ઓપરેશન બ્લૂ સ્ટાર ઓપરેશન ભારતીય સેના દ્વારા અમૃતસર સ્થિત સ્વર્ણ મંદિરને ખાલિસ્તાન સમર્થક જનરૈલ સિંહ ભિંડરાવાલે અને તેના સમર્થકોથી મુક્ત કરાવવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં મશીનગન, હળવી તોપો, રોકેટ અને અંતમાં ટેન્કનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. ઓપરેશન બ્લૂ સ્ટાર 3થી 6 જૂન 1984 દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 83 સેનાકર્મી અને 492 આતંકી કે નાગરિક માર્યા ગયા હતા.
ઓપરેશનના આદેશ તત્કાલીન PM ઈન્દિરા ગાંધીએ આપ્યા હતા. આ એક એવી ઘટના છે જેના કારણે ઈન્દિરા ગાંધીની હત્યાની પટકથા લખવામાં આવી હતી. આ ઓપરેશન કરવાના આદેશ જ તેમના મૃત્યુનું કારણ બન્યું હતું. આજે આ ઓપરેશન બ્લૂ સ્ટારને 34 વર્ષ પૂરા થઈ ગયા છે.
પંજાબમાં સમસ્યાની શરૂઆત 1970ના દાયકાથી અકાળી રાજનીતિમાં ખેંચતાણ અને અકાળીઓની પંજાબ સંબંધિત માગણીથી શરૂ થઈ હતી. 1973 અને 1978માં અકાળી દળે ‘આનંદપુર સાહિબ પ્રસ્તાવ’ પસાર કર્યો હતો. મૂળ પ્રસ્તાવમાં સૂચન આપવામાં આવ્યું હતું કે, ભારતની કેન્દ્ર સરકારને માત્ર રક્ષા, વિદેશ નીતિ, સંચાર અને મુદ્રા પર અધિકાર હોય જ્યારે અન્ય વિષયો પર રાજ્યને પૂર્ણ અધિકારી આપવા જોઈએ. તેઓ ભારતના ઉત્તરી ક્ષેત્રમાં સ્વાયત્તતા ઈચ્છતા હતા.