમાં કાઠીયાવાડ રાજકીય પરિષદનું પ્રથમ અધિવેશન ભરાવવા દેવાની મંજૂરી આપી હતી. કાઠીયાવાડ રાજકીય પરિષદનું બીજું અધિવેશન નવાનગર અને ત્રીજું અધિવેશન તારીખ : 8-9 જાન્યુઆરી 1925ના રોજ ભાવનગર મહાત્મા ગાંધીજીની અધ્યક્ષતામાં યોજાયુ હતું. તેમાં ભગલેવા જતાં પહેલા ઇ.સ. 1925માં રાજકોટની ટૂંકી મુલાકાત માટે આવેલા અને એ દરમિયાન તેમણે રાજકોટમાં રાષ્ટ્રીય શાળાની પ્રવુત્તિઓનો પ્રારંભ કરાવ્યો હતો. જે ગ્રામોદ્યોગની પ્રવુત્તિનું મહાત્વનું કેન્દ્ર બન્યું હતું.
સાથે જ રાજકોટના પ્રજાવત્સલ રાજવી લાખજીરાજબાપુ દ્વારા ઇ.સ. 1923 સ્થાપિત પહેલી પ્રતિનિધિ સભા અને એના દ્વારા લોકભિમુખ વહીવટ અને રાજકોટનો પ્રજાહિતમાં ઔધોગિક વિકાસ જોઈ ગાંધીજી તેમનાથી પ્રભાવિત થયા હતા. અને રાજપરિવારના સભ્યની જેમ રાજકોટ રાજભવનમાં આવ્યા હતા. ભાવનગર ખાતે યોજાયેલ કાઠીયાવાડ રાજકીય પરિષદના અધિવેષનમાં રાજકોટના પ્રજાવત્સલ રાજવી નામદાર ઠાકોર લાખાજીરાજને તેમના પ્રજાતંત્રાત્મક કલ્યાણકરી પ્રવુત્તિઓ બદલ માનપત્ર આપી તેમનું સમ્માન કરાયું હતું. સત્યાગ્રહી આંદોલનકારીઓ દ્વારા યોજાયેલ પ્રજાકીય, રાજકીય અધિવેશનમાં કોઈ દેશી રાજ્યના રાજવીને માનપત્રઆપી સમ્માન કરાય એ એક વિશિષ્ટ ઉપક્રમ હતો. કાઠીયાવાડ રાજકીય પરિષદનું ચોથું અધિવેષન પોરબંદર ખાતે યોજાયું હતું જેમાં પોરબંદરના રાણા સાહેબ નટવરસિહજી એ અંગ્રેજોએ વિરુદ્ધ જઈ અધિવેશન ભરાવાદેવાની પરવાનગી આપી હતી.
રાજકોટ સત્યાગ્રહ, (ઇ.સ.1938-39)
(રાજકોટનાં સત્યાગ્રહમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલે પ્રત્યક્ષ આગેવાની લીધી હતી પરનું આ પહલો એવો સત્યાગ્રહ હતો કે એમાં ગાંધીજી અને સરદાર હાર્યા હતા.) રાજકોટ રાજ્યમાં લાખાજીરાજના અવસાન પછી દીવા પાછળ અંધારું એવા ધર્મેન્દ્રસિંહજી ગાદીએ આવ્યા, તેઓ વધુ પડતા એશોઆરામી અને રાજ્યતંત્રમાં બહુ ધ્યાન નહિ આપનાર હતા. રાજ્યની પૂરી લગામ દીવાન દરબાર વીરાવાળાના હાથમાં જ હતી. ધર્મેન્દ્રસિંહજીના મોજશોખ અને કુવહીવટથી રાજ્યની તિજોરીનું તળિયું દેખાય ગયું હતું. આ સમયે રાજ્યે આવક વધારવા દીવાસળી, ખાંડ,બરફ, સિનેમા વગેરેના ઇજારા આપ્યા. રાજકોટમાં કાર્નિવલ કંપનીને જુગાર રમાડવાનો પરવાનો અપાયો, ત્યારે લોકોએ તેનો વિરોધ કર્યો, સાંગણવા ચોકમાં સભાઓ ભરી અને સત્યાગ્રહ ચાલુ કર્યો.
ઢેબરભાઈ અને જેઠાલાલ જોશી તેના શરૂઆતના નેતા હતા. લોકોએ બાકસના કાયદાને તોડ્યો, આ સત્યાગ્રહમાં રાજ્યે 1000 જેટલા લોકોને પકડીને સરધારના જંગલમાં છોડી દેવાયા, સભા સ્થળે લોકો પર ઘોડા દોડાવવામાં આવ્યા કેટલાકને ઢસડવામાં આવ્યા. ફુલછાબના પ્રથમ પાને આ સત્યાગ્રહની ટીકા કરતા રસપ્રદ કાર્ટુનો છપાયા. આ સત્યાગ્રહમાં રાજ્યની પોલીસે ગુંદાના સવદાસભાઈને નિર્દયતાથી માર મારતા તેનું અવસાન થયું અને આ સત્યાગ્રહના પ્રથમ શહીદ થયા. આ પછી તો વીરાવાળા વધુને વધુ ઉશ્કેરાયેલા રહ્યા હતા. ઠાકોર સાહેબે સમાધાન કર્યું પણ એ સમાધાન વીરાવાળાએ ફોક કરાવ્યું, આવા અનેક કાવાદાવા રાજકોટ સત્યાગ્રહમાં થયા. આ બાબતે સર મોરીસ ગ્વાયરે ચુકાદો આપ્યો તે ગાંધીજીએ ફેકી દીધો.
ગાંધીજી રાજકોટ આવી રાષ્ટ્રીયશાળામાં ઉપવાસ આદર્યા ત્યારે પણ વીરાવાળાએ ઉપવાસ તોડાવવા કે સત્યાગ્રહ પૂર્ણ કરવા માટે કેટલાક પ્રયત્ન કર્યા. પરતું ગાંધીજી સૌરાષ્ટ્રની મુત્સદીગીરી સામે હારી ગયા અને વીરાવાળાના હ્રદય પલટો કરાવવામાં અહિંસા ન ફળી અને નિરાશા જ સાપડી. ગાંધીજીના ભગીરથ પ્રયત્નો પછી પણ વીરાવાળાએ જરા પણ મચક ન દીધી. આખરે ગાંધીજીએ નિરાસ હ્રદયે ઉપવાસ છોડી દીધા અને કહ્યું કે મને અને સરદારને ભૂલી જાવ હું હાર્યો છું પણ તમે જીતજો. આ રીતે રાજકોટ સત્યાગ્રહ નિષ્ફળ નીવડ્યો ગણાય, પરંતુ તેનો પ્રચાર અને પ્રસાર સમગ્ર ભારતમાં થયો હતો અને પ્રજા જાગૃતિમાં સંગઠનમાં અને સહન કરવામાં લોકો ખૂબ જ આગળ પડતા થઇ ગયા હતા તે આ સત્યાગ્રહની અગત્યતા છે ને ગાંધીજી અને સરદાર પટેલ સીધી રીતે આ સત્યાગ્રહની સાથે જોડાયેલા હતા.
ગાંધીજી દ્વારા પત્રકારોને નિવેદન
રાજકોટથી ઊપડી 24 એપ્રિલના રોજ મુંબઈ તરફ જતા છાપાજોગું નિવેદન આપતાં ગાંધીજીએ કહ્યું હતું કે, રાજકોટે મારી જુવાની હરી લીધી છે. ઘડપણ મેં કદી જાણ્યું નહોતું આજે હું અપંગ અખ્ખમ છું એનું મને ભાન થયું છે. નિરાશા શી ચીજ છે એની મને કદી ઓળખ નહોતી. આજે રાજકોટમાં આશાની ટાઢી ઠારીને હું નીકળ્યો છું. મારી અહિંસાની આવી કસોટી અગાઉ કદી થયેલી મેં નથી જાણી.
હિંદના વડા ન્યાયાધીશના ચુકાદા મુજબ કમિટી નીમવાના પ્રયાસ પાછળ મેં કીમતી પંદર દિવસ ગાળ્યા. પણ એ કમિટીથી હું હજુ જેટલો ને તેટલો જ દૂર છું. મારા માર્ગમાં ન કલ્પેલા અંતરાયો નડ્યા છે. આખા દેશે વડા ન્યાયાધીશના ચુકાદાને સરદારના સંપૂર્ણ વિજય તરીકે નવાજ્યો, પણ એ જ ચુકાદાને મેં મુસ્લિમો અને ભાયાતો પ્રત્યે કરેલા વિનયની રૂએ મારા પર વચનભંગનો આરોપ મૂકવામાં સચોટપણે મારી વિરુદ્ધ વાપરવામાં આવ્યો છે! ઠાકોર સાહેબે આપેલું વચન હું દિલ્હીથી પાછો ફર્યો ત્યારથી મારે માથે ઢોળવામાં આવ્યું છે.
કસ્તુરબા ધામ ત્રંબા
રાજકોટ સત્યાગ્રહ દરમિયાન રાજકોટમાં ચાલતા આ જુલમની વાત કસ્તૂરબા સુધી પહોંચી. તેમનાથી ના રહેવાયું. તેમણે ગાંધીજીને વાત કરી. ગાંધીજીએ કહ્યું, વલ્લભભાઈ હા પાડે તો જાઓ. વલ્લભભાઈએ પહેલાં ના, પછી ઇચ્છા હો તો ભલે જાઓ પણ સાથે મણિબહેનને લઈ જાઓ, એમ કહ્યું. કસ્તૂરબા અને મણિબહેન પહોંચ્યાં તો ઍજન્સીની હદ ને રાજકોટ રાજ્યની હદ વગેરે બહાના હેઠળ એમની પણ ધરપકડ કરાઈ. બંનેને પકડીને રાજકોટ નજીકના સણોસરા ગામે, જે દરબારી ઉતારો કહેવાતો એવું એક જૂનું, નાનું, અવાવરું મકાન હતું ત્યાં નજરકેદ કરાયાં. થોડા દિવસ પછી મણિબહેનને કસ્તૂરબાથી અલગ કરાયાં. એટલે એમણે ખાવાનું છોડ્યું.
બાની તબિયત જોતાં તેમને અથવા કોઈ જાણીતી વ્યક્તિને બા સાથે રહેવા દેવા કહ્યું. આખરે બે દિવસ પછી રાજકોટથી દસેક માઇલ દૂર એવા ત્રંબાના ગેસ્ટહાઉસમાં બંનેને સાથે રખાયાં. આ સાથે આગલા દિવસે ધરપકડ કરીને લવાયેલાં મૃદુલાબહેન સારાભાઈને પણ રાખ્યાં. આમ કસ્તુરબા મણિબહેન અને મૃદુલા બહેનને રાજકોટ સત્યાગ્રહ દરમિયાન ત્રંબા ગેસથૌસમાં રખાયા હતા એ આજે કસ્તુરબાધામ તરીકે ઓળખાય છે. જ્યાં ગાંધીજી કસ્તુરબાને મળવા આવ્યા હતા.
ગાંધીજી અને રાજકોટ
(મહાત્મા ગાંધીજીનું રહેઠાણ અને શિક્ષણ રાજકોટમાં): ક.બા. ગાંધી એટલે મહાત્માજીના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી (ઇ.સ. 1822 થી 1885). તેઓ સૌપ્રથમ પોરબંદરના દીવાન તરીક નિમાયા હતા, ત્યારબાદ તેમણે પોરબંદર, રાજકોટ અને વાંકાનેરના દીવાન તરીકે 1822 થી 1885 દરમિયાન ફરજો નિભાવી હતી. એમાં રાજકોટ ખાતે તેમણે ઇ.સ.1876 થી 1885 દરમિયાન ઠાકોર સાહેબ બાવાજીરાજ અને લખાજીરાજના કાર્યકાળમાં રાજકોટના દીવાન તરીકે રાજવહીવટ સંભાળ્યો હતો. રાજકોટમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમના પરિવારનું નિવાસ સ્થાન ક.બા. ગાંધીના ડેલા તરીકે ઓળખાતું જે હાલમાં ગાંધીજીની સ્મૃતિ તરીકે રાજકોટની સદર બજારમાં સચવાયું છે.
ગાંધીજીનું શિક્ષણ રાજકોટમાં
ક.બા. ગાંધી જ્યારે રાજકોટના દીવાન નિમાયા ત્યારે તેમનો પરિવાર રાજકોટ સ્થાયી થયો. આથી તેમના સંતાનોનું શિક્ષણ રાજકોટમાં પ્રારંભ થયું. એ અનુસંધાને મોહનદાસ ગાંધીને કુમળી વયે પ્રાથમિક શિક્ષણ હેતુ ધો.1 બ્રાન્ચ સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં ઇ.સ. 1877 થી 1879 દાખલ કરાયા ત્યાં તેમણે ધોરણ 01 અને 02 પૂરુ કર્યું, ત્યાથી મોહનદાસ ગાંધીને તા. 21-01-1979માં તે સમયે તાલુકા પરા સ્કૂલ તરીકે ઓળખાતી અને હાલમાં કિશોરસિંહજી તાલુકા શાળા નં.1 તરીકે ઓળખાય છે, એમાં દાખલ કરાયા હતા. ત્યાં તેમણે હાઇસ્કૂલમાં જતાં 01-12-1980ના રોજ શાળા છોડી. જેની નોંધ કિશોરસિંહજી તાલુકા શાળા નં.1ના રજીસ્ટરમાં હાલમાં પણ મોજૂદ છે.
મેં મુસ્લિમો અને ભાયાતો જોડે કરેલા વિનયનો સ્પષ્ટ અને સરળ અર્થ એટલો જ હતો કે ઠાકોરસાહેબે આપેલ વચન પૂરું કરવામાં તેમને મદદ કરવા હું તૈયાર હતો, જોકે ચુકાદા પછી તેવી મદદ કરવાનું બંધન રહેતું નથી. આમ છતાં ગમે તે કારણે પણ મુસ્લિમો તેમજ ભાયાતોએ ઠાકોરસાહેબને તેમનો વાયદો પૂરો કરવાની ફરજ અદા કરવાના બોજામાંથી મુક્ત કર્યા અને મારા ઉપર મોરચો માંડ્યો. તેઓ આ નિવેદનમાં અંતે કહે છે કે, એટલે હું ખાલી હાથે, ભાંગેલ દેહે અને આશાઉમેદ બધી દફનાવીને નીકળ્યો છું.
રાજકોટ મારે સારુ જીવનની અણમૂલી પ્રયોગશાળા નીવડ્યું છે. કાઠિયાવાડની રાજખટપટે મારી ધીરજની બૂરી કસોટી કરી છે. હું કાર્યકર્તાઓને કહીને આવ્યો છું દરબાર વીરાવાળા જોડે મંત્રણા કરો. મને અને સરદારને ભૂલો. જો તમને તમારી ઓછામાં ઓછી હાજતો પણ મળી રહે તો અમારા બેમાંથી એકને પૂછવા વાટ ન જોતાં તે સ્વીકારી શકો છો. દરબાર વીરાવાળાને મેં કહ્યું છે : હું હાર્યો ! તમે જીતજો. પ્રજાને અપાય તેટલું આપીને રીઝવજો અને મને તાર કરજો કે આ ઘડીએ બળી ખાખ થયેલી દેખાતી મારી આશાવેલ ફરી લીલી થવા પામે. (આ નિવેદન હરિજનબંધુમાં હું હાર્યો!ના મથાળા નીચે પ્રગટ થયું હતું અને 25 એપ્રિલ, 1939ના રોજ હિન્દુસ્તાન ટાઇમ્સ અને ધ હિન્દુમાં પણ પ્રગટ થયું હતું.
સંકલન: ધર્મરાજસિંહ વાઘેલા (જિલ્લા યુવા વિકાસ અધિકારી)