અણધારી કામ કરવાની પઘ્ધતિ, સ્ટાઈલ અને સુઝબૂઝ અન્ય કરતા ભિન્ન હોવાથી અબી અહેમદ નોબલ પુરસ્કારથી નવાજાયા
૨૦૧૮માં ઈથોપિયાનાં પ્રધાનમંત્રી બન્યા બાદ અબી અહેમદ અલીને ૨૦૧૯માં શાંતિ માટે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ પોતાની અણધારી કામ કરવાની પઘ્ધતિ, વ્યકિતગત સ્ટાઈલ, નિર્ણય શકિત તથા શુઝ-બુઝ અન્ય કરતા અલગ હોવાનાં કારણે તેઓને નોબલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. તેમનાં દ્વારા કરવામાં આવેલી કામગીરીથી ઈથોપિયન મંત્રાલય પણ ચિંતામાં અનેકવિધ વખત મુકાઈ જતું હોય છે. કારણકે તેઓ અનેકવિધ વખત મંત્રાલયને જાણ કર્યા વગર કોઈપણ દેશની મુલાકાતે જતા હોય છે જેમાં એક વખત તેમનાં પર ગ્રેેનેડથી હુમલો પણ થયો હતો. અબી અહેમદ અલી તેમની કાર્યપઘ્ધતિ અને કાર્યપ્રણાલીથી સૌથી વધુ જાણીતા છે જે તેને અન્ય કરતા ભિન્ન બનાવે છે.તેઓએ પાડોશી દેશ ઈરિટ્રિયા સાથે સરહદીય વિવાદનું સમાધાન લાવવા માટે અનેકવિધ હકારાત્મક પગલા ભર્યા હોવાનું સામે આવ્યું છે. ઈથોપિયાનાં વડાપ્રધાન અબી અહેમદ આર્મી ઇન્ટેલીજન્સનાં અધિકારી હતા. તેઓની કાર્યપ્રણાલી અન્ય લોકોથી ભિન્ન હોવાનાં કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા ત્યારે તેમની કામગીરીને દેશે બિરદાવ્યા બાદ તેઓને શાંતી માટે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
ઈથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલીને ૨૦૧૯ માટે પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ પાડોશી દેશ ઈરિટ્રિયા સાથે વર્ષોથી સરહદ માટે ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ આપવામાં આવ્યો છે. ૪૩ વર્ષીય અબી અહેમદને ઈથિયોપિયાના નેલ્સન મંડેલા પણ કહેવામાં આવે છે. સાઉથ આફ્રિકાના ગાંધી તરીકે જાણીતા નેલ્સન મંડેલા જેલમાંથી મુક્ત થયા ત્યારે અહમદ ફક્ત ૧૩ વર્ષના હતા. તે મંડેલાના ઘણા મોટા પ્રશંસક છે અને અવાર-નવાર તેમની તસ્વીર છાપેલી જર્સી પહેરતા હતા.
એપ્રિલ ૨૦૧૮માં અહમદ ઈથોપિયાના વડાપ્રધાન બન્યા અને આફ્રિકન દેશોના સૌથી યુવા રાષ્ટ્રાધ્યક્ષ બન્યા હતા. વડાપ્રધાન બનવાની સાથે જ તેમણે ઈથિયોપિયામાં ઉદારવાદી સુધારાઓ શરૂ કરી દીધા. વડાપ્રધાન બન્યાના ૧૦૦ દિવસની અંદર જ અબી અહમદે ઈમરજન્સી હટાવી દીધી હતી. મીડિયામાં સેન્સરશિપ હટાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે વિરોધ પક્ષના હજારો કાર્યકર્તાઓને જેલમાંથી મુક્ત કર્યા હતા. જે અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકર્તાઓનો દેશ નિકાલ કરાયો હતો તેમને પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી હતી. અબી અહમદે સૌથી મહત્વની પહેલ કટ્ટર હરીફ ઈરિટ્રિયા સાથે ખૂની સંઘર્ષ સમાપ્ત કરવાની કરી હતી. તેમના શાંતિના પ્રયાસો જોતા લોકોએ તેમની તુલના નેલ્સન મંડેલા સાથે કરી હતી. ગત વર્ષે વડાપ્રધાન બનવાની સાથે જ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ઈરિટ્રિયા સાથે શાંતિ વાર્તા શરૂ કરશે.
તેમણે ઈરિટ્રિયાના રાષ્ટ્રપતિ ઈસૈયસ અફવર્કી સાથે મળીને તે દિશામાં કામ શરૂ કરી દીધું હતું. તેમના પ્રયાસોના કારણે જ ઈથોપિયા અને ઈરિટ્રિયા વચ્ચે સરહદને લઈને ચાલી રહેલો વિવાદ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો હતો. બંને વચ્ચે ૨૦ વર્ષથી આ સંઘર્ષ અને વિવાદ ચાલી રહ્યો હતો. ૧૯૯૮થી ૨૦૦૦ દરમિયાન બંને દેશો વચ્ચે યુદ્ધ પણ થયું હતું. ઈરિટ્રિયા સાથે બે દાયકાથી ચાલી રહેલા વિવાદને સમાપ્ત કરવા ઉપરાંત અબી અહમદે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા વિવાદો ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ૨૦૧૮માં તેમની સરકારે ઈરિટ્રિયા અને જિબૂતી વચ્ચે ઘણા વર્ષોથી ચાલી રહેલી રાજકિય શત્રુતાને પણ ખતમ કરી હતી અને બંને વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવામાં મદદ કરી હતી. આ ઉપરાંત તેમણે કેન્યા અને સોમાલિયામાં દરિયાઈ વિસ્તારોને લઈને ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.