‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી-3માં હાલ એકેડેમીક સેશમાં ગુજરાતનાં નામાંકિત કલાકારો કોકોનટ થિયેટરના ફેસબુક પેઈજ પર રોજ સાંજે લાઈવ આવીને રંગભૂમિના વિવિધ વિષયો સાથે પોતાના અનુભવા શેર કરી રહ્યા છે. કલાના કોઈ પણ ક્ષેત્રમાં રસ હોય તેવા યુવા કલાકારો માટે આ શ્રેણી ઘણુ જ્ઞાન પીરસે છે.
કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ શ્રેણી’
‘અબતક’ના સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
રંગભૂમિ માટે સમગ્ર જીવન સમર્પિત કર્યું એવા 91 વર્ષના જનક દવે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન – 3 માં ગઈકાલે લાઈવ આવ્યા હતા. અનુભવની યુનિવર્સિટી કહી શકાય એવા જનક ભાઈએ કહ્યું 1934 કે 35 ની સાલ હશે માતા પિતા ચારધામ ગયા હતા, ત્યારે મમ્મીએ સખીઓના કેરીકેચર્સ રજૂ કર્યા ત્યારથી અભિનયનો પાયો જીવનમાં નંખાયો. મેટ્રિક સુધી નાટકો કર્યા, કરાવ્યા. સંસ્કારધામ એવા ભાવનગરમાં ગીત, સંગીત નાટય વગેરે લલિત કલાનો વિકાસ થયો હતો..ત્યાં મેં સ્થાનિક સંસ્થાઓ સાથે નાટકો શરૂ કર્યા. હરીના જન કહેવાતા હરિજન બાળકોની શાળામાં એમને સંસ્કાર આપવાનું, નાટય, ગીત, સંગીત શીખવવાનું કાર્ય કર્યું. ત્યાંથી મારા શિષ્યોની વિદાય લઈ વડોદરા આવ્યો, જ્યાં ગુરુ તુલ્ય જશવંત ઠાકર મળ્યા. ત્યાં ઘણાં નાટકોમાં કામ કર્યું. યુવાનોના પાત્રોની અપેક્ષાને બદલ મને મોટી ઉંમરના પાત્રો મળ્યા, ચેલેન્જ સ્વીકારી, પાત્રો ઉમદા રીતે ભજવ્યા. ચંદ્રવદન મહેતાના હાથ નીચે ખૂબ શીખ્યો. રાજકોટ ખાતે એચ.ઓ.ડી. તરીકે નિમણૂક થઈ. 63 થઈ 67 સુધી રાજકોટ ખાતે બહેનોને નૃત્ય, ભવાઇના સ્ટેપ્સ શીખવતો. ત્યારબાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં મને પંજાબી ભાષા શીખવાની શરતે ત્યાં કામ મળ્યું. ફરી ચેલેન્જ સ્વીકારી ભાષા શીખ્યો પંજાબી નાટકો પણ કર્યા. પત્નીના ભવિષ્યની ચિંતા કરી પંજાબમાં રાજીનામું આપીને ગુજરાત ખાતે પાછા ફર્યા. જ્યાં ફરી બાળકોને શિક્ષણની તાલીમ આપવાનું કામ શરૂ કર્યું. વિદ્યાર્થીઓ સાથે કામ કરતા શિક્ષક અને વિદ્યાર્થી કરતા એક જ પરિવારના સભ્યો તરીકે કામ કર્યું અને મારી વિદાય વખતે બાળકો રડી પડ્યા.
જનક દવે જેવા અનુભવી શિક્ષક અને કર્મઠ કાર્યકરની જીવન યાત્રા ખરેખર સાંભળવા જેવી છે. જેમાં ડગલેને પગલે ચેલેન્જ સાથે કંઈક નવું શીખવા મળે એવી વાતો છે મિત્રો આજની 90 વર્ષની કારકિર્દીમાં જનકભાઈ એ નાટક માટે ખરેખર પોતાના જીવનનું યોગદાન આપ્યું છે. એમના જીવનના ઘણા પાસાઓ સાંભળવા જેવા છે જીવનમાં ઉતારવા જેવા છે જેને તમે કોકોનટ થિયેટરના ફેસબુક પેજ ઉપર જોઈ શકશો સાંભળી શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.
આજે જાણિતા હાસ્ય કલાકાર મહેશ વૈદ્ય
કોકોનટ થિયેટરની એકેડેમીક સેશનમાં ગુજરાતભરમાં જેમની નામના છે તેવા હાસ્ય કલાકાર મહેશ વૈદ્ય આજે સાંજે 6 વાગે લાઈવ આવીને ‘કોમેડી ઈન ડ્રામા’ અને જનરલ લાઈફ સ્ટાઈલ વિષયક પોતાના વિચારો અને અનુભવો શેર કરશે તેમને ટ્રાન્સમિડિયા એવોર્ડ સાથે ગુજરાત રાજય નાટ્ય અકાદમી એવોર્ડ પણ મળ્યો છે. છેલ્લા ચાર દાયકાથી રંગભૂમી-ટીવી શ્રેણી સાથે હાસ્ય ક્ષેત્રનાં વિવિધ કાર્યક્રમોમાં તેમનું યોગદાન નિરાળુ રહ્યું છે. આ શ્રેણી માધ્યમથી યુવા કલાકારોને ઘણુ શીખવા મળે છે.